ઈન્ટરવલ

ઈશ્ર્વર સમયથી પહેલાં નથી આપતો:ધીરજ ધરવી પડે

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

‘વાત વિજણી’ જેવો એક શબ્દ પ્રયોગ કચ્છીમાં થતો હોય છે. અહીં ‘વાત’નો અર્થ થાય છે ઝઘડો કરવો પણ મૂળ અર્થ થાય છે કોઈને બચકાં ભરવાં! કોઈ કાર્યનો પ્રારંભ થતો હોય ત્યારે ઝઘડો થાય કે, કોઈને ‘તોડી પડાય’ ત્યારે પ્રયોજાતી એક ચોવક છે: ‘અચેતી રાત, ને વિજેતી વાત’ હવે આ આખી ચોવકનાં બંધારણને સમજીએ. ગુજરાતીમાં કહેવું હોય તો એમ કહેવાય કે, “રાત પડી નથી ને (તેણે) ઝઘડો શરૂ કર્યો નથી. હવે અહીં ‘તેણે’ની જગ્યાએ પત્ની શબ્દ મૂકીને આખી ચોવક ફરીથી વાંચો! કેન્દ્રમાં સ્ત્રીને રાખીને ચોવક બની: “અચેતી રાત, ને વિજેતી વાત ‘અચેતી’ એટલે આવે છે અને ‘વિજેતી’ એટલે કરે છે, નાખે છે. પ્રેમ કરવો તો કોરાણે રહ્યો પણ રાત પડે અને મિલન થાય કે ઝઘડાની શરૂઆત થાય. હવે અહીં ‘રાત’ની જગ્યાએ કોઈ ‘મહત્ત્વની વાત’ કે ‘મહત્ત્વનું કામ’ એ શબ્દોનો પ્રયોગ પણ કરી શકાય. એમ કરતાં ‘પત્ની’ ચોવકમાંથી નીકળી જાય અને અન્ય કોઈ વ્યક્તિ તેનું સ્થાન લઈ લે!
હવે, આવા કજિયા કે કટુ વેણનું પરિણામ તો સારું ન જ આવે, એટલે એવી ચોવક બની કે, “કજિયે મેં લડું નવે મતલબ કે, કજિયામાં કે ઝઘડામાં કે કટુવેણમાં મિઠાસ તો ન જ હોય ને? ‘લડુ’ મીઠાસની જગ્યાએ મુકાયેલો શબ્દ છે. ગુજરાતીમાં આપણે ‘લાડુ’ કહીએ છીએ. અહીં સંબંધોમાંથી મીઠાસની વિદાય અને કંકાસના પ્રવેશની વાત બેખૂબીથી વણાઈ ગઈ છે!
આવા કજિયા-કંકાસ અટકે કઈ રીતે? બેમાંથી એક જણે તો નમતું જોખવું જ પડેને? વાતનો નિવેડો તો લાવવો જ પડે ને? એવો નિવેડો લાવવાની વાતને વણી લેતી એક ચોવક પણ પ્રચલિત છે: “કાં રબ ડે ને કાં રજા ડે સમાધાનનો માર્ગ છે. અર્થ થાય છે: કાં તો રાબ (મીઠાસ) આપ અને કાં તો મને રજા આપ. રજા આપ એ છૂટા પડવાની વાત નથી પરંતુ “તારી કડવી જબાન હવે બંધ કર એ અર્થમાં છે.
ઘણીવાર એવું બને છે કે, આવા ઝઘડા તરત શમી પણ જતા હોય છે. તેને, દૂધને ગરમ કરતાં જે ઉફાણા આવે તેની સાથે સરખાવવામાં આવે છે. એ અર્થમાં ચોવક પણ છે કે, “ખીર વારા ઉફાંણ, સે કિતરી વાર? ખીર એટલે દૂધ, ‘ઉફાંણ’નો અર્થ થાય છે ઉફાણું અને ‘કિતરી વાર’ એટલે કેટલી વાર કે કેટલો સમય! દૂધમાં આવેલું ઉફાણ કેટલીવાર ટકે? બસ એટલી વાર જ ઝઘડો ચાલ્યો.
સમયથી પહેલાં ઈશ્ર્વર પણ કંઈ આપતો નથી, પરંતુ માણસ કલ્પના કરીને સમયથી પહેલાં જ મેળવી લેવા હવાતિયા મારે છે. અથવા તો ‘મળી ગયાની’ કલ્પના કરીને તેનો આનંદ લે છે. ચોવક છે: “કપા કાલે મેં નેં ચોફાર જો જગડો આવું ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. કપાસ ઊગે પણ એ કાલામાં ભરાયેલો હોય! ઊગતા કપાસને જોઈએ કલ્પનાના ઘોડા દોડવા લાગે કે મબલખ ઊતરશે તો આમ કરશું… તેમ કરશું! અહીં ‘ચોફાર’ શબ્દનો ઉપયોગ થયો છે. તેનો અર્થ થાય છે ‘ચોફાળ’. જે કપાસમાંથી જ બનતો હોય છે. તો આખી ચોવકનો અર્થ એ રીતે પણ થઈ શકે કે, કપાસ ઊગશે ઊતરશે, કાલાં ફોલાશે પછી… ઘરના સભ્યો વચ્ચે એવો ઝઘડો થાય કે, એ કપાસમાંથી મારો ચોફાળ બનાવડાવીશ!
ચોવકોમાં ઊંડાણ હોય છે અને જેટલા ધારો એટલા અર્થ કાઢી શકાય છે. ઉદાહરણ આપું છું: “અધમેં હારી, ને અધમેં આકાય ‘અધમેં’ એટલે ‘અડધામાં’, ‘હારી’ એટલે કામ પર રાખેલો નોકર કે મજૂર. ‘આકાય’ એટલે પરિવાર. હવે એ મજૂર કે નોકરનો ખોરાક એટલો હોય છે કે, એ એકલો જ અડધા પરિવાર જેટલું ખાઈ જાય છે! પણ આ ચોવકના વ્યાપક અર્થ અને પ્રયોગ થઈ શકે છે, અને થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?