વિજય રેલી નહીં, રૂદાલી સભા હતી! રાજ-ઉદ્ધવના મિલન પર દેવેન્દ્ર ફડણવીસે કર્યો વળતો પ્રહાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી શરૂ થયો છે. ત્યારે મુંબઈમાં એક વિજય રેલી દરમિયાન મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આશરે 18 વર્ષ પછી એક મંચ પર સાથે જોવા મળ્યાં છે.
આ દરમિયાન રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું અને વાક્ પ્રહારો કર્યાં હતા. જેથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ બન્ને નેતાઓને વળતો જવાબ આપ્યો છે.
આપણ વાંચો: રાજ-ઉદ્ધવે મરાઠી ભાષાના ગૂણગાન ગાયા અને મારામારી વિશે કરી આવી વાત
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ
વિજય રેલીમાં બોલતા રાજ ઠાકરેએ એક તીક્ષ્ણ અને કટાક્ષપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે, જે કામ શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરે ન કરી શક્યા તે ફડણવીસે કર્યું, તેમણે બંને ભાઈઓને એક કર્યા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતે તેમના નિવેદન પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી. આ મામલે ફડણવીસે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને વળતો જવાબ આપ્યો છે.
જે રેલી યોજાઈ તે વિજય રેલી નહીં પણ રૂડાલી સભા હતીઃ દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘હું રાજ ઠાકરેનો આભાર માન્યું છું કે, તેમણે મને બંને ઠાકરે ભાઈઓને એકસાથે લાવવાનો શ્રેય આપ્યો.
જાણે મને બાળાસાહેબના આશીર્વાદ મળ્યા હોય, પણ જે રેલી યોજાઈ તે વિજય રેલી નહીં પણ રૂડાલી સભા હતી. ભાષણોમાં મરાઠી ભાષાનો ઉલ્લેખ પણ નહોતો. ફક્ત સત્તાની લાલસા અને ઉદાસીની વાતો થતી હતી’. ફડણવીસે રાજ ઠાકરેને વ્યંગાત્મક રીતે જવાબ આપ્યો છે.
આપણ વાંચો: મુંબઈમાં મરાઠી ભાષાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો, ઉદ્યોગપતિ સુશીલ કેડિયાની ઓફિસમાં તોડફોડ
આપણે હિંદુ પણ છીએ, જેથી હિંદુત્વ પર પણ એટલો જ ગર્વ છેઃ ફડણવીસ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે, છેલ્લા 25 વર્ષથી શિવસેના મુંબઈ મહાનગરપાલિકા પર નિયંત્રણ રાખતી હતી, પરંતુ તેમણે કંઈ કર્યું નહીં. જ્યારે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મુંબઈને નવું રૂપ આપવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે મરાઠી લોકોને બહાર કાઢ્યા.
અમે બીડીડી ચાલ, પત્રા ચાલ અને અભ્યુદય નગરના મરાઠી પરિવારોને એક જ જગ્યાએ વધુ સારા ઘર આપ્યા. આ જ વાત તેમને દુઃખ પહોંચાડી રહી છે. વધુમાં કહ્યું કે, અમે મરાઠી છીએ અને અમને મરાઠી ભાષા પર ગર્વ છે, પરંતુ આપણે હિંદુ પણ છીએ. જેથી હિંદુત્વ પર પણ એટલો જ ગર્વ છે.
અમારૂ હિંદુત્વ સૌથીને સાથે લઈને ચાલે તેવું છે. મહત્વની વાત એ છે કે, ફડણવીસના નિવેદનને આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે ભાજપની રણનીતિ સાથે જોડવામાં આવી રહ્યું છે, જેમાં હિન્દુત્વ કાર્ડ ફરીથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.