
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં ફરી તેજીનો પવન ફૂંકાયો છે, વિશ્વ બજારના મિશ્ર વલણ છતાં સ્થાનિક સ્તરે રિલાયન્સ, એક્સિસ બૅન્ક અને ઇન્ફોસિસના આગેવાનીએ ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં ખુલતા સત્રમાં બંને બેન્ચ માર્કે નવા ઓલટાઈમ હાઈ શિખર રચ્યા હતા.
આ લખાઈ રહ્યું છે ત્યારે નિફ્ટી ૨૨,૬૦૦ અને સેન્સેક્સ ૭૪,૬૦૦ નજીક પહોંચ્યો છે. ફેડરલ દ્વારા રેટ ક્ટ અંગે અનિશ્ચિતતા પછી પણ અમેરિકન બજારોની તેજી પાછળ પ્રી ઓપનિંગ સત્રથી જ બજારમાં તેજીના મંડાણ જોવા મળ્યા હતા.
શેરબજાર આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યું છે અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો છે. BSE સેન્સેક્સ 307.22 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 74,555.44 પર ખુલ્યો તો NSEનો નિફ્ટી 64.65 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 22,578.35 ના સ્તર પર ખુલ્યો છે.
પ્રી-ઓપનિંગમાં BSE સેન્સેક્સ 357 પોઈન્ટના વધારા સાથે 0.48 ટકાના વધારા સાથે 74605ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઈનો નિફ્ટી 67.75 પોઈન્ટ અથવા 0.30 ટકાના ઉછાળા સાથે 22581ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સેક્ટરલ ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સૌથી વધુ 2.06% ની વૃદ્ધિ જોઈ રહી છે. આ સિવાય નિફ્ટી રિયલ્ટીમાં 1.26%, નિફ્ટી ઓટોમાં 0.36%, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.23% અને FMCGમાં 0.25%નો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી PSU બેન્કમાં 0.18% નો ઘટાડો જોવા મળી રહ્યો છે.