નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારના આજના સત્રની શરૂઆત જોરદાર કડાકા સાથે થઈ હતી. બુધવાર પછી સતત બીજા દિવસે પ્રારંભમાં જ મોટા કડાકાથી રોકાણકારો ભયભીત થઈ ગયા હતા. ખાસ કરીને ઓટો, બેંક, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને ફાર્મા શેરોમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી ખૂબ ઝડપથી ૨૧,૦૦૦ની નીચે ધસી ગયો હતો.
જોકે, બપોર પછી રિકવરી થવા સાથે શેરબજાર જોખમી સ્તરથી પાછું ફર્યું હોવાથી રોકાણકારોએ હાશકારો અનુભવ્યો છે. બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ સત્રના પ્રારંભિક કામકાજમાં નોંધાવેલી ખોટને સરભર કરી લીધી હતી અને યુએસ ફ્યુચર્સમાં થયેલા વધારાને ટ્રેક કરતા તીવ્રપણે રિબાઉન્ડ થયા હતા. નિફ્ટી પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સને બાદ કરતા અન્ય તમામ ઈન્ડેક્સ બપોરના સત્રમાં ઉંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
બજારના જાણકાર અનુસાર નિફ્ટી તેની ૨૯,૭૦૦ની ટેકાની સપાટીથી પાછો ના ફર્યો હોત તો વધુ ૧૦૦ પોઇન્ટ નીચે ગબડી શક્યો હોત. ઊંચા વેલ્યુએશન પર બજાર તીવ્ર કરેક્શન માટે સંવેદનશીલ છે અને આ ગઈકાલે એવું જ થયું હતું. આ સત્રમાં એક બાબત મહત્વપૂર્ણ રહી છે, મિડ અને સ્મોલ કેપ્સમાં કરેક્શન મોટા બ્લુ ચિપ શેરોના કરેક્શન કરતાં લગભગ બમણું કરેક્શન છે.
મિડ અને સ્મોલ કેપ્સમાં કરેક્શનની નબળાઈ રહે છે કારણ કે વેલ્યુએશન અતિશય છે. લાર્જ કેપ્સમાં ઘટાડા પર ખરીદી જોવા મળશે. રોકાણકારો બજાર સ્થિર થવાની રાહ જોઈ શકે છે અને ઘટાડા પર ઉચ્ચ ગુણવત્તાવાળા લાર્જ કેપ શેરો ખરીદી શકે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને