શેર બજાર

વિશેષ સત્રના અંતે સેન્સેક્સમાં ૮૮ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૩૫ પૉઈન્ટનો સુધારો

મુંબઈ: ડિઝાસ્ટર રિકવરી સાઈટની ચકાસણી માટે આજે યોજાયેલા બે સત્રના ટ્રેડિંગ સેશનમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ત્રીજા સત્રમાં સુધારો આગળ ધપતા બૉમ્બે સ્ટોક એક્સચેન્જનાં ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૮૮.૯૧ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૩૫.૯૦ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. ગત સાતમી મેના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બૉમ્બે સ્ટોક એક્સચેન્જે આજે ૧૮મી મેના રોજ પ્રાઈમરી માર્કેટમાં થતાં વિક્ષેપો સામે સજ્જતાની ચકાસણી કરવા માટે બે સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પહેલા સત્રમાં પ્રાઈમરી માર્કેટમાં સવારે ૯.૧૫થી ૧૦ દરમિયાન અને બીજા સત્રમાં ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ૧૧.૩૦થી ૧૨.૩૦ દરમિયાન ટ્રેડિંગનું આયોજન કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

એકંદરે ગઈકાલે વિશ્ર્વ બજારમાં ખાસ કરીને અમેરિકામાં ફુગાવાના જાહેરાત પશ્ર્ચાત્ ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે ડાઉ જૉન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ પહેલી વખત ૪૦,૦૦૦ની સપાટીને સ્પર્શીને પાછો ફર્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૬૧૬.૭૯ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. વધુમાં જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું કે અમેરિકી બજારમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે સ્થાનિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ફરી શરૂ થતાં બજારનાં સુધારાને ટેકો મળ્યો હતો અથવા તો બજાર પરનું દબાણ હળવું થયું હતું. દરમિયાન આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૭૩,૯૧૭.૦૩ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૭૩,૯૨૧.૪૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૩,૯૨૦.૬૩ અને ઉપરમાં ૭૪,૧૬૨.૭૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૧૨ ટકા અથવા તો ૮૮.૯૧ પૉઈન્ટ વધીને ૭૪,૦૦૫.૯૪ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૨,૪૬૬.૧૦ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૨૨,૫૧૨.૮૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૨૨,૪૭૦.૦૫થી ૨૨,૫૨૦.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૧૬ ટકા અથવા તો ૩૫.૯૦ પૉઈન્ટ વધીને ૨૨,૫૦૨ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સિવાય આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૭૭ ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૪૮ ટકાનો સુધારો આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button