ફેડરલ દ્વારા રેટકટનો આશાવાદ સપાટી પર આવતા સેન્સેક્સ 1022 પૉઈન્ટ ઉછળ્યો, નિફ્ટીએ 320 પૉઈન્ટની તેજી સાથે 25,200ની સપાટી પાર કરી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 9-10 ડિસેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા સપાટી પર આવતા વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ ચાર સત્રની મંદીને બે્રક લાગી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 1022.50 પૉઈન્ટના ઉછાળા સાથે 85,600ની સપાટી પાર કરી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીએ 320.50 પૉઈન્ટની તેજી સાથે 26,200ની સપાટી કુદાવી હતી. જોકે, ઈન્ટ્રા ડે દરમિયાન સેન્સેક્સમાં 1057.18 પૉઈન્ટની અને નિફ્ટીમાં 330.35 પૉઈન્ટની તેજી જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 84,587.01ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 84,503.44ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 85,644.19 અને નીચામાં 84,478.13ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 1.21 ટકા અથવા તો 1022.50ના સુધારા સાથે 85,609.51ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 25,884.80ના બંધ સામે 25,842.95ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 85,842.95 અને ઉપરમાં 26,215.15ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 1.24 ટકા વધીને 26,205.30ની સપાટીએ બંધ રહ્યો હતો.
આ પણ વાંચો: ફેડરલની મિનિટ્સની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં એક ટકાનો ઉછાળો
ગઈકાલે અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના રિટેલ વેચાણનાં અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાતમાં માગ શાંત પડવાની સાથે ફુગાવો પણ શાંત પડે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતાં વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક સ્તરે પણ લગભગ તમામ ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની લેવાલીને ટેકે આકર્ષક રેલી જોવા મળી હોવાનું ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થ ટૅક કંપની એનરીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પૉન્મુડી આરએ જણાવ્યું હતું. વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 785.32 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલે તેજીને ટેકો પૂરો પાડ્યો હતો.
એકંદરે વૈશ્વિક સ્તરે ફેડરલના રેટકટનો આશાવાદ, ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો અને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામના વધી રહેલા આશાવાદને કારણે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળે તેવી શક્યતાને કારણે બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. તે જ પ્રમાણે રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ ડિસેમ્બરમાં રેટકટ કરે તેવા આશાવાદ સાથે આગામી મહિનાના આરંભે રિઝર્વ બૅન્ક પણ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતાં તેજીને ઈંધણ મળ્યું હતું.
આ પણ વાંચો: ફેડરલના રેટ કટના આશાવાદે વિશ્વ બજાર પાછળ સેન્સેક્સમાં 369 પૉઈન્ટની તેજી, નિફ્ટી 118 પૉઈન્ટ વધીને 26,000ની પાર
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર બીએસઈ ખાતે કુલ 4325 શૅરમાં કામકાજ થયા હતા. જેમાંથી 2721 શૅરના ભાવ વધીને 1453 શૅરના ભાવ ઘટીને અને 151 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 111 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 170 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. જોકે, આજે છ શૅરોમાં નીચલી સર્કિટ લાગી હતી. આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી માત્ર ભારતી એરટેલમાં 1.56 ટકાનો અને એશિયન પેઈન્ટસમાં 0.03 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ 28 શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. જેમાં સૌથી વધુ 2.63 ટકાનો સુધારો બજાજ ફિનસર્વમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે બજાજ ફાઈનાન્સમાં 2.52 ટકાનો, ટાટા સ્ટીલમાં 2.04 ટકાનો, રિલાયન્સમાં 1.99 ટકાનો, ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સમાં 1.92 ટકાનો અને એક્સિસ બૅન્કમાં 1.91 ટકાનો સુધારો આવ્યો હતો. તે જ પ્રમાણે આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી માત્ર છ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે 44 શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા.
વધુમાં આજે બીએસઈ ખાતે મિડકેપ ઈન્ડેક્સમાં 1.32 ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1.23 ટકાનો ઉછાળો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ ખાતેના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ પૈકી માત્ર ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્યત્વે મેટલ ઈન્ડેક્સમાં 2.08 ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં 1.81 ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં 1.68 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.65 ટકાનો, સર્વિસીસ ઈન્ડેક્સમાં 1.63 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 1.59 ટકાનો અને કૉમૉડિટી ઈન્ડેક્સમાં 1.58 ટકાનો ઉછાળો આવ્યો હતો.
આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225 અને હૉંગકૉંગનો હૅંગસૅંગ અનુક્રમે 2.67 ટકા, 1.85 ટકા અને 0.13 ટકાના સુધારા સાથે બંધ રહ્યો હતો, જ્યારે શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ જ મધ્યસત્ર દરમિયાન યુરોપના બજારોમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.03 ટકા વધીને બેરલદીઠ 62.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.



