આહારથી આરોગ્ય સુધી : ચોમાસામાં સ્વસ્થ રહેવા હર્બલ કાઢા અપનાવો…

-ડૉ. હર્ષા છાડવા
માનવ માટે એ જરૂરી છે કે તે સ્વસ્થ રહે. બીમાર શરીર આપણા મનને પણ બીમાર કરી દે છે મનને સ્વસ્થ રાખવું જરૂરી છે. જેઓ સ્વસ્થ છે તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે અને જીવનને શ્રેષ્ઠ બનાવે છે અસ્વસ્થ વ્યક્તિ પોતાની બીમારીઓમાં ગૂંચવાયેલી રહે છે એટલે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ અતિમહત્ત્વનું છે. નાશ પામેલો વૈભવ કે ધન ફરી મેળવી શકાય છે. બીમાર કે ક્ષીણ થયેલું શરીર વૈભવ કે ધન દ્વારા નથી મેળવી શકાતું. જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન નથી અને કેમિકલ યુક્ત, ખરાબ કે બિન જરૂરી આહાર આરોગો છો તો તે ડૉક્ટર કે ફાર્મા કંપનીઓને વધુ ફાયદો છે તેના તમે સરળ શિકાર છો.
ઘણીવાર આપણે એવી ખાદ્ય વાનગીઓ નથી બનાવી શકતા કે કોઈપણ પ્રકારના અભાવને લીધે પણ પોષક વાનગીઓ કે ખાદ્ય સામગ્રી નથી ખરીદી શકતા કે બનાવી શકતા નથી. જે આપણા શરીરમાં વિટામિન અને મિનરલ માટે જરૂરી છે. મોંઘી વસ્તુઓથી જ શરીર સ્વસ્થ રહે છે. એવું જરૂરી નથી. આપણે સ્વસ્થ રહેવા માટે કુદરતે આપણને અનેક વનસ્પતિઓની ભેટ આપી છે. જાગૃતતાથી આ વનસ્પતિઓનો ઉપયોગ કરી સ્વસ્થ રહી શકાય છે.
ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે.ચોમાસામાં વાતાવરણ ભેજવાળુ રહે છે તેથી પાચનની સમસ્યાઓ થાય છે. પાચન ન થતાં ગેસ્ટ્રીક (વાયુ) વ્યાધિઓ થઈ જાય છે. શરીરમાં સતત દુખાવો થાય છે. પેટમાં વાયુ ભરાય છે. જેથી પેટ ફૂલી જાય છે, ઓડકાર, ઊલ્ટી, માથું ભારે થવું, કમરના દુખાવા વગેરે વ્યાધિઓ વધુ જણાય છે. વાયુ વિકાર એ પાચન ન થવાને લીધે થાય છે જેથી શરીરમાં મિનરલ અને વિટામિન પણ ખોરવાઈ જાય છે.
ભારે તળેલા ખોરાક ખાવાથી કે ફ્રીઝમાં રહેલ ખોરાક લેવાથી, રેકડી કે હોટલનો ખોરાક લેવાથી પણ વ્યાધિ વધુ રહે છે. હોટલો કે રેકડીવાળા સફાઈ રાખતા નથી કે ઓછી રાખે છે જેથી વાસણોમાં ફુગ આવે છે અને બેકટેરિયાને કારણે પણ પાચન બગડે છે. શરીરના મિનરલ અને વિટામિન બગડવાનું કારણ પણ વધુ પડતા કેફેનનું સેવન ચહા, કોફી, હોટ ચોકલેટ કે ડબ્બામાં મળતાં કેફેન પીણીઓ. બીમારી અને વ્યાધિઓ માટે આપણે જ જવાબદાર છીએ.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : થાઈરોઈડનું એક કારણ સેલેનિયમની ઓછપ…
ચોમાસાનું વાતાવરણ એ ગરમીમાં રાહત આપનારું છે થોડી ઠંડક મનને પ્રફૂલિત કરે છે જેથી સ્વાભાવિક રીતે ગરમ પીણા તરફ મન વળે છે. આપણી પાસે કુદરતી રીતે મળતાં હર્બ્સની ભરમાર છે. જેનો કાઢો કે ઉકાળો બનાવી વાપરી શકાય છે. આ હર્બલ કાઢા શરીરના વિટામિન અને મિનરલ માટે અતિ જરૂરી છે. દવાઓનો આધાર એ નકામો છે. હર્બલ વનસ્પતિઓની દરેક વસ્તુઓ આપણને પાવડર કે આખા સ્વરૂપમાં આયુર્વેદિક દુકાનોમાં સરળતાથી ઉપલબ્ધ છે અને તે સહજ રીતે ખરીદી શકાય છે અને આપણાં ખિસ્સાને પણ પરવડે છે.
