
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે વિવિધ વિરોધાભાસી પરિબળો વચ્ચે સાવચેતીનો માહોલ જોવા મળ્યો છે. બંને બેન્ચમાર્કમાં પીછેહઠ જોવા મળી છે. રોકાણકારો અમેરિકાના ડેટાની રાહ જોઈ રહ્યા છે. એકતરફ બજારમાં ભરપૂર પ્રવાહિતા છે, તો બીજી તરફ આઇપીઓમાં ઉછાળો છે. આ સપ્તાહે આઠેક આઇપીઓ આવી રહ્યા છે.
એશિયન બજારોમાં નિરસ સંકેતોને ટ્રૅક કરીને, સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે નિસ્તેજ શરૂઆત કરી હતી. અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદરના ભાવિ વલણ અંગેના સંકેતો માટે રોકાણકારોની નજર યુએસ ફુગાવાના ડેટા પર મંડાયેલી છે.
બ્રોડર માર્કેટ્સમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. મિડકેપ ઇન્ડેક્સમાં લેવાલી રહેતા સુધારો જોવા મળ્યો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં પ્રોફીટ બુકિંગ જોવા મળ્યું છે. સેબીની ચેતવણી બાદ સ્મોલ કેપમાં વેચવાલી રહે છે.
બજારના નિષ્ણાતે કહ્યું હતું કે, દલાલ સ્ટ્રીટ પર પ્રારંભિક સત્રમાં ધ્રુજારી હોવા છતાં, લોંગ પોઝિશન માટે બજારમાં સારી તક જણાઈ રહી છે.
ટેકનિકલ્સ ધોરણે નિફ્ટી 21500-23000ની વચ્ચે ટ્રેડિંગ રેન્જ સૂચવે છે, જેમાં નિર્ણાયક સપોર્ટ અને પ્રતિકાર સ્તરો સ્પષ્ટ થાય છે. બજાર આ અઠવાડિયે લોન્ચ થનારા ઘણા આઈપીઓ પર પણ નજર રાખી રહ્યું છે.
વિક્રમી એસઆઇપી પ્રવાહ, નબળો યુએસ ડોલર, અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો જેવા પરિબળ બજારને આગળ વધવામાં મદદરૂપ બની શકે છે.