ઇઝરાયલ-હમાસ યુદ્ધ ફોરેક્સ માર્કેટને પણ ડોહળશે, ભારતીય ચલણ પર દબાણ આવશે
નિલેશ વાઘેલા
મુંબઇ: મધ્યપૂર્વમાં અચાનક ફાટી નીકળેલા ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની લશ્કરી અડામણની વિશ્ર્વભરના શેરબજારોની સાથે વિદેશી હુંડિયામણ બજારના સેન્ટિમેન્ટ પર પણ ગંભીર અસર જોવા મળશે. સવારના ટ્રેડમાં સ્થાનિક ઇક્વિટી બજારની પીછેહઠ સાથે અમેરિકન ચલણની મજબૂતીને કારણે ફોરેકસમાં સાંકડી વધઘટ જોવા મળી હતી, પરંતુ નિષ્ણાતો માને છે, કે મિડલ-ઇસ્ટમાં વધતી તંગદિલીને કારણે સેફ હેવન ગણાતાં ડોલરમાં રોકાણ ફઁટાઇ રહ્યું હોવાથી રૂપિયામાં મૂલ્ય ઘસારો જોવા મળી શકે છે.
મની માર્કેટના વિશ્ર્લેષકો જણાવે છે કે, હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ફોરેક્સ માર્કેટને પણ નકારાત્મક અસર થઇ શકે છે. આ અઠવાડિયે જિયોપોલિટિક્સ ઘટનાઓને આધારે ભારતીય ચલણની દિશા નક્કી થશે. સ્થાનિક મોરચે બજારના સહભાગીઓ આ અઠવાડિયે જાહેર થનારા ફુગાવાના આંકડા પર નજર રાખશે, અપેક્ષા છે કે સપ્ટેમ્બરના ડેટા હળવા રહી શકે છે.
એકંદરે ભૌગોલિક રાજકારણને પરિણામે સપ્તાહના અંતે વિદેશી હૂંડિયામણ બજારના એકંદર સેન્ટિમેન્ટને ખલેલ પહોંચી હતી. યુએસ જોબ નંબર અને શુક્રવારે જાહેર કરાયેલ આરબીઆઈ પોલિસી સ્ટેટમેન્ટની જાહેરાતની અગાઉ રૂપિયામાં વોલેટિલિટી તુલનાત્મક રીતે ઓછી રહી હતી. રિઝર્વ બેન્કે સતત ચોથી બેઠકમાં દરો યથાવત રાખ્યા હતા અને સંકેત આપ્યો હતો કે તે ફુગાવાને અંકુશમાં રાખવા માટે તે વ્યાજદરો ઊંચા અને પ્રવાહિતાતા ચુસ્ત રાખશે.
ભારતનો સીપીઆઇ ફુગાવો જુલાઈમાં ૭.૪૪ ટકાની પંદર મહિનાની ઊંચી સપાટી સામે ઓગસ્ટમાં ઘટીને ૬.૮ ટકાના નીચા સ્તરે પહોંચ્યો છે, પરંતુ તે મધ્યસ્થ બેંકના બે ટકાથી છ ટકાના કમ્ફર્ટ બેન્ડથી હજુ ઉપર છે અને આરબીઆઇ તેને ચાર ટકા સુધી નીચો લાવવાનો લક્ષ્યાંક ધરાવે છે.
વૈશ્ર્વિક વૃદ્ધિ ધીમી હોવાના સંકેતો છતાં આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવા અને ગ્રોથનો અંદાજ અનુક્રમે ૫.૪ ટકા અને ૬.૫ ટકાના સ્તરે પર યથાવત રાખ્યો છે. રૂપિયા પરની પ્રતિક્રિયા મંદ રહી પરંતુ પોલિસી સ્ટેટમેન્ટની રજૂઆત પછી ભારતના ૧૦-વર્ષના બોન્ડની ઉપજ વધીને ૭.૨૯ ટકાના સ્તરે પહોંચી હતી.
યુએસમાંથી બહાર પાડવામાં આવેલા નોન-ફાર્મ પેરોલ્સ ડેટાની અગાઉ તેના મુખ્ય બ્રેકેટ્સ સામે ડોલરમાં વોલેટિલિટી ઓછી હતી. ડેટા દર્શાવે છે કે યુએસ અર્થતંત્રમાં ૧૭૦,૦૦૦ જોબ એડિશનના અંદાજની સરખામણીમાં સપ્ટેમ્બરમાં ૩૩૬,૦૦૦ નોકરીઓ ઉમેરવામાં આવી છે. બીજી તરફ, યુએસ બેરોજગારીનો દર ૩.૭ ટકાની આગાહીની સરખામણીમાં ૩.૮ ટકાના ૧૮ મહિનાના ઉચ્ચ સ્તરે યથાવત રહ્યો છે. ૧૦-વર્ષના ટ્રેઝરી રેટ ૧૬ વર્ષમાં તેના સર્વોચ્ચ સ્તરે વધવા સાથે, અહેવાલ પછી શરૂઆતમાં યિલ્ડમાં વધારો થયો છે.