સત્તા માટે પક્ષ તોડવો યોગ્ય નહીં: શરદ પવારે દિલીપ વળસે પાટિલ પર પ્રહારો કર્યા
પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે પ્રધાન દિલીપ વળસે પાટીલ સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર સત્તાની લાલસામાં એનસીપીને તોડવાનો આરોપ મૂક્યો હતો અને આ પગલાને અયોગ્ય ગણાવ્યું હતું.
પવાર પાર્ટીના કાર્યકરો અને દેવદત્ત નિકમના સમર્થકોને સંબોધિત કરી રહ્યા હતા, જેને એનસીપી (એસપી) દ્વારા આંબેગાંવમાં વર્તમાન વિધાનસભ્ય વળસે-પાટીલ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેમણે પુણે જિલ્લામાં અનેક વખત મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. નિકમે ગુરુવારે બારામતીમાં પવારની મુલાકાત લીધી હતી.
પવારે કહ્યું કે એનસીપીએ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એકજૂથ થઈને લડી હતી અને 54 (ચોપન) બેઠકો જીતી હતી.
અમે (એમવીએ) સરકારની રચના કરી અને તે સરકારમાં, જિલ્લાના અમારા બે સાથીદારોને પ્રતિનિધિત્વ આપ્યું. એક આંબેગાંવનો હતો અને બીજો બારામતીનો હતો (વળસે-પાટીલ અને અજિત પવારનો ઉલ્લેખ કરીને), એમ તેમણે કહ્યું હતું.
એનસીપીના સ્થાપકે એમ પણ જણાવ્યું હતું કે તેઓએ પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાને વધુ પ્રતિનિધિત્વ આપ્યું છે કારણ કે તેમના પ્રતિનિધિ (દત્તાત્રય ભારણે)ને પ્રધાનપદ આપવામાં આવ્યું હતું.
આ નેતાઓને સત્તા આપનાર પક્ષ હતો અને એનસીપી કાર્યકરોની મહેનતને કારણે પાર્ટીને સફળતા મળી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
તે સફળતાને કારણે પાર્ટી સત્તામાં આવી જેના કારણે તેઓ પ્રધાન બન્યા. પરંતુ અમારા કેટલાક સાથીદારોને આ યાદ ન હતું. અમારા કેટલાક સાથીદારોએ 54માંથી 44 વિધાનસભ્યોને છીનવી લીધા અને બીજી બાજુ જોડાઇ ગયા અને રાજ્યમાં ખોટું ચિત્ર ઊભું કર્યું, એમ પવારે કહ્યું હતું.
તેમને જોઈતી શક્તિ મળી. એવું નથી કે તેમને અગાઉ સત્તા મળી ન હતી પરંતુ સત્તા મેળવવા માટે પક્ષને તોડવાનું પગલું યોગ્ય નહોતું, એમ તેમણે કહ્યું હતું.
વિધાનસભ્ય વળસે-પાટીલની નિંદા કરતા તેમણે કહ્યું હતું કે આંબેગાંવ તહસીલનો પ્રતિનિધિ પણ પાર્ટીને તોડીને સત્તા પાછળ જવાના નિર્ણયનો એક ભાગ હતો. આંબેગાંવ તહસીલ અને આંબેગાંવના લોકો તે નિર્ણયનો ભાગ ન હતા. પરંતુ કમનસીબે, આંબેગાંવનો પ્રતિનિધિ તેનો એક ભાગ બન્યો. લોકો ચોંકી ગયા હતા કારણ કે તેઓએ આવું ક્યારેય વિચાર્યું ન હતું, એવો દાવો પવારે કર્યો હતો.