શેર બજાર

ટીસીએસમાં બાયબેકની જાહેરાત છતાં કડાકો કેમ?

નિલેશ વાઘેલા

મુંબઇ: ટાટા જૂથની ફ્લેગશિપ કંપની ટીસીએસમાં રૂ. ૧૭૦૦૦ કરોડના બાયબેકની જાહેરાત છતાં તેના શેરમાં આજે જબરદસ્ત ધોવાણ જોવા મળ્યું છે. કંપનીએ શેરદીઠ રૂ. ૪૧૫૦ના ભાવે રૂ. ૧૭,૦૦૦ કરોડના બાયબેક પ્રોગ્રામની જાહેરાત કરી છે. વાસ્તવમાં શેરબજારની પીછેહઠ માટે પણ આ ઇન્ડેક્સ હેવીવેઇટ શેરની આગેવાનીએ વધેલું વેચવાલીનું દબાણ જબાવદાર છે.


બજારના સાધનો અનુસાર આનું કારણ કંપનીએ એકંદરે સારા નાણાકીય પરિણામ સાથે જાહેર કરેલું નિરાશાજનક ગાઇડન્સ છે. ટીસીએસએ જણાવ્યું હતું કે સુસ્ત આર્થિક વાતાવરણ વચ્ચે આગામી સમયમાં આઈટી ક્ષેત્ર માટે અવરોધ ચાલુ રહેશે.


કંપનીના આ નિવેદનને પરિણામે આઇટી શેરમાં વેચવાલી અને ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં અગ્રણી લુઝર તરીકે ઉભરી આવેલી આઈટી અગ્રણી ટીસીએસમાં સવારના જ સત્રમાં એક ટકાથી વધુ ઘટાડો થવાથી સેન્સેકસનો સુધારો ધોવાઈ ગયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે ટીસીએસનો શેર ૧.૮૯ ટકા તૂટીને રૂ. ૩૫૪૧.૯૫ બોલાઇ રહ્યો છે.


કંપનીએ જણાવ્યું છે કે સુસ્ત આર્થિક વાતાવરણ વચ્ચે આઇટી સેક્ટર માટે માથાકૂટ ચાલુ છે. દેશની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર ટીસીએસે બુધવારે તેના સપ્ટેમ્બર ક્વાર્ટરના ચોખ્ખા નફામાં ૮.૭ ટકાના વધારા સાથે રૂ. ૧૧,૩૪૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ટાટા ગ્રૂપની કંપનીએ લગભગ રૂ. ૩,૩૦૦ કરોડની ડિવિડન્ડ ચૂકવણીની ઉપરાંત રૂ. ૧૭,૦૦૦ કરોડના શેર બાયબેકની પણ જાહેરાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button