આહારથી આરોગ્ય સુધીઃ એક છુપાયેલી ફેટ | મુંબઈ સમાચાર
તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ એક છુપાયેલી ફેટ

ડૉ. હર્ષા છાડવા

આજના નવા સમયમાં વર્કિંગ કપલનું ચલણ વધતું જાય છે. આર્થિક ઉપાર્જનનું મહત્ત્વ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવાને કારણે તેમ જ લક્ઝરી લાઇફસ્ટાઈલ માટે યુવા વ્યક્તિ ઉચ્ચ અભ્યાસ કરીને જોબ કરવાનું વધુ પસંદ કરે છે.

સ્ત્રીઓ પોતાની આર્થિક સ્વતંત્રતા માટે આજે કામકાજ કે જોબ કરવાની પહેલી પસંદગી કરે છે. સ્ત્રીઓ આજે લગભગ બધાં જ ક્ષેત્રે કામ કરે છે. તેમને રસોડું ઓછું પસંદ છે. અભ્યાસ માટે વધુ સમય જોઈએ પછી જોબ કરવાના કારણે લગ્ન મોટી ઉંમરે થાય છે. આ વાતાવરણ વિદેશમાં છે તે આજે આપણાં નાના શહેરથી લઈને મોટી મેટ્રોસિટીમાં દેખાવા લાગ્યું છે.

સોશ્યલ મીડિયાને કારણે તે કામકાજમાં તો ગામડાઓમાં પણ આજ વાતાવરણ દેખાય છે. મોટી ઉંમરે લગ્નના કારણે બાળકો પણ મોડા થાય છે. જેની અસર તેમની ઈમ્યુનિટી પર પડે છે. કામકાજી કપલ જે બહારના ખાદ્ય-પદાર્થનો ઉપયોગ વધુ કરી રહે છે. જેના કારણે તેમની ઈમ્યુનિટી પણ ઓછી થઈ રહી છે. સંયુક્ત કુટુંબમાં રહેવાનું હવે પસંદ નથી તેથી બાહ્ય વસ્તુઓનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે.

આ બદલાતા વાતાવરણમાં સ્વાસ્થ્ય સમસ્યા એ મોટો પડકાર છે. નાની વયમાં જ સ્વાસ્થ્ય સમસ્યા વધી રહી છે. નાની વયમાં મૃત્યુનો આંક વધી રહ્યો છે. આનું કારણ છે ખાદ્ય-પદાર્થનાં ઝેરી તત્ત્વો અને કદાચ વધુ પડતો કામકાજી બોજ. બાહ્ય ખાદ્ય-પદાર્થ ચોક્કસ રીતે બનતા નથી. તેને ટકાવવા કે સ્વાદ વધારવા માટે કેમિકલનો થતો વપરાશ. જેના કારણે તેમાંની કોઈ ચોક્કસ ફૂડ-વેલ્યૂ નથી. ફક્ત સ્વાદ અને પેટ ભરાય તેટલું જ.

કેમિકલ, પ્રિઝર્વેટિવ્સ, સ્વાદ વધારવાવાળા કેમિકલના કારણે તે યોગ્ય રીતે પચતાં નથી. જેના કારણે શરીરમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ વધી જાય છે. અને વિસરલ ફેટનું પ્રમાણ વધી જાય છે. આ એક છુપાયેલી ફેટ છે. જે શરીરનાં અંદરના અવયવ જેમ કે લીવર, આંતરડા અને હૃદયની આસપાસ જમા થાય છે. જેના કારણે સોજા આવવા, ડાયાબિટીસ ટાઇપ-2, હૃદયરોગ અને કંઈક પ્રકારના કેન્સરનું જોખમ રહે છે. કોલેસ્ટ્રોલની દવાને કારણે પગના ઘૂંટણ ખરાબ થાય છે.

વજન ઓછું કરવાના ઘણાં પ્રયત્નો કરે છે. જ્યારે તેમાં અસફળતા મળે છે. ત્યારે આ વિસરલ ફેટ આપણાં શરીરમાં છે તેનાં પર ધ્યાન દોરવું જરૂરી છે. શરીરમાં ત્રણ પ્રકારની ફેટ છે. સફેદ ફેટ, ભૂરી ફેટ અને આંતની કે છુપાયેલી ફેટ (વિસરલ ફેટ). તેમ જ બીજા નામ છે સંતૃપ્ત વસા, અસંતૃપ્ત વસા અને ટ્રાન્સ વસા. આ ટ્રાન્સ વસા એટલે વિસરલ ફેટ. જે સૌથી વધુ હાનિકારક છે. જે એલ.ડી.એલ. (ગુડ કોલેસ્ટ્રોલ)ને ઘટાડે છે.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધીઃ દાડમ કે સફરજન મામલે તમે ક્યાંક ભ્રમમાં તો નથી ને?

સફેદ વસા (સંતૃપ્ત વસા) જે શરીરમાં લગભગ હોય જ જે ઊર્જાનો સંગ્રહ કરે. શરીરનાં અંગોને નિયંત્રણમાં રાખે છે. હોર્મોનને સંતુલિત કરે.

