શેરબજારમાં શા માટે પડ્યો ૧૧૦૦ પોઇન્ટનો કડાકો? જાણો કારણ

નિલેશ વાઘેલા
મુંબઇ: ટેરિફ વોર અને ઇન્ડો-પાક લશ્કરી અથડામણ શાંત થયા પછી શેરબજારને માંડ કળ વળી હતી અને સુધારાના પંથે આગળ વધી રહ્યું હતું ત્યાં ફરી મોટા ગાબડાં અને કડાકા શરૂ થયા હોવાથી રોકાણકારો મૂંઝાયા છે. ગુરુવારના સત્રમાં સેન્સેક્સ ખૂલતા સત્રથી જ ગબડતો રહ્યો હતો અને એક તબક્કે ૧૧૦૦ પોઇન્ટની નીચ સપાટીએ સરકી ગયો હતો.
જોકે, બેન્ચમાર્કે સારો એવો ઘટાડો પચાવ્યો છે અને લગભગ ૪૦૦ પોઇન્ટ રિકવર થયો હતો. અંતે સેન્સેક્સ ૬૪૪.૬૪ પોઇન્ટ અથવા તો ૦.૭૯ ટકાના કડાકા સાથે ૮૦,૯૫૧.૯૯ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.
સેક્ટરલ ધોરણે, નિફ્ટી બેંક, ઓટો, એફએમસીજી, આઈ ટી, ફાર્મા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ જેવા શેરઆંકમાં ૦.૫ ટકાથી ૧.૫ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપમાં ૦.૩૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપે ૦.૧૦ ટકાનો સાધારણ ઘસારો નોંધાવ્યો હતો.
આપણ વાંચો: શેરબજાર: પ્રાઇમરી માર્કેટ માટે અડધો ડઝન કંપનીને સેબીની મંજૂરી
અમેરિકાની રાજકોષીય ચિંતા અને વધતી ટ્રેઝરી યીલ્ડને કારણે વૈશ્ર્વિક સ્તરે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ખૂબ જ નકારાત્મક અસર પડી હોવાથી આગામી યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી અને સંભવિત ફેડરલ રિઝર્વ રેટ નિર્ણયોને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સાવચેતી જોવા મળી હતી. આ ઉપરાંત ક્રૂડ ઓઇલનો ભાવવધારો પણ ભારતીય અર્થતંત્ર માટે નકારાત્મક પરિબળ છે.
યુએસ ટ્રેઝરી પર લાંબા ગાળાના ઉપજ ૧૮ મહિનામાં તેમના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા બાદ ગ્લોબલ ઇકવિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. એશિયન ટ્રેડિંગ કલાકો દરમિયાન ૧.૫ વર્ષની ટોચ પર પહોંચ્યા પછી ૩૦ વર્ષની ટ્રેઝરી યીલ્ડ પાંચ ટકાથી ઉપર રહી હતી.
આપણ વાંચો: ભારતીય શેરબજારની સારી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો નોંધાયો
વાસ્તવમાં રેટિંગ એજન્સી મૂડીઝના ડાઉનગ્રેડ પછી અમેરિકાની રાજકોષીય ચિંતામાં વધારો થયો છે. મૂડીઝે ગયા શુક્રવારે યુ.એસ. ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ કર્યા પછી રોકાણકારોનું સેન્ટિમેન્ટ નાજુક રહ્યું છે, જે દેશના વધતા દેવાના સ્તર અંગે વધતી ચિંતાઓ તરફ નિર્દેશ કરે છે.
આ જ કારણસર યુએસ બોન્ડની માગ નબળી પડતી જાય છે. અમેરિકન એસેટ અંગે રોકાણકારોનો ખચકાટ બુધવારે ૨૦-વર્ષના બોન્ડ્સની ૧૬ બિલિયનની હરાજીને મળેલા ઠંડા પ્રતિભાવમાં સ્પષ્ટ હતો, જેના કારણે ઉપજ વધુ વધી ગઈ હતી.
સેન્સેક્સ કંપનીઓમાંથી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ, આઇટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મારુતિમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, ભારતી એરટેલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ વધ્યા હતા.