ટ્રમ્પ દ્વારા ચીન પર નવા ટેરિફની ચીમકીથી શેરબજાર ફરી ગબડ્યું

નિલેશ વાઘેલા
મુંબઈ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પહેલી નવેમ્બરથી ચીની માલ પર ૧૦૦ ટકા વધારાના ટેરિફની જાહેરાત બાદ આઇટી અને એફએમસીજી શેરોમાં વેચવાલી અને ગ્લોબલ માર્કેટમાં નબળા વલણને કારણે સોમવારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. સત્રના પાછલા ભાગમાં સેન્સેક્સ નીચા સ્તરેથી ૪૦૦ પોઇન્ટ જેવો પાછો ફર્યો હતો પરંતુ સુધારો ટકી શક્યો નહોતો અને અંતે બજાર નેગેટીવ ઝોનમાં ગબડ્યું હતું.
બે દિવસની તેજીને બ્રેક મારીને ત્રીસ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ ૧૭૩.૭૭ પોઈન્ટ અથવા ૦.૨૧ ટકા ઘટીને ૮૨,૩૨૭.૦૫ પોઈન્ટ પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, તે ૪૫૭.૬૮ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકાના ઘટાડા સાથે ૮૨,૦૪૩.૧૪ પોઈન્ટની નીચી સપાટીને અથડાયો હતો. જ્યારે પચાસ શેર ધરાવતો એનએસઈ બેન્ચમાર્ક નિફ્ટી ૫૮ પોઈન્ટ અથવા ૦.૨૩ ટકા ઘટીને ૨૫,૨૨૭.૩૫ પોઈન્ટની સપાટી પર બંધ થયો હતો. આ બેન્ચમાર્કના પચાસમાંથી ૩૦ શેરના ઘટાડા સામે ૧૯ સુધારો જોવા મળ્યો હતો.
સોમવારે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી નીચા સ્તરે બંધ થયા હતા, જેમાં યુએસ અને ચીન વચ્ચેના વેપાર તણાવ વધવાથી બગડેલા સેન્ટિમેન્ટ વચ્ચે ખાસ કરીને આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીજિંગ દ્વારા રેર અર્થ નિકાસ પર કડક નિયંત્રણો જાહેર થયા પછી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ૧૦૦ ટકા ટેરિફ ઝીંકવાની ધમકીઓને કારણે વેચવાલી શરૂ થઈ ગઇ હતી.
સેન્સેક્સ પ્રારંભિક કામકામજમાં ૪૫૧.૮૨ પોઈન્ટ ઘટીને ૮૨,૦૪૯.૦૦ પર પહોંચ્યો હતો, તે બપોરે ૪૦૦ પોઈન્ટ સુધરીને ૮૨,૩૮૧.૧૮ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ પાછો ફર્યો અને તે મનોવૈજ્ઞાનિક રીતે મહત્વપૂર્ણ ૨૫,૨૫૦ના સ્તરથી ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો.
બજારના સાધનો અનુસાર અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન સાથેના વેપાર સંબંધો પર નરમ વલણ દાખવ્યા પછી ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો. સોમવારે બપોરના સત્રમાં (ભારત સમય મુજબ) વોલ સ્ટ્રીટ ફ્યુચર્સ ઝડપથી વધ્યા, જે દિવસના અંતમાં યુ.એસ. બજારો માટે મજબૂત શરૂઆતનો સંકેત આપે છે.
અમેરિકાએ પહેલી નવેમ્બરથી તમામ ચીની માલ પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી રોકાણકારોની ભાવના સાવધ થઈ ગઈ, જેનાથી વેપાર યુદ્ધ ફરી શરૂ થવાની આશંકા ફરી જાગી. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની સમાધાનકારી ટિપ્પણીઓએ વૈશ્વિક બજારોને રિકવર કરવામાં મદદ કરી હતી.
આની સેન્ટિમેન્ટલ ઇફેકટને કારણે સત્ર દરમિયાન બજારમાં થોડો સુધારો જોવા મળ્યો હતો પરંતુ, સત્રના અંતિમ તબક્કામાં આ તમામ સુધારો ધોવાઇ ગયો હતો. સેન્સેક્સના શેરોમાં, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, પાવર ગ્રીડ અને બીઇએલ ઘટાડામાં અગ્રણી રહ્યા હતા, જેમાં એક ટકાથી ૨.૭૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. વ્યાપક બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૨૦ ટકા ઘટ્યો હતો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૧૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
વોશિંગ્ટન અને બીજિંગ વચ્ચે નવા વેપાર તણાવને કારણે અમેરિકામાં સતત ફુગાવા અને ઊંચા વ્યાજ દરોનો ભય વધ્યો છે. ટ્રેઝરી યીલ્ડના ઉછાળા ઘણીવાર ભારત જેવા ઉભરતા બજારોમાંથી મૂડી ખેંચે છે, જેના કારણે ઇક્વિટી અને ચલણો બંને પર દબાણ આવે છે.
ક્ષેત્રીય ધોરણે, આઇટી ઇન્ડેક્સમાં ૦.૮૦ ટકાનો ઘટાડો થયો હતો. ગ્લોબલ માર્કેટના પરિબળ ઉપરાંત એચસીેલ ટેકનોલોજીના ત્રિમાસિક પરિણામોની જાહેરાત અગાઉ રોકાણકારોએ સાવચેતીના માનસ વચ્ચે ખાસ કરીને આઇટી શેરોમાં વેચવાલી કરી હતી. જોકે, એચસીેલનો શેર મોટાભાગે ફ્લેટ રહ્યો હતો. પ્રાથમિક બજારમાં, ટાટા કેપિટલનો શેર મજબૂત શરૂઆત સાથે, તેના ઇશ્યૂ ભાવ કરતાં ૧.૨૩ ટકા ઉપર લિસ્ટ થયો અને તેના પહેલા ટ્રેડિંગ દિવસે ૧.૪૦ ટકા વધુ ભાવે બંધ થયો હતો.
આ પણ વાંચો…બે પાડાની લડાઇ: ચીન અને અમેરિકાની આર્થિક અથડામણ શેરબજારનું વાતાવરણ ફરી ડહોળી નાંખશે!