શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેકસ 1000પોઇન્ટ ઉછળી 74,100 પાર કરી ગયો
નિલેશ વાઘેલા
મુંબઇ: નાણાકીય વર્ષના અંતિમ દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળાનો માહોલ જોવા મળ્યો છે. સવારના જ સત્રમાં સેન્સેકસ 800 પોઇન્ટ ઉછળીને 74000ની સપાટી તરફ ધસમસતો આગળ વધી ને બપોરના સત્રમાં 1000 પોઇન્ટની છલાંગ સાથે 74000ની સપાટી પાર કરી ગયો છે.
એ જ રીતે નિફ્ટી પણ સવારના સત્રમાં ૨૪૦ના ઉછાળા સાથે 22,370ને વટાવી બપોરના સત્રમાં આ લખાઈ રહ્યું છે ત્યારે ૩૪૦ પોઇન્ટના તોતિંગ ઉછાળા સાથે ૨૨,૫૦૦ની સપાટી તરફ આગળ વધી રહ્યો છે.
બેન્કિંગ અને આઈટી કાઉન્ટર્સની આગેવાની હેઠળ બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ આજ ગુરૂવારે સવારથી જ નક્કર વધારો નોંધાવ્યો હતો. બજારના સાધનો અનુસાર ભરપૂર પ્રવાહિતા સાથે શોર્ટ કવરિંગ પણ બજારને ઊંચે લઈ જાય છે. આજે ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ ટ્રેડિંગ દિવસ હોવા સાથે ચાલુ મહિનાનો માસિક ડેરિવેટિવ્ઝની સમાપ્તિ પહેલા ભારે ઊથલપાથલ અપેક્ષિત છે. આજે ૨૫ શેરમાં ટી પ્લસ ઝેરોનો પ્રાયોગિક પ્રારંભ પણ થયો છે.
બજારના સાધનો અનુસાર એપ્રિલની શરૂઆતથી અપેક્ષિત ઉપરની દિશાની ચાલને ગઈકાલે નિફ્ટીમાં 119ની મજબૂત રેલી દ્વારા પુષ્ટિ મળી છે. ચાલુ તેજી માટે પ્રાથમિક ઉત્પ્રેરક બજારમાં મોટી તરલતાનો પ્રવાહ છે. નાણાકીય સંસ્થાઓ પાસે ભરપૂર પ્રવાહિતા છે અને તે બજારમાં સતત ઠલવાઈ રહી છે.
DII એ આ દરમિયાન બજારમાં રૂ. 24373 કરોડનું જંગી રોકાણ કર્યું છે. છેલ્લા સાત ટ્રેડિંગ દિવસો બજારને આ નાણાં પ્રવાહને કારણે સ્થિતિસ્થાપકતા હાસલ થઈ છે.
બજારમાં આંતર પ્રવાહ એકધારો ચાલુ રહ્યો હોવાથી અને મંદીના કોઈ સંકેતો દેખાતા નથી, તેથી સારી વૃદ્ધિની સંભાવનાઓ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા શેરો માટે લવલાવ થવાની સંભાવના છે. ગઈકાલે રિલાયન્સના શેરમાં ઉછાળામાં આ વલણ સ્પષ્ટ થયું હતું અને આગળ પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.