હરિયાણાના પોલીસ બેડામાં ખળભળાટઃ આઈપીએસ અધિકારીએ રહસ્યમય સંજોગોમાં કરી આત્મહત્યા

ચંદીગઢ: સરકારી વિભાગમાં ઘણી વાર કર્મચારીઓ અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા હોય છે. ખાસ કરીને પોલીસ વિભાગમાં પોલીસ અધિકારીઓ પોતાની જ સર્વિસ રિવોલ્વર વડે પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. આજે હરિયાણાથી આવી જ એક ઘટના સામે આવી છે. હરિયાણા પોલીસમાં ફરજ બજાવતા એક ADGPએ આત્મહત્યા કરી લીધી છે.
સેક્ટર 11માં કરી આત્મહત્યા
ચંદીગઢમાં ADGP તરીકે ફરજ બજાવતા એક પોલીસ અધિકારીએ આત્મહત્યા કરી લીધી છે. ADGP વાય એસ પૂરને સેક્ટર 11માં આત્મહત્યા કર્યાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે તેમની આત્મહત્યાનું કોઈ કારણ સામે આવ્યું નથી. કારણ કે તેઓ કોઈ સુસાઈડ નોટ છોડીને ગયા નથી.
આ પણ વાંચો: કલ્યાણપુરના પિતાએ ૫ વર્ષની પુત્રી અને ૩ વર્ષના પુત્રને ઝેર પીવડાવી આત્મહત્યા કરી; કારણ હતું….
પોલીસે હાથ ધરી તપાસ
ADGP વાય એસ પૂરનની આત્મહત્યાને લઈને પોલીસ બેડામાં શોકનો માહોલ ફેલાયો છે. વાય એસ પૂરન હરિયાણાની 2001ની બેસના આઈપીએસ અધિકારી હતા. તેઓ પોતાના કામ અને ઈમાનદારી માટે જાણીતા હતા. હરિયાણા પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને આત્મહત્યાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, વાય એસ પૂરનના પત્ની પણ આઈએએસ અધિકારી છે. તેઓ હાલ હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સૈની સાથે જાપાનના પ્રવાસે ગયા છે.