ઘરનો ભેદી દુશ્મન એવો રોગ: લ્યુપસ | મુંબઈ સમાચાર
તરોતાઝા

ઘરનો ભેદી દુશ્મન એવો રોગ: લ્યુપસ

આરોગ્ય એક્સપ્રેસ – રાજેશ યાજ્ઞિક

આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિનું કામ શું?
રોગપ્રતિકારક શક્તિની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તે આપણા શરીરને હાનિકારક પદાર્થો, જે આપણને બીમાર કરી શકે છે એવા સૂક્ષ્મજંતુઓ અને કોષીય ફેરફારોથી રક્ષણ આપે છે. રોગપ્રતિકારક શક્તિ વિના, આપણી પાસે બહારથી આપણા શરીરમાં પ્રવેશતી હાનિકારક વસ્તુઓ અથવા આપણા શરીરની અંદર થતા હાનિકારક ફેરફારો સામે લડવાનો કોઈ રસ્તો ન હોત.

જોકે, ઘણીવાર `ઘર કા ભેદી લંકા ઢાય’ જેવી સ્થિતિ પેદા થાય છે અર્થાત કે આ રોગપ્રતિકારક શક્તિ શરીરના દુશ્મનો સાથે લડવાને બદલે શરીર સાથે જ લડવા લાગે છે! આવી પરિસ્થિતિને તબીબી ભાષામાં સ્વયંપ્રતિરક્ષા ગડબડ (ઓટો ઇમ્યુન ડિસઓર્ડર) કહેવાય છે.

આવો જ એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે : લ્યુપસ.
લ્યુપસ એક એવો રોગ છે જેમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ આપણા પોતાના પેશીઓ અને અવયવો પર હુમલો કરે છે. લ્યુપસને કારણે થતી ઉત્તેજના શરીરની ઘણી વિવિધ પ્રણાલીઓને અસર કરી શકે છે, જેમાં આપણા સાંધા, ત્વચા, કિડની, રક્તકણો, મગજ, હૃદય અને ફેફસાંનો સમાવેશ થાય છે.

લ્યુપસનું નિદાન કરવું સરળ નથી હોતું, કારણ કે તેના ચિહ્નો અને લક્ષણો ઘણીવાર અન્ય બીમારીઓ સાથે મળતા આવે તેવા હોય છે.

લ્યુપસનું સૌથી વિશિષ્ટ લક્ષણ – ચહેરા પર ફોલ્લીઓ જે બંને ગાલ પર ફેલાયેલી પતંગિયાની પાંખો જેવું લાગે છે લ્યુપસના અમુક કિસ્સાઓમાં જોવા મળે છે.

કેટલાક લોકોમાં લ્યુપસ થવાની શક્યતા જન્મથી જ હોય છે, જે ચેપ, ચોક્કસ દવાઓ અથવા તો સૂર્યપ્રકાશને કારણે પણ થઈ શકે છે.

કેવા હોય છે લક્ષણો?
લ્યુપસનાં ચિહ્ન અને લક્ષણો એ વાત પર આધાર રાખે છે કે શરીરની કઈ સિસ્ટમો રોગથી પ્રભાવિત છે. સૌથી સામાન્ય ચિહ્ન અને લક્ષણોમાં સામેલ છે: થાક, તાવ, સાંધાનો દુખાવો, જડતા અને સોજો, ચહેરા પર પતંગિયા આકારની ફોલ્લીઓ જે ગાલ અને નાકના ભાગને ઢાંકે છે અથવા શરીર પર અન્યત્ર ફોલ્લીઓ, ત્વચા પર થતા જખમ જે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી દેખાય છે અથવા વધુ ખરાબ થાય છે. આ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં હળવો દુખાવો, સૂકી આંખો, માથાનો દુખાવો, મૂંઝવણ અને યાદશક્તિ ગુમાવવી, વાળ ખરવા, મોઢામાં ચાંદા, ગ્રંથીઓમાં સોજો, હાથ, પગ અથવા ચહેરા પર સોજો, પ્રકાશસંવેદનશીલતા (સૂર્યપ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા), ઈત્યાદિ

કેવી રીતે થાય નિદાન?
લ્યુપસનું નિદાન કરવું મુશ્કેલ હોઈ શકે છે કારણ કે તે તમારા શરીરના ઘણા ભાગોને અસર કરી શકે છે અને લક્ષણોમાં ઘણી વિવિધતા હોય છે. નાના ફેરફારો અથવા સમસ્યાઓ જે આપણને અસામાન્ય લાગે છે તે પણ ચાવીરૂપ હોઈ શકે છે. તબીબો આ રોગનું નિદાન કરવા લોહી અને પેશાબનું પરીક્ષણ કરે છે. તે ઉપરાંત, એન્ટિન્યુક્લિયર એન્ટિબોડી (એએનએ) પરીક્ષણ જે એન્ટિબોડીઝ શોધે છે, તેનો આધાર લેવામાં આવે છે. આપણી ત્વચા અથવા કિડનીની પેશીઓની બાયોપ્સી બતાવી શકે છે કે શું રોગપ્રતિકારક શક્તિએ એમને નુકસાન પહોંચાડ્યું છે ખં…

ઈલાજ શું?
હાલમાં લ્યુપસનો કોઈ ઈલાજ નથી. તબીબ લક્ષણોને ધ્યાનમાં રાખીને સારવારનું સંયોજન શોધવામાં મદદ કરશે જે લ્યુપસને લાંબા સમય સુધી કોઈ લક્ષણો અથવા ફ્લેર-અપ્સ વિના નિયંત્રણમાં રાખી શકે. તો લ્યુપસને નિયંત્રણમાં રાખવા કેટલીક મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, જેમકે, તડકામાં વધુ સમય વિતાવવાથી કેટલાક લોકોમાં લ્યુપસના લક્ષણો દેખાઈ શકે છે. તેથી સૂર્ય જ્યારે તપતો હોય ત્યારે બહાર જવાનું ટાળવું, હાથ સંપૂર્ણ ઢંકાય તેવા કપડાં પહેરવા, સનસ્ક્રીનનો ઉપયોગ કરવો.

સાંધાના દુખાવાથી હલનચલન મુશ્કેલ અથવા પીડાદાયક બની શકે છે, પરંતુ તમારા સાંધાને હલાવવા અને હળવી રીતે વાપરવાથી દુખાવો અને જડતા જેવાં લક્ષણોમાં રાહત મળી શકે છે. ચાલવું, સાઈકલ ચલાવવું, તરવું, યોગ અને તાઈ ચી એ તમારા સાંધા પર વધુ પડતો ભાર મૂક્યા વિના તમારા શરીરને સક્રિય રાખવાની શ્રેષ્ઠ રીતો છે.

લ્યુપસ સાથે જીવવું નિરાશાજનક હોઈ શકે છે. યોગ્ય માત્રામાં ઊંઘ (પુખ્ત વયના લોકો માટે સાત થી નવ કલાક) અને તમારા તણાવને ઓછો કરવાથી કેટલાક લોકોમાં ફ્લેર-અપ્સને રોકવામાં મદદ મળી શકે છે. ક્રોનિક બીમારી સાથે જીવવું એ સખત મહેનત છે અને દરરોજ તમારાં લક્ષણો પર નિયંત્રણ માટે પ્રયત્નો કરવા જરૂરી થઈ જાય છે.

આપણ વાંચો: ડાયાબીટીસ: આ ખતરનાક રોગનાં કારણ શું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button