Stock Market: શેરબજારમાં ઘટાડો યથાવત, રોકાણકારોએ ત્રણ દિવસમાં 12 લાખ કરોડ ગુમાવ્યા

મુંબઈ: ભારતીય શેરબજારમાં(Stock Market)આજે ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો. જેમાં ગયા વર્ષે સપ્ટેમ્બરના અંતમાં શરૂ થયેલા રોકાણકારોના ખરાબ દિવસોમાં વધુ એક ખરાબ દિવસ ઉમેરાયો. જેમાં સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે મોટાભાગની કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો. આજના ઘટાડામાં ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, યસ બેંક, હીરો મોટોકોર્પ જેવી મોટી અને અગ્રણી કંપનીઓ સહિત કુલ 264 કંપનીઓના શેર 52 સપ્તાહ લોના સ્તરે પહોંચી ગયા.
રોકાણકારોના 3 દિવસમાં 12 લાખ કરોડ ડૂબ્યા
સપ્તાહના અંતિમ દિવસે આજના ઘટાડા પછી બીએસએઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 435.50 લાખ કરોડથી ઘટીને રૂપિયા 430 લાખ કરોડ થયું. આનો સીધો અર્થ એ થયો કે આજે શેરબજારના રોકાણકારોની કુલ સંપત્તિમાં લગભગ 5.5 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આજે બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે અને આ 3 દિવસમાં રોકાણકારોને 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, યસ બેંક, હીરો મોટોકોર્પ ઉપરાંત આર, કોનકોર, એનએમડીસી, સેલ, ટાટા એલેકસી, યુનિયન બેંક જેવી મોટી કંપનીઓના શેર પણ 52 વીક લો પર પહોંચી ગયા.
એસબીઆઈમાં 2.26 ટકાનો ઘટાડો
બીએસઈ સેન્સેક્સ કંપનીઓમાં ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં આજે મહત્તમ 4.41 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે, NTPC ના શેર 3.78 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 3.57 ટકા, એસબીઆઈ 2.26 ટકા, સન ફાર્મા 2.25 ટકા, એક્સિસ બેંક 1.95 ટકા, ટાટા સ્ટીલ 1.89 ટકા, પાવરગ્રીડ 1.80 ટકા, અદાણી પોર્ટ્સ 1.67 ટકા, કોટક મહિન્દ્રા બેંક 1.65 ટકા, ટાઇટન 1. 40 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.31 ટકા, આઇટીસી 1.18 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.13 ટકા, આઇસીઆઇસીઆઇ બેંક 1.10 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 1.01 ટકાના ઘટાડા સાથે બંધ થયા.
આ પણ વાંચો : શેરબજાર: માર્કેટની નજર ટીસીએસ પર, ત્રણ સિમેન્ટ સ્ટોક્સનું રેટિંગ ડાઉન
નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં 3.44 ટકાનો ઘટાડો
જણાવી દઈએ કે આજે સેન્સેક્સ 241.30 પોઈન્ટના ઘટાડા સાથે 77,378.91 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 95.00 પોઈન્ટ ઘટીને 23,431.50 પોઈન્ટ પર બંધ થયો. આ ઉપરાંત, બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આજે મહત્તમ 2.40 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ પણ આજે 2.13 ટકાના ઘટાડા સાથે બંધ થયો. જોકે, ત્રીજા ક્વાર્ટરના ઉત્તમ પરિણામોને કારણે, નિફ્ટી આઇટી ઇન્ડેક્સ આજે 3.44 ટકાના જંગી વધારા સાથે બંધ થયો.