નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પને વિજય મળવાની સંભાવના વધવા સાથે સ્થાનિક શેરબજારમાં લેવાલી પણ વધતી ગઇ અને એક તબક્કે સેન્સેક્સમાં 1000 પોઇન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો. આ ટમ્પ વિજયનો ઉન્માદ કેટલો ટકશે એ તો સમય જ જણાવશે પરંતુ, પાછલા સોમવારે લગભગ 1500 પોઇન્ટના કડાકાને કારણે રોકાણકારોનો વિશ્ર્વાસ ડગમગી ગયો હતો, ત્યારબાદ હાલ બજારમાં તેજીનો આશાવાદ ફરી જાગ્યો છે.
Also read: પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પની સરસાઈ સાથે વૈશ્વિક સોનામાં પીછેહઠ
યુએસ ચૂંટણીના અંતિમ પરિણામો હજુ બાકી હોવા છતાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત બીજી ટર્મ અંગે રોકાણકારોએ અનુમાન લગાવ્યું હોવાથી બુધવારે ભારતીય શેર્સમાં વધારો થયો હતો.
સત્ર દરમિયાન સેન્સેક્સ ૧૦૯૨ પોઇન્ટના ઉછાળા સાથે 80,000ની સપાટી પુન:હાસલ કરીને ૮૦,૫૭૦ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાયો હતો અને આ લખાઇ રહ્યું છે ત્યારે પણ પાછલા બંધ સામે 900 પોઇન્ટ ઊંચી સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે.
અમેરિકામાં ટ્રમ્પના સતાધિશ થવાને કારણે ભારતીય શેરબજાર પર થનારી અસરો આમ તો વિરોધાભાસી છે, જેમ કે ઓઇલ રિફાઇનરી કંપનીઓને લાભ તો ફાર્મા અને આઇટી કંપનીઓને માટે પડકારો ઊભા થવાની ધારણાં છે. કદાચ આ જ કારણસર ભારતીય ટેક જાયન્ટ્સ કંપનીઓના શેરના ભાવમાં વધઘટ થતી જોવા મળી હતી.
Also read: US Election Results Live:પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી, કહ્યું મારા મિત્રનેઐતિહાસિક જીત પર અભિનંદન
તેજીનું માનસ હોવા છતાં બજારમાં અનિશ્ર્ચિતતા અને મૂંઝવણનો માહોલ છે. બજારના નિષ્ણાતોએ માને છે કે, અમેરિકાની ચૂંટણી સંબંધિત કોલાહલ અને આશાવાદનો માહોલ માત્ર થોડા દિવસો સુધી જ ચાલશે અને ત્યારપછી બજારના વલણની દિશા આર્થિક ફંડામેન્ટલ્સ નક્કી કરશે.