ભૂરી વસા (સંતૃપ્ત વસા) આ સફેદ વસા કરતાં ઓછી હોય છે. ઊર્જાનો સંગ્રહ કરે, તાપમાનને નિયંત્રિત કરે. જે તરલ અવસ્થામાં છે. કોલેસ્ટ્રોલ માટે લાભકારી છે.

આંત વસા (છુપાયેલી ફેટ) વિસરલ ફેટ જે આંતરિક અંગો, પેટના અંગોની ચારેય તરફ જમા થઈ જાય છે. જે ઉચ્ચ સ્તર પર હાનિકારક છે. આ ફેટ શરીરમાં વધતાં બીમારીઓ પણ વધતી જાય છે. ઘણીવાર પાતળા લોકો ખૂબ જ બીમાર રહે છે. અથવા જલદી મૃત્યુ થાય છે. કારણ તેઓ ભ્રમમાં હોય છે કે અમારી ફેટ વધતી જ નથી. અમે કાંઈપણ ખાઈ શકીએ છીએ. તેઓ વધુ ગ્લાયસેમિક ઈન્ડેક્સવાળી આહાર પદ્ધતિ અપનાવે છે. જેથી વિસરલ ફેટ વધી જાય છે.

આ છુપાયેલી ફેટને કારણે તેમનામાં બીમારી જલદીથી આવે છે. કારણ કે આ એક સ્ટ્રોન્ગ ફેટ છે જેમાં કેમિકલ ખૂબ જ મજબૂત રીતે ચીપકેલા હોય છે. જે પેટ અને કમરનો ઘેરાવો કરે છે. જેના કારણે મલ્ટિપલ બીમારી થાય છે. ખાદ્ય-પદાર્થ કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સવાળા કે અતિ મીઠા, અતિ ખારા હોવાથી તેનાથી એસિડિટી વધી જાય છે.

એસિડિટીના કારણે નિંદર નથી આવતી. દવાઓને કારણે વધારે નિંદર ખરાબ થાય જેનાથી ઇન્સ્યુલીન સેલમાં શુગર પહોંચાડી શકાતું નથી. શુગર લોહીમાં રહી જતાં સેલ નબળા પડે છે અને લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. જે ખરાબ ફેટમાં પરિવર્તિત થાય છે.

આ ફેટ લોહી દ્વારા હાર્ટમાં જતાં ત્યાં જમા થાય છે અને હાર્ટની બીમારીઓ થાય છે. હાર્ટ બરાબર કામ ન કરે તો પ્રેશર વધી જાય છે. પ્રેશર વધવાથી કિડનીને વધુ કામ કરવું પડવું, દવા લેવાથી કિડની પર કામનું પ્રેશર વધતાં કિડનીનું ક્રિએટીનાઈન બગડે પરિણામે ડાયાલિસીસ કરાવવું પડે છે. આ બધી વ્યાધિ ભોગવવી ન હોય તો વાચક મિત્રો જીવન પદ્ધતિમાં (લાઇફ સ્ટાઇલ) સુધાર કરવો જરૂરી છે.

આર્થિક ઉપાર્જનની દોડ, લક્ઝરી પદ્ધતિ માટેની દોડ લોકોને બીમાર બનાવી રહી છે. બાળકોનું ભવિષ્ય પણ ખતરામાં છે. બાહ્ય ભોજન બંધ કરી ઘરમાં જૂની પારંપરિક પદ્ધતિથી ભોજન બનાવો, જેથી સ્વાસ્થ્ય સારું રહે. વધુ પડતાં પૈસા લક્ઝરી વસ્તુઓ ખરીદીમાં ન વેડફો. તે સારી સાચી ખાવાની વસ્તુઓ લેવામાં ખર્ચો.

બાહ્ય ભોજન ન લો પણ ઘરમાં શુદ્ધ ભોજન બનાવવું જરૂરી છે. બાહ્ય ભોજન ખરાબ છે તેની જાણ તો બધાને છે. આળસના કારણે જો ઘરમાં ભોજન પણ શુદ્ધ ન હોય તો આવી વિસરલ ફેટ જમા થવાની છે.

વિસરલ ફેટ સાકર, રિફાઈન્ડ તેલ, સોડા, ખરાબ પ્રકારનાં સોડિયમ, આઈસક્રીમ, બિસ્કિટ, જામ, સોસ, વધુ પડતાં તળેલાં ખાદ્ય પદાર્થથી થાય છે. ઘણીવાર ભૂખ ન હોવા છતાં પણ ખાવું એ પણ ફેટ બનાવે છે. ન જોઈતાં ડ્રિંક જેમ કે ચહા, કોફી, ચોકલેટ વગેરે સેલને મંદ કરી દે છે. ચાલ ધીમી થઈ જાય છે. ઊઠવું-બેસવું પણ તકલીફદાયક થાય છે. સુધારો કરવો એ જ ઈલાજ છે. તહેવારોમાં વધુ પડતી મીઠાઈઓ અને ફરસાણ ન ખાશો. ડિસેમ્બરથી માર્ચ મહિના સુધી બીમારીઓ વધુ જોવા મળે છે. કારણ કે દિવાળીમાં આ બધા પદાર્થો વધુ ખવાય છે.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : વિટામિન બી-1 નષ્ટ થવા ના દેતા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button