આઇપીઓના ધસારા સાથે સૌની નજર ટાટા કેપિટલ પર મંડાઇ રહેશે

નિલેશ વાધેલા
મુંબઈ: મૂડીબજારમાં આઇપીઓનો ધસારો ચાલુ છે, તેમાં સોમવારે સૌની નજર ટાટા કેપિટલ પર મંડાયેલી છે. ફંડામેન્ટલ ધોરણે આ કંપની સારી હોવાની ચર્ચા વચ્ચે ગ્રે માર્કેટના વિરોધાભાસી પ્રતિસાદ વચ્ચે આ શેરમાં કેવું લિસ્ટીંગ જોવા મળે છે તેની લોકો ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે, કારણ કે તાજેતરમાં કેટલાક આઇપીઓનું લિસ્ટિંગ ભારે ડિસ્કાઉન્ટમાં જોવા મળ્યું છે.
દલાલ સ્ટ્રીટ ૧૩ થી ૧૭ ઓક્ટોબર વચ્ચેના ઘટનાપૂર્ણ સપ્તાહ માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં અનેક મુખ્ય આઇપીઓ લિસ્ટિંગ અને નવા ઇશ્યૂ પણ બજારમાં દાખલ થશે. આ અઠવાડિયાનું મુખ્ય આકર્ષણ ૧૩ ઓક્ટોબરે બીએસઇ અને એમએસઇ પર ટાટા કેપિટલનું બહુપ્રતિક્ષિત લિસ્ટિંગ શશે, જે આ વર્ષે નાણાકીય સેવાઓ ક્ષેત્રે સૌથી મહત્વપૂર્ણ શરૂઆતોમાંની એક હશે.
આ પણ વાંચો: રિઝર્વ બેન્ક દ્વારા આઇપીઓ ફાઇનાન્સિંગ ધોરણોમાં ફેરફાર
આ પછી, એલજી ઇલેક્ટ્રોનિક્સ ૧૪ ઓક્ટોબરે બજારમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. આ આઇપીઓ સાતમીથી નવમી ઓક્ટોબર વચ્ચે સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્યો હતો. લિસ્ટિંગનો મામલો અહીંં જ અટકતો નથી. રુબીકોન રિસર્ચ ૧૬ ઓક્ટોબરે તેના શેરનું લિસ્ટિંગ કરશે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરતી અનંતમ હાઇવેઝ ઇન્વિટ ૧૭ ઓક્ટોબરે ડેબ્યૂ કરશે.
આ દરમિયાન, કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ પણ ૧૬ ઓક્ટોબરે લિસ્ટિંગ કરશે, ત્યારબાદ કેનેરા એચએસબીસી લાઇફ ઇન્શ્યોરન્સ ૧૭ ઓક્ટોબરે લિસ્ટિંગ કરશે. એસએમઇ સેગમેન્ટમાં, ઘણા નામો તેમના ડેબ્યૂ માટે તૈયારી કરી રહ્યા છે. મિત્તલ સેક્શન્સ ૧૪ ઓક્ટોબરે લિસ્ટિંગ કરશે, જ્યારે શ્ર્લોકા ડાયઝ, સિહોરા ઇન્ડસ્ટ્રીઝ અને એસકે મિનરલ્સ એન્ડ એડિટિવ્સ ૧૭ ઓક્ટોબરે આવશે.
આ પણ વાંચો: સેબીએ કંપનીઓ માટે આઇપીઓના નિયમો હળવા બનાવ્યા
નવા લોન્ચમાં, મિડવેસ્ટ લિમિટેડ ૧૫થી ૧૭ ઓક્ટોબર દરમિયાન બિડિંગ માટે તેનો રૂ. ૪૫૧ કરોડનો આઇપીઓ ખોલશે. આ ઇશ્યૂમાં રૂ. ૨૫૦ કરોડનો નવો ઇશ્યૂ અને રૂ. ૨૦૧ કરોડની ઓફર ફોર સેલ શામેલ છે, જેની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. ૧,૦૧૪થી રૂ. ૧,૦૬૫ છે. ફાળવણી ૨૦ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની અને સ્ટોક ૨૪ ઓક્ટોબરે લિસ્ટ થવાની ધારણા છે.
અગાઉ લોન્ચ થયેલા કેટલાક આઈપીઓ આગામી અઠવાડિયા સુધી ચાલુ રહેશે, જેમાં રુબીકોન રિસર્ચ (રૂ. ૧,૩૭૭.૫ કરોડ) ૧૩ ઓક્ટોબરે બંધ થાય છે. કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ (રૂ. ૧,૩૨૬.૧૩ કરોડ) પણ ૧૩ ઓક્ટોબરે બંધ થાય છે. કેનેરા એચએસબીસી લાઇફ ઇન્શ્યોરન્સ (રૂ. ૨,૫૧૭.૫ કરોડ) ૧૪ ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે.