શેરબજારમાં સપ્તાહના પહેલા જ દિવસે જોરદાર ધોવાણ
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં સપ્તાહના પહેલા જ દિવસે જોરદાર ધોવાણ જોવા મળ્યું હતું અને એક અંદાજ પ્રમાણે બીએસઇના માર્કેટ કેપિટલમાં લગભગ આઠેક લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા હતા. ટેક્નિકલ એનાલિસ્ટની વાત માનીએ તો નિફ્ટીએ ૨૧,૬૫૦નું સ્તર તોડી નાંખ્યુંહોવાથી આગામી દિવસોમાં નિફ્ટીમાં વધુ મોટા કડાકાની સંભાવના નકારી ના શકાય!
ભારતીય શેર બજારના રોકાણકારો માટે આ અઠવાડિયે પહેલું ટ્રેડિંગ સત્ર ખુબ જ નિરાશાજનક રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક માટે આજનું સત્ર ભયાનક સાબિત થયું છે. આજે ટ્રેડિંગમાં બેંકિંગ સ્ટોક્સમાં પણ ખુબ વેચાણ જોવા મળ્યું છે.
સત્રને અંતે સેન્સેક્સ ૫૨૩ પોઈન્ટ અથવા તો ૦.૭૩ ટકાના ઘટાડા સાથે ૭૧,૦૭૨ પોઈન્ટ પર બંધ થયો છે જ્યારે એનએસઇનો પચાસ શેરવાળો બ્રોડ બેન્ચમાર્ક નિફ્ટી ૧૭૦.૦૫ પોઈન્ટ અથવા તો ૦.૭૮ ટકાના ઘટાડા સાથે ૨૧,૬૧૨.૪૫ પોઈન્ટની સપાટી પર સ્થિર થયું છે.
આ સત્રમાં ખાસ કરીને નાના શેરોમાં વધુ જોરદાર ધોવાણ નોંધાયું હતું. નિફ્ટીનો મિડ કેપ ઈન્ડેક્સ ૧૨૧૩ અને નિફ્ટનું સ્મોલ કેપ ઈન્ડેક્સ ૬૫૨ પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો છે. જ્યારે બીએસઇ મિડ કેપ ૧૦૩૮ અને બીએસઇ સ્મોલ કેપ ૧૪૪૩ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.
આ સિવાય બેંક શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ ૭૫૨ પોઈન્ટ ઘટીને ૪૪,૮૮૨ પોઈન્ટ પર બંધ થયો છે. નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ ૩૦૮ ટકા ઘટીને બંધ થયો છે. આ સિવાય એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, ક્ધઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઘટીને બંધ થયા છે. માત્ર હેલ્થકેર, ફાર્મા અને આઈટી સ્ટોક્સમાં સુધારો જોવા મળ્યો હતો.