આરોગ્ય પ્લસ: હાડકાના રોગ

- સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
શું આપ જાણો છો?…
વિશ્ર્વમાં 50 વર્ષથી વધુ ઉંમરના 50% સ્ત્રીઓ અને 25% પુરુષોને ઓસ્ટીઓપરોસીસ થાય છે.
ઓસ્ટીઓપરોસીસ રોગના કારણે જે લોકોને થાપાનું ફ્રેક્ચર થાય છે તેમાંથી 25% લોકો 6 મહિનાની અંદર મૃત્યુ પામે છે.
જેમ કોઈ પણ ઈમારતની મજબૂતાઈનો આધાર તેમાં વપરાયેલા લોખંડના માળખા ઉપર હોય છે, તેમ જ આપણા શરીરની મજબૂતાઈનો મુખ્ય આધાર હાડકાંનું માળખું છે. આપણાં હાડકાં સ્ટીલ કરતાં ચાર ગણા મજબૂત હોય છે. શરીરના કુલ વજનનું આશરે 15% વજન તો માત્ર હાડકાંનું જ છે. તેમ જ શરીરમાં કુલ 206 હાડકાં હોય છે. આમ, શરીરના બંધારણમાં હાડકાંનો ફાળો મહત્ત્વનો હોવાથી હાડકાં સંબંધી કોઈ પણ બીમારી શરીરરૂપી ઈમારતને સીધું નુકસાન પહોંચાડી શકે છે.
આજના યુગમાં હાડકા સંબંધી મુખ્ય બે રોગ છે: વા Arthritis) અને હાડકાંનું ઓગળવું (Osteoporoisis) તે બંને રોગ પ્રાય: આપણા આહાર અને જીવનશૈલીની બેદરકારીને કારણે થતા હોય છે. તેથી આ બે રોગનો અહીં વિસ્તૃત ઉલ્લેખ કરેલ છે.
જો આહાર અને યોગ્ય જીવનશૈલી દ્વારા ઉપરોક્ત રોગથી બચી શકાતું હોય; તો શું, આપણે એટલા પણ સમજણા નથી કે આ રોગથી બચવા યોગ્ય જીવન પણ ન જીવી શકીએ..?
હાડકાં ઓગળવાં એટલે શું?
શરીરની અંદર હાડકાં બનવાની અને ઓગળવાની પ્રક્રિયા સતત શરૂ હોય છે. 25 વર્ષની ઉંમર સુધી હાડકાં બનવાની પ્રક્રિયા, ઓગળવાની પ્રક્રિયા કરતાં વધારે હોય છે. ત્યાર પછી 40 વર્ષની ઉંમર બાદ હાડકાં ઓગળવાની પ્રક્રિયા
વધી જાય છે; તેને જ ઓસ્ટીઓપરોસીસ કહેવાય છે.
આ પણ વાંચો…આરોગ્ય પ્લસઃ પેશાબની પળોજણ…બહુમૂત્ર
તેમાં પણ સ્ત્રીઓના માસિકધર્મ બંધ થાય બાદ તેમના શરીરમાં હાડકાં ઓગળવાની માત્રા પુરુષની તુલનામાં વધી જાય છે.
સ્વસ્થ હાડકું ……પોલું પડી ગયેલ હાડકું
*હાડકાં ઓગળવાનાં લક્ષણ:
*આ રોગનું સ્પષ્ટ જણાય તેવું કોઈ લક્ષણ નથી, છતાં પણ હાડકાં બરડ થઈ ગયા હોવાથી હાડકાં પર થોડું પણ દબાણ આવવાથી ફ્રેક્ચર થઈ જતું હોય છે.
*ઓસ્ટીઓપરોસીસના કારણે કમરના મણકાના 46% કાંડાંના 16%,
થાપાના 16% અને બાકીના અન્ય ફ્રેક્ચરો પણ થઈ શકે છે.
સાવધાની
વૃદ્ધમાણસોનાં હાડકાં નબળાં થઈ ગયાં હોવાથી હાડકાં પર થોડુંક પણ દબાણ આવવાથી ફ્રેક્ચર થવાની શક્યતા ખૂબ જ વધુ હોય છે.
તેથી શરીરનું પડખું ફેરવવું, બાથરૂમમાં જવું, નાહવું-ધોવું વગેરે શારીરિક ક્રિયાઓ કરવા-કરાવવામાં ખાસ સાવધાની રાખવી-રખાવવી.
આનાં કારણ ?
*વિટામિન-Dની કમી હોવી. (તડકાનું સેવન ખૂબ જ ઓછું હોવાથી.)
*સ્ત્રીઓમાં માસિકધર્મ બંધ થયા બાદ જરૂરી અંત: સ્ત્રાવોની કમી હોવી.
*શ્રમરહિત જીવન: 60થી 70% લોકોનાં હાડકાં 65 વર્ષની ઉંમર પહેલાં જ પર્યાપ્ત શ્રમના અભાવે અંદરથી પોલા થઈ જાય છે.
*ટેસ્ટાસ્ટરોનની કમી હોવી (પુરુષત્ત્વનાં લક્ષણોની કમી).
*વધુ પડતી સ્ટીરોઈડ જેવી દવાઓના ઉપયોગથી.
*મીઠું અને ખાંડનો આહારમાં વધુ પડતો ઉપયોગ કરવાથી.
*સિગારેટ, તમાકુ, દારૂ વગેરે નશીલા પદાર્થોના સેવનથી.
*અમુક લોકોને વારસાગત પણ આ રોગ થઈ શકે છે.
*આવી સ્થિતિમાં આહાર-વિહાર:
*કેલ્શિયમયુક્ત પદાર્થોનું ખૂબ જ સેવન કરવું. જેમ કે, દૂધ, દહીં, પનીર, ચીઝ, કેળાં, કાકડી, તલ, ફણગાવેલાં કઠોળ, અડદ, ચોળા, પાલક વગેરે…
*સફરજન, નાળિયેરનું તેલ, બદામવાળું દૂધ, ગોળ, આમળાં, મેથી વગેરેના ઉપયોગથી હાડકાં મજબૂત બને છે.
*રોજ 25થી 30 મિનિટ પરસેવો નીકળે એવો શારીરિક શ્રમ કરવો. કેમ કે, તેનાથી આ રોગ અટકાવી શકાય છે અને તેના દર્દીઓને રાહત પણ મળે છે.
*રોજ 20થી 25 મિનિટ વહેલી સવારના તડકાનું સેવન કરવું. તેનાથી શરીરમાં વિટામિન-D3ની માત્રા વધે છે, જેથી હાડકાં મજબૂત બને છે.
આનાં ઉપચાર:
*1 મુઠ્ઠી શેકેલા સફેદ તલ કે અળસીનો મુખવાસ રોજ સવારે લેવો.
- 1 કપ દૂધમાં 2 ચમચી બદામનો પાવડર નાખીને રોજ પીવો.
*3-5 ચમચી નારિયેળનું તેલ રોજ જમવામાં લેવું.
*નારિયેળ કે તલના તેલથી શરીર પર માલિશ કરીને હૂંફાળા પાણીથી સ્નાન કરવું. આ રીતે કરવાથી હાડકાં મજબૂત બને છે.
આ પણ વાંચો…આરોગ્ય પ્લસઃ પ્રોસ્ટેટનો સોજો, જેમ જેમ પુષની ઉંમર વધતી જાય તેમ તેમ…