મુંબઈ :ભારતીય શેરબજારની(Stock Market)શરૂઆત ભારે ઘટાડા સાથે થઇ છે. જેમાં આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 709.94 પોઈન્ટ ઘટીને 81,845.50 પર ખુલ્યો હતો. નિફ્ટી 189.9 પોઈન્ટ ઘટીને 25,089.95 પર ખુલ્યો હતો. મંગળવારે સેન્સેક્સ ફ્લેટ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી સતત 14મા ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે બંધ રહ્યો હતો.
મોટાભાગના શેર ઘટાડા સાથે ખૂલ્યા
સેન્સેક્સ પરના મોટાભાગના શેર ઘટાડા સાથે ખૂલ્યા. માત્ર 3 શેરો એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા અને બજાજ ફિનસર્વ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક અને ટીસીએસ જેવા આઈટી શેર 1.25 ટકા સુધી તૂટ્યા હતા. જેએસડબલ્યુ સ્ટીલ સૌથી વધુ 2 ટકા ડાઉન હતો. એલએન્ડટી, ટાટા સ્ટીલ, એનટીપીસી, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, એક્સિસ બેંક, એસબીઆઈ જેવા શેરોમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
વૈશ્વિક શેરબજારમાં મંદીનો દોર
સોમવારે મજૂર દિવસ નિમિત્તે અમેરિકન માર્કેટમાં રજા હતી. જેની બાદ મંગળવારે જ્યારે ટ્રેડિંગ ખુલ્યું ત્યારે વોલ સ્ટ્રીટ પર ભારે વેચવાલી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજને 1.51 ટકાનું મોટું નુકસાન થયું છે. S&P 500 ઇન્ડેક્સમાં 2.12 ટકાનો મોટો ઘટાડો અને ટેક-ફોકસ્ડ ઇન્ડેક્સ નાસ્ડેક માં 3.26 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો.
અમેરિકન માર્કેટમાં ઘટાડાની અસર એશિયન માર્કેટ પર
આજે અમેરિકન માર્કેટમાં ઘટાડાની અસર એશિયન માર્કેટ પર પણ જોવા મળી રહી છે અને સવારથી જ ભારે વેચવાલી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી 4 ટકાથી વધુના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ટોપિક્સ ઇન્ડેક્સ 2.74 ટકા ઘટ્યો છે. દક્ષિણ કોરિયાની કોસ્પી 2.61 ટકા અને કોસ્ડેક 2.94 ટકાની ભારે ખોટમાં છે. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સમાં પણ આજે ખરાબ શરૂઆતના સંકેત દેખાઈ રહ્યા છે.