STOCK MARKET: પ્રાઇમરી માર્કેટમાં ક્યા શેરમાં પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટ જોવાયું?

મુંબઇ: શેરબજારમાં હાલ સહેજ હાલકડોલક સ્થિતિ ચાલી રહી છે અને તેની અસર પ્રાઇમરી માર્કેટમાં પણ વર્તાઇ રહી છે. પાછલા સત્રમાં ત્રણ ટકાના પ્રીમિયમ બાદ આજે નવા લિસ્ટિંગમાં ત્રણ ટકાનું ડિસ્કાઉન્ટ જોવા મળ્યું છે. જોકે, આમ છતાં નવા જાહેર ભરણાની સંખ્યામાં કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. આવતા સપ્તાહના પૂર્વાર્ધમાં જ ત્રણ મેઇનબોર્ડ આઇપીઓ આવી રહ્યા છે.
આ જાહેર ભરણાંમાં ફિઝિક્સવાલા લિમિટેડનો રૂ. ૩,૪૮૦ કરોડનો આઈપીઓ ૧૧ નવેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૩ નવેમ્બરના રોજ બંધ થશે. શેરની ફાળવણી ૧૪ નવેમ્બરના રોજ અને લિસ્ટિંગ ૧૮મી નવેમ્બરના રોજ થવાની ધારણા છે. શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. શેર માટે પ્રાઈસ બેન્ડ રૂ. ૧૦૩થી રૂ. ૧૦૯ પ્રતિ શેર અને અરજી માટે મિનિમમ લોટ સાઇઝ ૧૩૭ શેરની છે.
એમવી ફોટોવોલ્ટેઇક લિમિટેડનો રૂ. ૨,૯૦૦ કરોડનો આઇપીઓ ૧૧ નવેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૩ નવેમ્બરના રોજ બંધ થશે. શેરની ફાળવણી ૧૪ નવેમ્બરના રોજ અને લિસ્ટિંગ ૧૮મી નવેમ્બરના રોજ થવાની ધારણા છે. શેર માટે પ્રાઇસ બેન્ડ રૂ. ૨૦૬થી રૂ. ૨૧૭ પ્રતિ શેર છે. અરજી માટે મિનિમમ લોટ સાઇઝ ૬૯ શેરની છે. શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.
ટેનેકો ક્લીન એર ઇન્ડિયા લિમિટેડનો રૂ. ૩,૬૦૦ કરોડનો આઇપીઓ ૧૨ નવેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૪ નવેમ્બરના રોજ બંધ થશે. શેરની ફાળવણી ૧૭ નવેમ્બરના રોજ અને બીએસઇ તથા એનએસઇ પર શેરનું લિસ્ટિંગ૧૯ નવેમ્બરે થવાનું છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૩૭૮થી રૂ. ૩૯૭ પ્રતિ શેર છે. અરજી માટે મિનિમમ લોટ સાઈઝ ૩૭ શેરની છે.
આપણ વાચો: શેરબજારમાં ગુજરાતી મહિલાઓનો દબદબો, જાણો કેટલા ટકા કરે છે રોકાણ
નવા શેરોના લિસ્ટિંગના પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટની વાત કરીએ તો હેલમેટ ઉત્પાદક સ્ટડ એસેસરીઝના શેર શુક્રવારે તેના ઇશ્યૂ ભાવ સામે ત્રણ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયા હતા.
નોંધવું રહ્યું કે એમટીઆર અને ઇસ્ટર્ન બ્રાન્ડની માલિક ઓર્કલા ઇન્ડિયા લિમિટેડના શેર આગલા જ સત્રમાં ગુરુવારે તેના ઇશ્યૂ ભાવ સામે ત્રણ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા હતા. દરમિયાન, અત્યંત ગાજી રહેલા અને નકારાત્મક અહેવાલોને કારણે પણ ચર્ચામાં રહેલા લેન્સકાર્ટનું લિસ્ટિંગ આવતા સપ્તાહે છે. આ ભરણું અનેક ગણું છલકાયું હોવા છતાં રોકાણકારો ચિંતામાં છે.
સ્ટોક બ્રોકિંગ ફર્મ ગ્રોવની પેરેન્ટ કંપની બિલિયનબ્રેઇન ગેરેજ વેન્ચરન ઇશ્યૂ બીજા દિવસે સંપૂર્ણ ભરાઇ ગયો હતો. સ્ટેટ બેન્ક એસબીઆઇ ફંડ મેનેજમેન્ટમાંથી ૬.૩ ટકા હિસ્સો ડિવેસ્ટ કરવા માટે આઇપીઓ લાવવાની યોજના ધરાવે છે. આ માટે સેન્ટ્રલ બોર્ડની પરવાનગી મળી ગઇ છે અને આ આખી પ્રક્રિયા ૨૦૨૬માં પૂર્ણ થવાની અપેક્ષા છે.



