ત્રણ દિવસની પીછેહઠને બ્રેક: બેન્કિંગ શેરોના બળે સેન્સેક્સની મીની જમ્પ

(વાણિજય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એશિયાઇ બજારોના સુધારાની સાથે સ્થાનિક સ્તરે એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક સહતિના બ્લુચીપ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં બુધવારે સેન્સેકસ અને નિફ્ટી ત્રણ દિવસની પીછેહઠને બ્રેક મારીને પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યા હતા.
સેન્સેક્સ સત્ર દરમિયાન ૮૩૫ પોઇન્ટ ઊછળીને અંતે ૪૧૦.૧૯ પોઇન્ટ અથવા તો ૦.૫૧ ટકાના સુધારા સાથે ૮૧,૫૯૬.૬૩ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૨૯.૫૫ પોઇન્ટ થવા તો ૦.૫૨ ટકાના સુધારા સાથે ૨૪,૮૧૩.૪૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
આપણ વાંચો: Stock Market : શેરબજાર બાઉન્સ બેક, સેન્સેકસ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો
રેટિંગ એજન્સી મૂડીઝે એવુ વિશ્ર્લેષણ રજૂ કર્યું છે કે અમેરિકાના ટેરિફ યુદ્ધને કારણે વૈશ્ર્વિક વ્યાપાર ક્ષેત્રે ઊભા થનારા વ્યવિધાનો અને સર્જાનારી નકારાત્મક અસરો સામે ભારત સારી રીતે ટકી શકશે, કારણ કે ભારતીય અર્થતંત્રનો નિકાસ પર વધુ આધાર નથી અને સ્થાનિક વિકાસ મજબૂત પાયા પર છે.
મૂડીઝે ભારત પરની નોંધમાં લખ્યું હતું કે, વૈશ્ર્વિક સ્તરે માગમાં ઘટાડો થઇ શકે છે પરંતુ ભારત સરકાર દ્વારા ખાનગી રોકાણને અપાઇ રહેલું પ્રોત્સાહન, ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ અને માળખાકીય ખર્ચમાં થઇ રહેલો વધારો આંતરરાષ્ટ્રીય સ્તરની સંભવિત મંદી સામે ભારતને રક્ષણ આપશે.
આપણ વાંચો: Stock Market : શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે ઘટાડા સાથે ખૂલ્યું, સેન્સેકસ અને નિફ્ટીમાં ઘટાડો
આ અગાઉ મૂડીઝે અમેરિકાનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટી બજારો પર નકારાત્મક અસર જોવા મળી હતી અને સ્થાનિક બજાર પણ ગબડ્યું હતું.
એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી, શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ પોઝિટિવ ઝોનમાં સ્થિર થયા હતા જ્યારે જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ નીચા મથાળે સ્થિર થયોે હતો. યુરોપના બજારો નકારાત્મક ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે યુએસ બજારો નીચા સ્તરે બંધ થયા હતા.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, બુધવારના આ સત્રમાં બજારોએ વ્યાપકપણે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું. જોકે, એકંદર સેન્ટિમેન્ટ એક સાંકડી રેન્જમાં મર્યાદિત રહ્યું હતું, જે ભારત-યુએસ વેપાર વાટાઘાટોની આસપાસ વધતી અનિશ્ર્ચતતા વચ્ચે નજીકના ભવિષ્યમાં સેલ ઓન રેલી વ્યૂહરચનાનું જોખમ દર્શાવે છે.
ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૧૯ ટકા વધીને ૬૬.૧૬ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૧૦,૦૧૬.૧૦ કરોડના ઇક્વિટી શેર વેચ્યા હતા. પાછલા સત્રમાં મંગળવારો સેન્સેક્સ ૮૭૨.૯૮ પોઈન્ટ અથવા ૧.૦૬ ટકા ઘટીને ૮૧,૧૮૬.૪૪ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૨૬૧.૫૫ પોઈન્ટ અથવા ૧.૦૫ ટકા ઘટીને ૨૪,૬૮૩.૯૦ પર બંધ થયો હતો.