મીટિંગને બહાને બોલાવી વેપારીનું અપહરણ કરી રૂપિયા વસૂલ્યા…

થાણે: મીટિંગને બહાને ઉલ્હાસનગરના વેપારીને બોલાવ્યા બાદ કથિત અપહરણ કરી 2.98 લાખ રૂપિયાની ખંડણી વસૂલવા બદલ પોલીસે ચાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વ્યાવસાયિક અદાવતને પગલે આ ગુનો આચરાયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
ઉલ્હાસનગરમાં રહેતા વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે એક આરોપીએ 13 ઑક્ટોબરે મીટિંગને બહાને બોલાવ્યો હતો. પછી પિસ્તોલની ધાકે વેપારીને મારલ ગામમાં ખાણ નજીકની નિર્જન રૂમમાં લઈ જવાયો હતો.
રૂમમાં ચાર જણે ફરિયાદીના જીપેનો પિન નંબર મેળવી તેના બૅન્ક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરી લીધાં હતાં. વેપારીને તેની પત્નીના એકાઉન્ટમાંથી પણ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. આરોપીઓએ 2.98 લાખ રૂપિયા વસૂલ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદને આધારે ઉલ્હાસનગર પોલીસે આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને ખંડણીનો ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ સૂચવે છે કે વ્યાવસાયિક અદાવત અને નણાકીય વિવાદને પગલે આ ગુનો આચરાયો હતો. એક આરોપીની ઓળખ નરેશ જગનમલ છાબ્રિયા ઉર્ફે નરેશ પાકિસ્તાની તરીકે થઈ હતી. પોલીસે આરોપીઓની શોધ હાથ ધરી હતી. (પીટીઆઈ)
આ પણ વાંચો…રોડ રેજની ઘટના બાદ ક્લીનરનું અપહરણ: ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર પૂજા ખેડકરના પિતાને આગોતરા જામીન મળ્યા