શું સતત 5 મહિના ઘટાડા બાદ ભારતીય શેરબજારની ગાડી પાટા પર આવશે? જાણો શું કહે છે આંકડા

મુંબઈઃ ભારતીય શેરબજાર હાલ મંદીનો માહોલ છે. રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે. રોકાણકારોને શું કરવું તેની મૂંઝવણ છે. 1996 પછી પ્રથમ વખત સતત 5 મહિના સુધી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીએ પણ 29 વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટી તેના સર્વકાલીન ઉચ્ચ સ્તર 26,277.35 થી 16 ટકા અથવા 4,150 પોઈન્ટ ઘટી ગયો છે.
શેરબજારમાં ઘટાડાના કારણો
વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી, ડોલર સામે રૂપિયામાં ઘટાડો, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત, ભારતીય કંપનીઓના નબળા પરિણામો અને સુસ્ત અર્થતંત્રએ રોકાણકારોનો મૂડ બગાડ્યો છે. આના કારણે, ભારતીય બજારમાં વેચવાલી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, શું છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલો ઘટાડો માર્ચમાં અટકશે કે નહીં તેના રોકાણકારોની નજર છે.
છેલ્લા 10 માંથી 7 વર્ષમાં તેજી આવી
શેરબજારના ડેટા પર નજર કરીએ તો, છેલ્લા દસ વર્ષમાં માર્ચ મહિનામાં 7 વખત બજારમાં તેજી જોવા મળી છે. છેલ્લા 10 વર્ષના ડેટા દર્શાવે છે કે નિફ્ટી 2016, 2017, 2019, 2021, 2022, 2023 અને 2024માં વધારા સાથે બંધ થયો હતો, જ્યારે 2015, 2018 અને 2020માં તે નુકસાન સાથે બંધ થયો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ખરીદીને કારણે માર્ચ 2016 માં નિફ્ટીએ તેનો સૌથી વધુ 11 ટકા વધારો નોંધાવ્યો હતો. 2023માં સૌથી ઓછું 0.32 ટકા વળતર આપ્યું હતું. 2020માં નિફ્ટીનો સૌથી મોટો ઘટાડો માર્ચમાં 23 ટકા હતો, જે કોવિડ 19 અને ત્યારબાદ લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે થયો હતો. 2015માં, ઇન્ડેક્સ 4.6 ટકા ઘટ્યો હતો, જ્યારે 2018માં તે 3.6 ટકા ઘટ્યો હતો.
આ પણ વાંચો…Black Friday-2: શેરબજારમાં 30 વર્ષનો ‘રેકોર્ડ’ તૂટ્યો, ‘અફડાતફડી’ને લઈને રોકાણકારો દ્વિધામાં…
વિદેશી રોકાણકારોએ સૌથી વધુ વેચવાલી કરી
ફેબ્રુઆરીના છેલ્લા દિવસે શુક્રવારે, વિદેશી રોકાણકારોએ સૌથી મોટી વેચવાલી કરી હતી. શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એ 11,639 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા, જે ફેબ્રુઆરીમાં તેમની સૌથી મોટી એક દિવસીય વેચવાલી છે. આખા મહિના દરમિયાન, તેઓ રૂ. 34,574 કરોડના શેર વેચ્યા હતા. 20ટ્રેડિંગ સેશનમાં, તેઓ ફક્ત બે વાર ખરીદદાર બન્યા હતા. 18 ફેબ્રુઆરીએ,4786.6 કરોડ રૂપિયાના અને 4 ફેબ્રુઆરીએ 809.2 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.