ચોમાસામાં હર્બલ કાઢા કે ઉકાળા પીવાથી શરીર શક્તિવાન અને ઊર્જાવાન બને છે માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે. ચહા કે કોફી શરીરનું કેલ્શ્યિમ બગાડી નાખે છે. કેલ્શિયમ બગડતા જ અનેક બીજી વ્યાધિઓ આવી જાય છે. કાઢા કે ઉકાળા માટે હર્બલ વનસ્પતિના પાવડર પાણીમાં ઉકાળી તેમાં સ્વાદ માટે બીજી સામગ્રી ઉમેરી લઈ શકાય છે.
જેમ કે અશ્વગંધા આ એક ટોનિક છે જે હાર્ટ, બ્લડસુગર, મેન્ટલહેલ્થ, માંસપેશીઓ માટે મજબૂતાઈ થી કામ કરે છે. અડધા ગ્લાસ પાણીમાં એક ચમચી પાવડર અશ્વગંધા અને જેઠીમધ એક ચમચી નાખી ને ઉકાળવું, ગાળીને પીવું. આ કાઢો સ્વાસ્થ્ય માટેનું જબરૂ કામ કરે છે. કેલ્શિયમ વધારી દે છે કફનો નાશ કરે છે. આખા દિવસ દરમિયાન તમે લઈ શકો છો જેથી શરદી માટે કે કેલ્શિયમની દવાઓ નહીં લેવી પડે.
અનંત મૂલ- આ રક્તશોધક છે જે જીવાણુના સંકમણ, ત્વચાની બીમારી, માનસિક વિકારોને દૂર કરી દે છે. લોહીને હંમંશા શુદ્ધ રાખે છે. અનંતમૂલ એક ચમચી પાવડર એક ગ્લાસ પાણીમાં નાખી અડધું થાય ત્યાં સુધી ઉકાળો, ઉકળી જાય પછી થોડા ઓરગેનિક ગોળ નાખો પછી થોડું દૂધ નાખી પી શકાય છે. આ ઉકાળો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : કોઈ કારણ વગર કે મતલબ વગર ખાવાની કુટેવો
અર્જુન છાલ- સદાબહાર વનસ્પતિ છે જે હૃદય રોગમાં સૌથી કારગર છે. ડાયાબિટીસને ક્ધટ્રોલ કરે છે. એ જરૂરી નથી કે હૃદયના રોગ કે ડાયાબિટીસમાં જ વાપરવું આનો કાઢો કે ઉકાળો બનાવી સવારના પીણાં તરીકે લેવો જોઈએ જેથી હૃદય પહેલેથી જ સ્વસ્થ રહે. કાનને પણ નિરોગી રાખે છે.
રાસના- શરીરનાં દર્દો, હાડકાનાં દર્દો, રકતની અશુદ્ધિ થઈ હોય તેમાં આ અતિ ઉપયોગી છે. વાયુ વિકાર દૂર કરનાર છે. માંસપેશીઓના સોજા વગેરે દૂર કરે છે. કાઢો કે ઉકાળો બનાવી લઈ શકાય છે.
ચિત્રક- પાચનસુધારના ત્વચાની સંભાળ કરનાર, સોજા કાઢી નાખનાર છે. ચિત્રકનો કાઢો સ્વાદિષ્ટ છે જેઠીમધ નાખીને પણ લઈ શકાય છે.
