શેરબજારમાં અનિશ્ચિત ટ્રેન્ડ, શેરલક્ષી કામકાજ પર ફોકસ
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર કોઈ સ્પષ્ટ દિશાદોર વગર અનિશ્ચિત ટ્રેન્ડમાં અથડાઈ ગયું છે. કોર્પોરેટ પરિણામોની મોસમ જોતા રોકાણકારો શેરલક્ષી કામકાજ પર ફોકસ રાખે છે. બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે એશિયન બજારોમાં ઘટાડા વચ્ચે મોટાભાગે યથાવત ટકી રહ્યા હતા અને રોકાણકારોએ આ સપ્તાહે ફુગાવાના ડેટા અને મુખ્ય કંપનીઓના પરિણામની જાહેરાત પહેલાં નિરીક્ષક બની રહેવાનું પસંદ કર્યું હતું. આજના સત્રમાં બેન્કો અને યુટિલિટીઝ શેરોમાં તીવ્ર ધોવાણ જોવા મળ્યું છે. આ દરમિયાન વ્યાપક બજારે આજે બેન્ચમાર્ક કરતાં નબળું પ્રદર્શન કર્યું હતું.
“બજાર દિશાસૂચક વલણ વગર ઉપર અને નીચે આગળ વધી રહ્યું છે. ઉપરની ચાલનો સામનો વેચાણ સાથે કરવામાં આવે છે અને ઘટાડાની ચાલને ખરીદી સાથે પ્રતિસાદ આપવામાં આવે છે, એમ જણાવતાં ટોચના વિશ્લેષક ડૉ. વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ત્રીજા ક્વાર્ટરના પરિણામ બજારને દિશા આપી શકે છે. ડિફેન્સ અને રેલ્વે જેવા સેગમેન્ટ્સના સ્ટોક્સ ઓર્ડરના પ્રવાહને કારણે ઉભી થયેલી અપેક્ષાઓના આધારે ખૂબ જ ઝડપથી વધી ગયા છે. આ ઓર્ડરને અમલમાં લાવવામાં સમય લાગશે અને ત્યારે તે પ્રતિબિંબિત થશે. બીજી તરફ બેન્કિંગ જેવા સેગમેન્ટમાં મૂલ્ય છે, ખાસ કરીને ઉચ્ચ ગુણવત્તાની ખાનગી ક્ષેત્રની મોટી કંપનીઓમાં. પરંતુ આ મૂલ્ય કિંમતમાં પ્રતિબિંબિત થતું નથી. આ ટૂંકા ગાળાની અતાર્કિક ગતિવિધિ છે જેમાં મધ્યમથી લાંબા ગાળામાં સુધારો આવશે.