
નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં તેજીનું તોફાન સતત આગળ વધી રહ્યું છે અને સેન્સેક્સ તથા નીફ્ટી રોજેરોજ નવી વિક્રમી ઉંચી સપાટી સર કરતા રહ્યા છે. આજે ગુરુવારે શેરબજાર નવા રેકોર્ડ ઊંચા સ્તરે ખુલ્યું હતું. સેન્સેક્સ ઇતિહાસમાં પ્રથમ વખત 72,436ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 21,776ના સ્તરને અથડાયો હતો. આજે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર રૂપિયા 362.70 લાખ કરોડને પાર કરી ગયું છે.
એફ એન્ડ ઓ સેગ્મેન્ટની મંથલી એક્સપાયરી અગાઉ અત્યારે બપોરના સત્રમાં આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૭૨,૩૩૨ પોઈન્ટની, એટલે કે ૩૦૦ પોઈન્ટની ઉંચી સપાટીએ છે, જ્યારે નિફ્ટી ૧૦૦ પોઇન્ત્ન ઉછાળે ૨૧,૭૭૬ પોઈન્તની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.
બજારના સાધનો અનુસાર અમેરિકાના બજારોના સકારાત્મક સંકેત, અમેરિકન બોન્ડની યીલ્ડમાં સતત ઘટાડો અને ડોલર ઇન્ડેક્સના ૧૦૧થિ નીચે સરકી જવા જેવા પરિબળો તેજીને ઇંધણ આપી રહ્યા છે. જોકે એ પણ નોંધવું રહ્યું કે આ વખતે તેજીની આગેવાની લાર્જ કેપ શેરોએ લીધી છે. રોકાણકારોએ સાવધાન રહેવું જરૂરી છે, આગળ અફડાતફડીનો દોર રહેશે.
બજારમાં સૌથી વધુ ખરીદી મેટલ અને સરકારી બેંકિંગ શેરોમાં નોંધાઈ રહી છે. મીડિયા અને રિયલ્ટી શેરો માર ખાઈ રહ્યા છે. નિફ્ટીમાં JSW સ્ટીલ અને NTPCના શેર્સ ટોપ ગેઇનર છે, જ્યારે બ્રિટાનિયા ટોપ લોઝર છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 701 પોઈન્ટના ઉછાળા સાથે પ્રથમ વખત 72,038 પર બંધ થયો હતો.
શરૂઆતના કામકાજમાં સેન્સેક્સ 229 પોઈન્ટના ઉછાળા સાથે 72,300 પોઈન્ટના સ્તરે કામ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 75 પોઈન્ટના ઉછાળા સાથે 21730 પોઈન્ટના સ્તરે હતો. નિફ્ટી મિડકેપ 100, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં સારી વૃદ્ધિ નોંધાઈ રહી છે. શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો શરૂઆતના ટ્રેડિંગમાં NTPC, JSW સ્ટીલ, BPCL અને SBI લાઇફના શેરમાં ઉછાળો નોંધાયો હતો જ્યારે એક્સિસ બેન્ક, ઇન્ફોસિસ, બજાજ ઓટો અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં નબળાઈ નોંધાઈ હતી.