
નિલેશ વાઘેલા
મુંબઇ: રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદર 6.50%ના સ્તરે સ્થિર રાખવાની જાહેરાતને પગલે શેરબજારમાં નિરસ મૂડ જોવા મળ્યો છે. જોકે રેપો રેટ યથાવત રહેવની પહેલેથી જ ધારણા હતી, પરંતુ હવે બજારને નવા ટ્રિગરની તલાશ રહેશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નાણાકીય નીતિના નિર્ણય પછી, શુક્રવારે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો ફ્લેટ ટ્રેડ થઈ રહ્યા છે. દેશની કેન્દ્રીય બેંકે સતત સાતમી બેઠક માટે તેનો મુખ્ય વ્યાજ દર યથા સ્થાને જાળવી રાખ્યો હતો.
નોંધવુ રહ્યું કે પાછલા સત્રમાં, સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ થયા હતા. આ જોતાં પ્રોફીટ બુકિંગની શક્યતા છે, પરંતુ બજારના વિશ્લેષકો અનુસાર અંડર ટોન મજબૂત છે.
ટોચના માર્કેટ અનાલિસ્ટ કહે છે કે, ઇક્વિટી બજારોને અસર કરવાની ક્ષમતા ધરાવતા કેટલાક અવરોધો ઉભરી આવ્યા છે. જેમાં એક જીઓ પોલિટિકલ ટેન્શન છે. ઈરાન-ઈઝરાયેલ અથડામણ તેમાં મુખ્ય છે.
બીજી ચિંતા છે કે ફેડરલ તરફથી અપેક્ષિત દરમાં ઘટાડો ત્રણ કરતા ઓછો હોઈ શકે એવી અટકલની, અને તેમાં પ્રથમ કટ જુંને બદલે હવે ઑક્ટોબરમાં આવી શકે છે!
આજે બહાર પાડવામાં આવનાર યુએસ જોબ ડેટા આના પર વધુ પ્રકાશ પાડશે. મધ્ય પૂર્વની અથડામણોએ બ્રેન્ટ ક્રૂડને $91 સુધી ધકેલી દીધું છે અને જો ક્રૂડ સતત વધતું રહેશે તો તે ભારત માટે મેક્રો હેડવીન્ડ બની શકે છે.