શેરબજારમાં ૧૪ આઇપીઓ આવશે, ૧૨ નવા શેરનું લિસ્ટિંગ થશે | મુંબઈ સમાચાર

શેરબજારમાં ૧૪ આઇપીઓ આવશે, ૧૨ નવા શેરનું લિસ્ટિંગ થશે

નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારમાં આ સપ્તાહે ટેરિફના કાઉન્ટડાઉન સાથે એક તરફ અફડાતફડી રહેવાની ધારણાં છે તો બીજી તરફ પ્રાઇમરી માર્કેટમાં ધમધમાટ રહેશે. ૨૮ જુલાઈથી શરૂ થતો આગામી સપ્તાહ આઇપીઓ બજાર માટે સૌથી વ્યસ્ત રહેવાનો છે, કારણ કે કુલ ૧૪ જાહેર ઇશ્યૂ દલાલ સ્ટ્રીટ પર આવશે, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટના પાંચ અને એસએમઇ સેગમેન્ટના નવ આઇપીઓનો સમાવેશ થાય છે.

એ જ સાથે તાજેતરમાં જ આઇપીઓ લાવનારી ૧૨ કંપનીઓના શેરનું બજારમાં લિસ્ટિંંગ થશે. મૂડીબજારમાં પ્રવેશનારી ઉક્ત ૧૪ કંપનીઓ રૂ. ૭,૩૦૦ કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં મેઇનબોર્ડ આઇપીઓ દ્વારા એકત્ર થનારા રૂ. ૭,૦૦૮ કરોડનો સમાવેશ થાય છે. પાછલા સપ્તાહે પ્રવેશેલા બે મેઇનબોર્ડ અને ત્રણ એસએમઇ આઇપીઓ બંધ થશે. શરૂ્રત બે આઇપીઓ સાથે થશે. વિડિઓ સુરક્ષા અને સર્વેલન્સ પ્રોડક્ટ્સ નિર્માતા આદિત્ય ઇન્ફોટેક અને એમએસએમઇ ધિરાણકર્તા લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સની પ્રારંભિક જાહેર ઓફરિંગ મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી આ સપ્તાહે ૨૯ જુલાઈના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

આ પણ વાંચો: શેરબજારમાં રૂ. ૮.૬૭ લાખ કરોડનું ધોવાણ, આગળ શું?

આ પછી બહુપ્રતિક્ષિત નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી એનએસડીએલ અને રિયલ એસ્ટેટ કંપની શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટીના જાહેર ઇશ્યૂ, ૩૦ જુલાઈના રોજ અનુક્રમે રૂ. ૭૬૦-૮૦૦ પ્રતિ શેર અને રૂ. ૧૪૦-૧૫૦ પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ સાથે ખુલશે. પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડિંગ્સ અને સેલ્ફ સપોર્ટેડ રૂફિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર એમએન્ડબી એન્જિનિયરિંગ પણ ૩૦ જુલાઈના રોજ રૂ. ૬૫૦ કરોડનો આઇપીઓ લાવશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. ૩૬૬-૩૮૫ પ્રતિ શેર છે. એસએમઇ સેગમેન્ટમાં, નવ જાહેર ભરણાં આવશે, જેમાં સ્માર્ટફોન રિટેલર ઉમિયા મોબાઇલ અને લોજિસ્ટિક્સ કંપની રેપોનો ૨૮ જુલાઈએ દલાલ સ્ટ્રીટ પર આવશે.

આ પછી કેઇટેક્સ ફેબ્રિક્સ ૨૯ જુલાઈએ ખુલશે, જ્યારે ૩૦ જુલાઈએ, ત્રણ પ્રથમ જાહેર ઇશ્યૂ પ્રવશ કરશે, જેમાં ટાક્યોન નેટવર્ક્સ, મેહુલ કલર્સ અને બી.ડી. ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશછે. રેનોલ પોલીકેમ અને કેશ યુઆરના આઇપીઓ ૩૧ જુલાઈએ ખુલશે. આવતા સપ્તાહે એસએમઇ સેગમેન્ટમાં છેલ્લો જાહેર ઇશ્યૂ ફ્લાઇબીસ પહેલી ઓગસ્ટે ખુલશે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.
Back to top button