મેનમેઈડ ફાઈબર ટેક્સટાઇલની નિકાસ છ અબજ ડોલર થવાની શક્યતા: એસઆરટીઈપીસી
મુંબઈ: વર્ષ ૨૦૨૩-૨૪માં મેનમેઈડ ફાઈબર ટેક્સટાઇલની નિકાસ છ અબજ ડોલર અને ટેક્નિકલ ટેક્સટાઇલની નિકાસ ત્રણ અબજ ડોલર થવાની શક્યતા, એસઆરટીઈપીસી દ્વારા આયોજિત પરિસંવાદમાં વ્યકત કરવામાં આવી છે. ૨૦૩૦ સુધીમાં મેન મેઈડ ફાઈબર ટેક્સટાઇલનો નિકાસ લક્ષ્યાંક ૧૧ અબજ ડોલરનો અને ટેક્નિકલ ટેક્સટાઇલનો ૧૦ અબજ ડોલરનો છે. આ નિકાસ લક્ષ્યાંક સિદ્ધ થવા અંગે એસઆરટીઈપીસી આશાવાદી છે. આ ઉપરાંત ૨૦૨૪ ભારતની યુએઈમાં ભારતપાર્ક ઊભું કરવાની યોજના છે, જ્યાંથી અન્ય દેશો ભારતીય ઉત્પાદનો ખરીદી શકશે, એવી માહિતી કેન્દ્રીય ટેક્સટાઈલ્સ અને વાણિજ્ય ખાતાના પ્રધાન પીયુષ ગોયલે, ધી સિન્થેટીક એન્ડ રેયોન એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સીલના મુંબઈમાં ચોથી જાન્યુઆરીએ યોજાયલા નિકાસ એવોર્ડ સમારોહના મુખ્ય અતિથી તરીકેના વકતવ્ય દરમિયાન આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેન મેઈડ ફાઈબર ટેક્સટાઇલનું ભાવિ ઊજળું છે. મુક્ત વેપાર કરાર (એફટીએ) અંગે બોલતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતના જાપાન, ઓસ્ટ્રેલિયા, યુએઈ, કોરીયા વગેરે સાથે મુક્ત વેપાર કરાર થયા છે, પણ એફટીએ યુટીલાઈઝેશન હજી ભારતમાં ઘણું ઓછું છે. પીયુષ ગોયલે માહિતી આપતાં જણાવ્યું હતું કે બીઆઈએસ રૂ. ૪૦ કરોડના ખર્ચે દેશના વિવિધ ભાગોમાં ૨૧ ટેસ્ટીંગ લેબોરેટરીઝ ઉભી કરશે.
૨૦૨૨-૨૩માં મેન મેઈડ ફાઈબર ટેક્સટાઇલની નિકાસ ૧૫.૩ ટકા ઘટી ૫.૮ અબજ ડોલરની થઈ હતી અને ટેક્નિકલ ટેક્સટાઇલની નિકાસ ૧૧.૯ ટકા ઘટી ૨.૫ અબજ ડોલરની થઈ હોવાનું જણાવતાં એસઆરટીઈપીસીના ચેરમેન ભદ્રેશ દોઢીયાએ કહ્યું હતું કે, ૨૦૨૩-૨૪માં મેન મેઈડ ફાઈબર ટેક્સટાઈલ્સની નિકાસ છ અબજ યુએસ ડોલરની અને ટેક્નિકલ ટેક્સટાઇલની નિકાસ ત્રણ અબજ ડોલરની થવાની શક્યતા છે.