સુરત મહાનગરપાલિકાના સર્ટિફાઇડ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે લિસ્ટિંગ | મુંબઈ સમાચાર
શેર બજાર

સુરત મહાનગરપાલિકાના સર્ટિફાઇડ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે લિસ્ટિંગ

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રીંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લીસ્ટિંગ કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાને જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાએ જારી કરેલા રૂ.૨૦૦ કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ થકી ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે લોકોને ભાગીદાર બનાવ્યા છે.

સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડનું ૮ ગણું સબસ્ક્રિપ્શન દર્શાવે છે કે રોકાણકારોએ ગ્રીન બોન્ડમાં રોકાણમાં અસાધારણ ઉત્સાહ બતાવ્યો છે. સુરત મહાનગરપાલિકાના દીર્ઘદ્રષ્ટિયુક્ત આયોજન સુરતનો વિકાસ વધુ તેજ બનશે.

વર્ષ ૨૦૭૦ સુધીમાં વડા પ્રધાનના નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં રાજ્ય સરકારે ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી પર વિશેષ ભાર મૂક્યો હોવાનું જણાવી મુખ્ય પ્રધાને કહ્યું કે, વડા પ્રધાનના નેતૃત્વમાં ભારતે ઇકોલોજી અને ઈકોનોમી વચ્ચે ઉમદા સંતુલન જાળવ્યું છે.

સુરત શહેર અને મહાનગરપાલિકા સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે દેશભરમાં આદર્શ બન્યા છે એમ જણાવી મુખ્ય પ્રધાને સુરત મનપાના તંત્રવાહકોને અભિનંદન પાઠવ્યા હતા. આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં સૌપ્રથમ વાર ઈન્ટરનેશનલ ગ્રીન સર્ટીફીકેશન સાથે મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ પબ્લિક ઈસ્યુથી બહાર પાડવામાં આવ્યા છે, ત્યારે સુરત મનપાના ‘મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ ઈસ્યુ’માં વૈશ્વિક રોકાણકારો થકી આંતરરાષ્ટ્રીય રૂચિ વધી છે. મનપાએ વિકાસના ઉત્તમ આયોજન સાથે જનભાગીદારીને જોડી છે.

ગ્રીન પીપલ્સ ફાયનાન્સિંગ એ ગ્રીન ગ્રોથનું ઉત્તમ ઉદાહરણ બનશે એમ જણાવતા આ પહેલ શહેર માટે ન માત્ર નાણાકીય રીતે ફાયદાકારક સાબિત થશે, પરંતુ પર્યાવરણીય સ્તર પર પણ સકારાત્મક અસર કરશે. સુરત મહાનગરપાલિકાની આ આ યોજના હવે અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયી બનશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

આ અવસરે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાનના ૨૦૪૭ ના વિકાસ વિઝનને સાકાર કરવા સસ્ટેનેબલ એનર્જી પ્રેરક ઉદાહરણ બનશે. સુરતએ મીની ભારત છે, સૌએ સુરતના વિકાસના સાથ સહકાર આપ્યો છે. સુરત શહેરને અત્યાર સુધીમાં ૧૪ જેટલા વિવિધ એવોર્ડ મળ્યા છે.સુરતને ગ્રીન એનર્જી સાથે વિશ્વનું બેસ્ટ સિટી બનાવાશે.

આ પણ વાંચો…સુરત કોર્પોરેશનના ગ્રીન બોન્ડનું આજે NSEમાં લિસ્ટિંગ, મુખ્યમંત્રી હાજરી આપશે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button