બે પાડાની લડાઇ: ચીન અને અમેરિકાની આર્થિક અથડામણ શેરબજારનું વાતાવરણ ફરી ડહોળી નાંખશે! | મુંબઈ સમાચાર
શેર બજાર

બે પાડાની લડાઇ: ચીન અને અમેરિકાની આર્થિક અથડામણ શેરબજારનું વાતાવરણ ફરી ડહોળી નાંખશે!

નિલેશ વાઘેલા

મુંબઇ:
રોકાણકારો વૈશ્વિક અને સ્થાનિક ટ્રિગર્સ પર નજર રાખી રહ્યા હોવાથી શેરબજારોમાં અઠવાડિયું ઉથલપાથલનો સામનો કરવો પડે તેવી ધારણા છે. અમેરિકા અને ચીન વચ્ચે ફરી શરૂ થયેલા ટેરિફ તણાવે વૈશ્ર્વિક સેન્ટિમેન્ટને હચમચાવી નાખ્યું છે, શુક્રવારે મુખ્ય યુએસ ઇન્ડેક્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

નાસ્ડેક કમ્પોઝિટ ૩.૫૬ ટકા, એસ એન્ડ પી ૫૦૦ ૨.૭૧ ટકા અને ડાઉ જોન્સ ૧.૯૦ ટકા ઘટ્યો છે, જેના કારણે ભારત જેવા ઉભરતા બજારોમાં રિસ્ક ઓફ સેન્ટિમેન્ટ ફેલાશે તેવી ચિંતાઓ ઉભી થઈ છે.

વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા વચ્ચે રોકાણકારો યુએસ-ચીન વેપાર તણાવ, સ્થાનિક ફુગાવાના ડેટા અને ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય બીજા ક્વાર્ટરની કમાણીને ટ્રેક કરી રહ્યા હોવાથી આ અઠવાડિયે બજારોમાં અસ્થિરતા જોવા મળી શકે છે.

આ પણ વાંચો: ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ, અમેરિકન બજારમા મોટો ઘટાડો, ભારતીય શેરબજારમા જોવા મળશે આ અસર…

બજારના નિષ્ણાતો માને છે કે, યુએસ-ચીન ટેરિફ યુદ્ધમાં નવેસરથી વધારો ડોલરને બાહયપ્રવાહ તરફ દોરી શકે છે અને ઉભરતા બજારોમાં ઇક્વિટી અને ચલણો પર દબાણ લાવી શકે છે. ઘરઆંગણે, બજારનો મૂડ મુખ્ય મેક્રોઇકોનોમિક ડેટા અને કોર્પોરેટ સેકટરના નાણાકીય પરિણામોથી પ્રભાવિત થશે.

સરકાર ૧૩ ઓક્ટોબરે સપ્ટેમ્બર માટે છૂટક ફુગાવા (સીપીઆઇ)ના આંકડા જાહેર કરશે, ત્યારબાદ ૧૪ ઓક્ટોબરે જથ્થાબંધ ફુગાવા (ડબલ્યુપીઆઇ)ના આંકડા જાહેર કરશે. સરવાળે આ અઠવાડિયું ઘટનાઓથી ભરપુર રહેશે અને રોકાણકારોનું ધ્યાન મુખ્ય સ્થાનિક મેક્રોઇકોનોમિક ડેટા અને નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરના વ્યસ્ત કમાણી કેલેન્ડર પર કેન્દ્રિત થશે.

રોકાણકારો એચસીએલ ટેક્નોલોજીસ, ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એલટીઆઇમાઇન્ડટ્રી, એક્સિસ બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી મોટી કંપનીઓના પરિણામો પર પણ નજર રાખશે, જે ક્ષેત્રીય વલણો અને એકંદર બજાર દિશાને માર્ગદર્શન આપશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: UNમાં અમેરિકાએ વિટો વાપરીને પાકિસ્તાન-ચીનના માસ્ટરપ્લાન પર પાણી ફેરવ્યું, ફ્રાન્સ અને બ્રિટન પણ ન આવ્યા પડખે

સ્થાનિક ટ્રિગર્સ ઉપરાંત, વૈશ્ર્વિક બજાર વલણો અને ભૂરાજકીય વિકાસ રોકાણકારોના સેન્ટિમેન્ટને આકાર આપવાનું ચાલુ રાખશે. વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટની નજર ૧૪ ઓક્ટોબર, મંગળવારના રોજ યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના ભાષણ પર રહેશે, જે ભવિષ્યના વ્યાજ દરની ચાલ અને ફુગાવાના અંદાજ પર સંકેતો આપી શકે છે.

યુએસ બજારોમાં તીવ્ર ઘટાડા પછી વૈશ્ર્વિક સેન્ટિમેન્ટમાં સાવચેતીનું માનસ સર્જાયું છે અને આ અઠવાડિયું રોકાણકારો માટે મહત્વપૂર્ણ બની શકે છે. નોંધવું રહ્યું કે, પાછલા અઠવાડિયે, ભારતીય બજારો મજબૂત ટોન સાથે બંધ થયા હતા, જેમાં સેન્સેક્સ ૧,૨૯૩.૬૫ પોઈન્ટ (૧.૫૯ ટકા), જ્યારે નિફ્ટી ૩૯૧.૧ પોઈન્ટ (૧.૫૭ ટકા) વધ્યો હતો.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button