(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇસેસ અને કલ્વર મેક્સ એન્ટરટેઇનમેન્ટ (અગાઉની સોની પિકચર્સ નેટવર્ક)ના મર્જરનું ભાવિ ફરી ઘોંચમાં પડ્યું હોવાની ચર્ચા વચ્ચે ઝી એન્ટરટેન્મેન્ટના શેરમાં જોરદાર વેચવાલી આવતા સવારના સત્રમાં તેમાં ૧૪ ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો.
સવારના સત્રમાં બીએસઇ પર આ શેર ૧૨.૬૬ ટકા ગગડીને રૂ. ૨૪૨.૩૦ અને એનએસઇ પર, તે ૧૩.૬૦ના કડાકા સાથે રૂ. ૨૪૦.૩૦ની સપાટીએ પહોંચ્યો હતો. સત્રને અંતે બીએસઇ પર આ શેર નીચા સપાટી સામે થોડા સુધારાએ ૭.૬૦ ટકાના ઘટાડા સાથે રૂ. ૨૫૬.૩૫ની સપાટીએ સ્થિર થયો હતો.
ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇસ અને કલ્વર મેક્સ એન્ટરટેઈનમેન્ટ વચ્ચેના ગસ બિલિયન ડોલરના મર્જરનું ભાવિ ફરી અધ્ધરતાલ થઇ ગયું છે, કારણ કે ઉપરોક્ત બંને પક્ષ તેમને અપાયેલા વધારાના એક મહિનાના સમયગાળાના અંતે કરારને અંતિમ સ્વરૂપ આપવામાં નિષ્ફળ રહ્યાં છે. એક મહિનાનો ગ્રેસ પીરિયડ ૨૧ જાન્યુઆરીએ સમાપ્ત થશે.
માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ (ઝીલ)ના એમડી અને સીઈઓ પુનિત ગોએન્કાને ફંડ ડાઇવર્ઝન કેસમાં ઝી અને અન્ય કોઇપણ એન્ટિટીમાં કોઇપણ સંચાલનીય પદ લેવા સામે પ્રતિબંધ ફરમાવ્યા બાદ સોનીએ ચિંતા વ્યક્ત કરી હતી અને ત્યાર પછી મર્જર બાદની એન્ટિટીના વડપણ અંગે બંને પક્ષો હજુ સુધી સંમત થયા નથી.
સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા સેબીના આદેશ પર સ્ટે મુકવામાં આવ્યો હોવા છતાં, જાપાનમાં કડક કોર્પોરેટ ગવર્નન્સ નીતિને કારણે ગોએન્કા મર્જ કરેલ એન્ટિટીનું નેતૃત્વ કરવા માટે સોનીને અનુકૂળ નથી. વિવાદાસ્પદ મુદ્દો માત્ર ગોએન્કાના વિલીનીકરણની આગેવાની પર જ નથી, પરંતુ સોદો પૂર્ણ થવો એ પણ તેના પર નિર્ભર છે કે ભારતીય પેઢી અન્ય શરતોના પાલન માટે કેટલી સક્ષમ છે, એમ ઉદ્યોગના એક સૂત્રએ જણાવ્યું હતું.
Taboola Feed