આમચી મુંબઈમહારાષ્ટ્ર

એમટીએચએલ પર ટોલ, જૂની પેન્શન યોજના અને દૂધ ઉત્પાદકોને અનુદાન

રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે મુંબઈ ટ્રાન્સહાર્બર લિંક પરથી પસાર થનારા વાહનો માટે રૂ. 250નો ટોલ વસૂલ કરવાનો, 2005 પહેલાં સેવામાં લેવાયેલા લોકોને માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તેમ જ દૂધ ઉત્પાદકોને રૂ. પાંચ અનુદાન લીટરદીઠ આપવાના મહત્ત્વના નિર્ણયો સાથે કુલ 10 નિર્ણયો લીધા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે અટલ સેતુ નામ અપાયેલા મુંબઈ નવી મુંબઈ વચ્ચેના શિવડી-ન્હાવા શેવાને જોડતા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન 12 જાન્યુઆરીએ થવાનું છે. રૂ. 17,843 કરોડને ખર્ચે બનેલા 21.8 કિલોમીટર લાંબા બ્રિજ પરથી પસાર થવા માટે વાહનચાલકો પાસેથી એમએમઆરડીએએ રૂ. 500નો ટોલ લેવાની માગણી કરી હતી, પરંતુ રાજ્યની કેબિનેટે આ ટોલનો દર અડધો એટલે કે રૂ. 250 કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.

કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલી માહિતી મુજબ મુંબઈથી નવી મુંબઈ જવા માટે અત્યારે જે સાત લીટર પેટ્રોલ લાગે છે તેને બદલે હવે ફક્ત એક જ લીટર પેટ્રોલ લાગશે અને તેથી ઈંધણનો પણ મોટા પ્રમાણમાં બચાવ થશે. આ પ્રોજેક્ટ માટે સરકારે મોટી લોન લીધી છે. ભારત સરકારના નિયમો મુજબ આને માટે રૂ. 500 ટોલ લેવાનું આવશ્યક હતું, પરંતુ મહારાષ્ટ્ર સરકારે રૂ. 250 ટોલ લેવાનું નક્કી કર્યું છે.

રાજ્ય સરકારે બીજો મહત્ત્વનો નિર્ણય જૂની પેન્શન યોજના અંગે લીધો હતો અને તેમાં જણાવવામાં આવ્યા મુજબ એક નવેમ્બર, 2005ના રોજ પ્રકાશિત થયેલી જાહેરાત અનુસાર સરકારી સેવામાં એક નવેમ્બર, 2005ના રોજ અથવા ત્યાર પછી રજૂ થયેલા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય ગુરુવારની કેબિનેટની બેઠકમાં લીધો હતો. આવા સરકારી કર્મચારી-અધિકારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓના ધોરણે મહારાષ્ટ્ર નાગરી સેવા પેન્શન નિયમ, 1982ની જોગવાઈઓ અનુસાર એક સમયનો વિકલ્પ આપવામાં આવશે. સંબંધિત રાજ્ય સરકારી કર્મચારી-અધિકારીઓએ આ નિર્ણય જાહેર થયાના છ મહિનાની અંદર એક વખત જૂની પેન્શન યોજના અને સંબંધિત નિયમો લાગુ કરવાની લેખિત જાણકારી આપવાની રહેશે. છ મહિનામાં જે કર્મચારી પોતાનો વિકલ્પ જણાવશે નહીં તેમને નવી પેન્શન યોજના લાગુ રહેશે.

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દૂધ ઉત્પાદક ખેડૂતો આંદોલનની ચિમકી ઉચ્ચારી રહ્યા હતા તે મુદ્દાનું ગુરુવારની કેબિનેટની બેઠકમાં નિરાકરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે દૂધ ઉત્પાદકોને લીટરદીઠ રૂ. પાંચનું અનુદાન આપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો. રાજ્યના કો-ઓપરેટિવ દૂધ સંઘોના માધ્યમથી આ યોજના અમલી બનાવવામાં આવશે. સહકારી દૂધ સંઘોએ ખેડૂતોને 3.2 ફેટ/8.3 એસએનએફ માટે લીટરદીઠ રૂ. 29 બેંક ખાતામાં જમા કરવા પડશે અને ત્યારબાદ ખેડૂતોને સરકાર તરફથી રૂ. પાંચનું અનુદાન બેંક ખાતામાં ડીબીટી દ્વારા આપવામાં આવશે. નવેમ્બરના આંકડા મુજબ અત્યારે સહકારી દૂધ સંઘો દ્વારા રોજ 43.69 લાખ લીટર દૂધ એકઠું કરવામાં આવે છે. આમ અનુદાન માટે બે મહિના માટે રૂ. 135.44 કરોડનો બોજ સરકારને પડશશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં આ અનુદાન આપવામાં આવશે.

આ ઉપરાંત વિદર્ભમાં સિંચનનો અનુશેષ દૂર કરવા માટે વૈનગંગા-નળગંગા પ્રોજેક્ટમાં પાણીની ઉપલબ્ધતા અંગેની શરતને શિથિલ કરવામાં આવી છે.

મંત્રાલયમાં ક્લાર્ક-ટાઈપિસ્ટને દર મહિને રૂ. પાંચ હજાર ભથ્થા તરીકે આપવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.


પાવરલૂમને પ્રોત્સાહન આપવા માટે ઈચલકરંજી પાવરલૂમ મેગા ક્લસ્ટરને માટે મૂડીલક્ષી અનુદાન આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો, જેનો લાભ 400 ઉદ્યોગોને થશે.

રેશમના વિકાસ માટે સિલ્ક સમગ્ર-2 યોજના અમલમાં મૂકવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને પગલે રેશમના ઉત્પાદક ખેડૂતોને લાભ થશે.

દ્રાક્ષના ઉત્પાદકો માટે લેવાયેલા મહત્ત્વના નિર્ણયમાં વાઈન ઉદ્યોગને માટેની પ્રોત્સાહન યોજના સાત વર્ષ સુધી લંબાવવામાં આવી છે.

નાંદેડથી બિદર વચ્ચે નવી બ્રોડગેજ બાંધવાના કામને ગતિ આપવા માટે રૂ. 750 કરોડના ખર્ચને માન્યતા આપવામાં આવી છે.

સહકારી સંસ્થાઓ સંબંધી એક મહત્ત્વના નિર્ણયમાં સંસ્થાના પદાધિકારીઓ સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ માંડવાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણય મૂજબ બે વર્ષની અંદર સહકારી સંસ્થાના અધિકારીઓ સામે બે વર્ષના સમયગાળા સુધી કોઈ અવિશ્ર્વાસ પ્રસ્તાવ માંડી શકાશે નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”