શતાવરી- આનો કાઢો એટલે શરીરની મજબૂતી છે. આખી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત રાખે છે દૂધમાં નાખીને પણ લઈ શકાય છે.
આપણી પાસે હર્બલ કાઢાનું ખૂબ જ મહત્ત્વ છે. તેમ જ મોટી યાદી છે. ગિલોય, ગુડમાર, ભૂમિઆવલા, આમળા, ધાણાબ્રાહ્મી, અજમોદ, અજમી, વરિયાળી, સૂવા, તજ, લંવિગ, મરી, તેજપતા, આંબાહળદર, રસીત, જટામાસી, મેંડુદીબીજ, ગોખરૂ, કાલમેધ તાલીસપત્ર, વિજયક્ષાર, તુલસી ફુદીનો, જીરુ, કાળુ જીરુ, એલચી, લવિંગની કાઢો લઈ શકાય. જે કેલ્શિયમ માટે મહત્ત્વનું છે. લવિંગની ઓ.આર.એ.સી વેલ્યુ ખૂબ જ વધારે એટલે ત્રણ લાખ ગણી છે. જે શરીરમાં ઓક્સિજનની માત્રા તરત જ વધારી દે છે. આર્ટિફિશ્યલ ઓક્સિજનની જરૂર નથી પડતી.
(ઓ.આર.એ.સી. વિશે તમે પણ જાણકારી રાખો.) એક ત્રણ વર્ષનું બાળક જેના નખ બધા જ સડી ગયા હતા. લવિંગના કાઢો આપ્યો, તેમ જ ખાવાનું સુધારી નાખ્યું જેથી તેના નખ જે સડી ગયા હતા (કાળા પડી ગયા હતા) તેમાં બે જ મહિનામાં સુધાર થયો. નખ પાછા સુંદર બની ગયા.
વાચક મિત્રો કોઈપણ ડર વગર આ કુદરતી કાઢા કે ઉકાળા બનાવીને વાપરો. નકામા ચહા, કોફી, કોલ્ડડ્રીંક અન્ય બાટલીમાં મળતા પીણા બંધ કરી. આ ઉકાળા બનાવી લ્યો. સ્વાસ્થ્ય માટે જરૂરી વસ્તુનો ઉપયોગ કરો. હજુ વધુમાં જો તમારી શક્તિ હોય તો કેસર, ચંદન (સફેદ લાલ)ના ઉકાળા પીવો.
ઉપર જણાવેલી યાદી તો નાની છે હજુ આપણી પાસે ઘણી જ હર્બલ વસ્તુઓ છે લગભગ સો જેટલી હર્બલ વનસ્પતિ છે જેના કાઢા અને ઉકાળા બનાવી શકાય છે. ઘણી વ્યક્તિઓ ફરિયાદ કરે છે કે એકની એક વસ્તુઓ ભાવતી નથી. રોજ નવું જોઈએ. તો મારે કહેવું એમ છે કે રોજ ચહા કે કોફી કે અન્ય પીણાંનો સ્વાદ તો એક જ ટાઈપનો છે. ચહા તો રોજ એકની એક છે તો તે કેમ ભાવે છે? તે રોજ બેથી ત્રણ કે તેથી વધુ પીવો છો! ચહાનો સ્વાદ તો એક જ જાતનો છે.
કાઢાને ઉકાળા તો આપને રોજ અલગ સ્વાદના મળી શકે છે. ચહા કે કોફી તો અતિ ઘાતક કેમિકલ યુક્ત છે તેનો શરીરને કોઈપણ ફાયદો થતો નથી. નશાકારક છે તો જરૂરથી ચેતી જાજો. હર્બલ કાઢા તમારી પસંદ તમારી શરીરની તકલીફના હિસાબે લઈ શકાય છે રોજ નવા કાઢા કે ઉકાળાનો સ્વાદ માણો. ‘અસલ દવા જમીનમાંથી આવે છે લેબમાંથી નહીં.’
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : શીતલા અષ્ટમી એટલે આરોગ્યનો તહેવાર