
નિલેશ વધેલા
મુંબઈ: આજે સોમવારે ટ્રેડિંગ સત્ર દરમિયાન PSU બેંકોમાં 3% જેટલો ઉછાળા જોવા મળ્યા છે. બેંક ઓફ બરોડા, યુકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક અને અન્ય બેંકોના શેરમાં એક ટકાથી ત્રણ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.
સરકાર કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોને મર્જ કરવા અને નાના ધિરાણકર્તાઓનું ખાનગીકરણ કરવાની નવી યોજના તૈયાર કરી રહી છે તેવા સમાચારને પગલે આ તેજી જોવા મળી હોવાનું બજારના સાધનો જણાવે છે.
પ્રસાર માધ્યમો અનુસાર, ભારત સરકાર તેના તાજેતરના બેંકિંગ સુધારા પ્રયાસોના ભાગ રૂપે, મુંબઈ સ્થિત યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયાને મર્જ કરવાની વ્યૂહરચના બનાવી રહી છે. જો આ મર્જર પૂર્ણ થાય, તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પછી દેશની બીજી સૌથી મોટી સરકારી માલિકીની બેંક બનશે, એમ એક રિપોર્ટમાં જણાવાયું છે.
આ પહેલ આગામી વર્ષોમાં બેંકોને વધારવા અને બેંકિંગ ઉદ્યોગના કાર્યોને શ્રેષ્ઠ બનાવવાના સરકારના ધ્યેયનો એક ભાગ છે, એમ રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે.
વધુમાં, નાણા મંત્રાલય ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને ચેન્નાઈ સ્થિત ઇન્ડિયન બેંકના મર્જરની શક્યતા શોધી રહ્યું છે, જેમ કે સૂત્રોએ જણાવ્યું છે. વધુમાં, પંજાબ એન્ડ સિંધ બેંક (PSB) અને બેંક ઓફ મહારાષ્ટ્ર, જે અન્ય મુખ્ય જાહેર ક્ષેત્રની બેંકોની તુલનામાં ઓછી સંપત્તિ ધરાવે છે, તેની ભવિષ્યમાં ખાનગીકરણ માટે વિચારણા કરવામાં આવી રહી છે, એમ રિપોર્ટમાં જણાવાયું છે.
15 ઓક્ટોબરના એક અહેવાલ અનુસાર ભારતીય બેંકિંગ ક્ષેત્ર જાહેર ક્ષેત્રની બેંકોમાં એકીકરણના બીજા રાઉન્ડની આરે છે, સરકાર એક મહત્વપૂર્ણ મર્જરની યોજના બનાવી રહી છે જે નાની બેંકોને મોટી બેંકો સાથે એકરૂપ બનાવી શકે છે.



