ટોપ ન્યૂઝનેશનલ

અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેનઃ રાજસ્થાનના 355 ગામમાંથી પસાર થશે, મુસાફરીનો સમય ઘટશે…

હાઇ-સ્પીડ રેલ ટ્રેકનો 75 ટકા એટલે કે 657 કિલોમીટરનો રૂટ રાજસ્થાનમાં હશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેનનું સપનું સાકાર કરવા માટે રેલવે મંત્રાલય સાથે અન્ય એજન્સી કમર કસી રહી છે ત્યારે અમદાવાદ-મુંબઈના કોરિડોર સિવાય અમદાવાદ-દિલ્હી કોરિડોરને પણ સમાવી લેવાની યોજના છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટૂંક સમયમાં રાજસ્થાનમાં વાસ્તવિકતા બની શકે છે, જેમાં મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ લાઇનને દિલ્હી સુધી લંબાવવાની દરખાસ્તો છે. જોકે આ પ્રોજેક્ટ હજુ સુધી ચાલુ નથી થયો. તે ભારતના મોટા બુલેટ ટ્રેન નેટવર્કનો એક ભાગ બની શકે છે, જે રાજસ્થાનને દિલ્હી અને અમદાવાદ જેવા મહત્વના શહેરો સાથે જોડી શકે છે. જો આ યોજના સફળ થશે, તો તે મુસાફરીનો સમય ઘટાડશે, પ્રવાસન વધારશે અને સ્થાનિક વિકાસમાં મદદ કરશે.

આ બુલેટ ટ્રેન માટે હાઇ-સ્પીડ ટ્રાયલ ટ્રેક રાજસ્થાનના જોધપુર રેલવે ડિવિઝન હેઠળ, નાગૌર જિલ્લામાં, સાંભર તળાવની નજીક, નવા શહેરથી એક કિલોમીટર દૂર બનાવવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ પ્રસ્તાવિત વિસ્તરણ લગભગ 878 કિલોમીટર સુધી હશે અને અજમેર, ઉદયપુર, જયપુર અને અલવર સહિતના મહત્વપૂર્ણ શહેરોમાંથી પસાર થશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી બુલેટ ટ્રેન 350 કિમી/કલાકની ઝડપે દોડાવી શકાય એવી અપેક્ષા છે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ફેબ્રુઆરી 2025માં એક લેખિત જવાબમાં સ્વીકાર્યું હતું કે દિલ્હી-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો એક વ્યાપક વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) બનાવવામાં આવ્યો છે.

દિલ્હી-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ લાઇન રાજસ્થાનના સાત જિલ્લાઓના 335 ગામોમાંથી પસાર થશે, જેમાં ઉદયપુર, ડુંગરપુર, જયપુર, અજમેર, ભીલવાડા અને ચિત્તોડગઢનો સમાવેશ થાય છે. આ લાઇન પર 11 સ્ટેશનો હોવાની અપેક્ષા છે, જેમાંથી ઉદયપુર, ભીલવાડા, ડુંગરપુર (ખેરવાડા), અજમેર, ચિત્તોડગઢ, કિશનગઢ, જયપુર અને અલ્વર (બેહરોર) આ 7 સ્ટેશનો રાજસ્થાનમાં હશે.

આયોજિત રૂટ દિલ્હીના દ્વારકા સેક્ટર 21થી શરૂ થશે. ગુરુગ્રામ થઈને ચૌમા ખાતે જશે ત્યાર પછી માનેસર અને રેવાડી થઈને અલવરની શાહજહાંપુર સરહદ સુધી જશે. બુલેટ ટ્રેનના કોરિડોરમાં જયપુર, અજમેર, ચિત્તોડગઢ, ભીલવાડા, ડુંગરપુર અને અમદાવાદમાં સ્ટોપેજ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48નો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રોજેક્ટના ભાગરૂપે રાજસ્થાનમાં 9 સ્ટેશન- બેહરોર, શાહજહાંપુર, અજમેર, જયપુર, વિજયનગર, ચિત્તોડગઢ, ભીલવાડા, ઉદયપુર અને ડુંગરપુરનું નિર્માણ કરવામાં આવશે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જોધપુરનો સમાવેશ થશે નહીં. અમદાવાદ-દિલ્હી કોરિડોરના પ્રારંભિક સર્વે અને અંતિમ ડીપીઆરમાંથી શહેરને બાકાત રાખવામાં આવ્યું હતું. મૂળ 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ રૂટનું કામ હાલમાં ચાલી રહ્યું છે અને 300 કિલોમીટરનો ટ્રેક તૈયાર છે. દિલ્હી અને અમદાવાદ વચ્ચેના અંદાજિત 878 કિલોમીટરના હાઇ-સ્પીડ રેલ ટ્રેકનો 75 ટકા એટલે કે 657 કિલોમીટરનો રૂટ રાજસ્થાનમાં હશે.

આ પણ વાંચો : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકવાનું કારણ શું, કોણ છે ‘વિલન’?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button