શેરબજારમાં પીછેહઠ સામે પ્રાઇમરી બજારમાં તેજીનો માહોલ...

શેરબજારમાં પીછેહઠ સામે પ્રાઇમરી બજારમાં તેજીનો માહોલ…

નિલેશ વાઘેલા
મુંબઇ
: શેરબજારમાં અફડાતફડી અને પીછેહઠ સામે પ્રાઇમરી બજારમાં તેજી ચાલી રહી છે. આ સપ્તાહે મૂડીબજારમાં ખાસ્સી ધમાલ જોવા મળી છે. આ સપ્તાહે મેઇનબોર્ડના પાંચ અને એસએમઇ સેકટરના પાંચ આઇપીઓ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશ્યા છે અને ત્રણ આઇપીઓનું લિસ્ટિંગ પણ ઊંચા પ્રીમિયમ સાથે થયું છે. આવતા સપ્તાહે પણ મૂડીબજારમાં મોટા આઇપીઓ આવી રહ્યા છે.

બહુપ્રતિક્ષીત એનએસડીએલનો રૂ. ૪૦૧૧ કરોડનો જાયન્ટ આઇપીઓે ૩૦મી જુલાઇએ ખૂલશે. આ શેર માટે પ્રાઇસબેન્ડ રૂ. ૭૬૦થી રૂ. ૮૦૦ પ્રતિ શેર નક્કી થઇ છે. ભરણું પહેલી ઓગસ્ટે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે ભરણું ૨૯ જુલાઇએ ખૂલશે. સંપુર્ણ ભરણુ ૫.૦૧ કરોડ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ છે, જેમાં એનએસઇ, એસબીઆઇ, એચડીએફસી બેન્ક, આઇડીબીઆઇ બેન્ક સહિતના સ્ટેક હોલ્ડર્સ શેર વેચશે. મિનિમમ લોટ ૧૮ શેરનો છે અને રિટેલ ઇન્વેસ્ટર્સ પોર્શન ૩૫ ટકા અનામત છે.

આદિત્ય ઇન્ફોટેક રૂ. ૧,૩૦૦ કરોડનું જાહેર ભરણું લાવી રહી છે, જે ૨૯ જુલાઈના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૩૧ જુલાઈના રોજ બંધ થશે. શેરની ફાળવણી પહેલી ઓગસ્ટે અને એનએસઇ તથા બીએસઇ પર લિસ્ટિંગ પાંચમી ઓગસ્ટે થવાની શક્યતા છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૬૪૦થી રૂ. ૬૭૫ પ્રતિ શેર છે અને અરજી માટે લોટ સાઈઝ ૨૨ શેરની છે. આ ભરણું રૂ. ૫૦૦ કરોડની ફ્રેશ ઇક્વિટી અને રૂ. ૮૦૦ કરોડના ઓફર ફોર સેલનું મિશ્રણ છે.

એમએન્ડબી એન્જિનિયરિંગ લિમિટેડ૩૦મી જુલાઇએ રૂ. ૬૫૦ કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૩૬૬થી રૂ. ૩૮૫ નક્કી થઇ છે. ઓએફએસ અને ફ્રેશ ઇક્વિટીનું મિશ્રણ એવુ આ ભરણું પહેલી ઓગસ્ટે બંધ થશે. અપરબેન્ડને આધારે કંપનીનું માર્કેટ કેપિટલ રૂ. ૨૨૦૦ કરોડ સુધી પહોંચે છે. રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ૧૦ ટકા હિસ્સો અનામત છે અને લિસ્ટિંગ છઠી ઓગસ્ટે થશે.

આ ઉપરાંત બ્રિગેડ હોટલ વેન્ચર, શાંતિ ગોલ્ડ, શ્રી લોટસ ડેવલપર, લક્ષ્મી ઇન્ડિયા, હાઇવે ઇન્ફાસ્ટ્રકચર સાથે એસએમઇ સેગમેન્ટના બારેક આઇપીઓ ખૂલી ગયા છે અથવા ખૂલી રહ્યાં છે. હાલમાં રોકાણકારો સેક્ધડરી માર્કેટ કરતા પ્રાઇમરી માર્કેટ તરફ વધુ ધ્યાન આપી રહ્યા હોય એવું જણાય છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.
Back to top button