શેરબજાર સારી શરૂઆત બાદ સાંકડી વધઘટે અથડાઈ ગયું
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર આજે સત્રની સારી શરૂઆત બાદ સાંકડી વધઘટે અથડાઈ રહ્યું છે. વિશ્વ બજારમાં સુધારાનો સંકેત મળવાથી ભારતીય મુખ્ય શેરબજારના સૂચકાંકોએ ગુરુવારના ટ્રેડિંગની સકારાત્મક શરૂઆત કરી હતી. બંને બેન્ચમાર્કમાં અત્યાર સુધી સાધારણ વધઘટ રહી છે. નિફ્ટી 22,300ની ઉપર જવા મથી રહ્યો છે, અને એ સપાટીની ઉપર જ ખુલ્યો હતો. જોકે હાલ તે 22,200ની નીચે સરકી ગયો છે.
યુએસ ગ્રાહક ફુગાવાના અપેક્ષિત કરતાં નીચા આંકડાઓને hકારણે ફેડરલ રિઝર્વ 2024માં ઓછામાં ઓછા બે વખત વ્યાજ દરમાં ઘટાડો કરશે એવી અટકળો આશાવાદ પાછળ વૈશ્વિક શેરબજારમાં ઉછાળાને પગલે સ્થાનિક સેન્ટિમેન્ટને સ્થિરતા મળી હતી. આજે મહિન્દ્રા, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ગેઇલ, ઈન્ફો એજ, વોડાફોન આઈડિયા, બાયોકોનના ચોથા ક્વાર્ટરના નાણાકીય પરિણામોને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળશે.
બુધવારે યુએસ ડેટા દર્શાવે છે કે એપ્રિલમાં ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો ૦.૩ ટકા વધ્યો છે. જેફરીઝએ અદાણી પોર્ટ્સ પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. એચએસબીસીએ કોલગેટ- પામોલિવ ઇન્ડિયાને હોલ્ડ કરવા માટે ડાઉનગ્રેડ કર્યું છે.
એનર્જી મિશનએ NSE SME પ્લેટફોર્મ પર 165% પ્રીમિયમ સાથે પ્રવેશ કર્યો છે. છેલ્લા એક મહિના દરમિયાન ભારતીય બજારનું અંડર પર્ફોર્મન્સ આશ્ચર્યજનક છે. જ્યારે S&P 500 5.08% અને યુરો Stoxx 50 3.74% ઉપર છે, ત્યારે નિફ્ટી માત્ર 0.24% ના વધારા સાથે લગભગ સપાટ છે. હેંગસેંગમાં 17.38%ના અદભૂત વધારા સાથે ચીની શેરોનું વિશાળ આઉટપરફોર્મન્સ વધુ મહત્ત્વનું છે. ચીનનું આ આઉટપરફોર્મન્સ ભારતમાં FII દ્વારા સતત વેચવાલીનું કારણ બની રહ્યું છે.
શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે ફરી અફડાતફડીનો દોર ચાલી રહ્યો છે. ફેડરલની સ્પીચથી માંડીને વિવિધ નાણાકીય ડેટાની પ્રતીક્ષા તેમ જ ચૂંટણી પરિણામો અંગેની ચિંતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનું માનસ રહ્યું છે.
મે મહિનામાં સતત વિદેશી ફંડોની વેચાણથી અત્યાર સુધીમાં કુલ એફઆઈઆઈ વેચાણનો આંકડો રૂ. 33540 કરોડ સુધી પહોંચી ગયો છે અને સ્થાનિક સંસ્થાઓની સતત ખરીદીને કારણે કુલ ડીઆઇઆઈ ખરીદીનો આંકડો રૂ. 26500 કરોડ સુધી પહોંચ્યો છે. આ રીતે ડીઆઇઆઈની ખરીદી સાથે એફઆઈઆઈના વેચાણના આ સંતુલનને કારણે, બજારમાં ખૂબ મોટી વધઘટ તો નથી થઈ, જોકે તે અત્યંત અસ્થિર રહ્યું છે. છેલ્લા એક મહિનામાં નિફ્ટી માત્ર 0.25% નીચે છે.
Read Also: આગેકૂચની હેટટ્રિક: ઓટો અને મેટલ શૅરોની લેવાલીના ટેકાએ સેન્સેક્સમાં ત્રણસોનો ઉછાળો
એફઆઈઆઈના વેચાણને પ્રેરિત કરતું મુખ્ય પરિબળ એ ચાઇનીઝ સ્ટોક્સનું આઉટપરફોર્મન્સ છે જે વેલ્યુએશનમાં ઘટાડો થવાથી પુનઃપ્રાપ્તિની સાક્ષી બની રહ્યું છે. છેલ્લા એક મહિનામાં હેંગસેંગ ઇન્ડેક્સ 14.90 ટકા વધ્યો છે.
હેંગસેંગમાં લિસ્ટેડ ચાઈનીઝ એચ શેરોમાં એફઆઈઆઈ રોકાણ કરે છે. જ્યાં સુધી ચાઈનીઝ શેરોનું આ આઉટપરફોર્મન્સ જળવાઈ રહેશે ત્યાં સુધી એફઆઈઆઈ ભારતમાં વેચાણ ચાલુ રાખી શકે છે.