નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારે કેટલાક સત્રથી નીરસ ચાલ બતાવ્યા બાદ આજે જોરદાર છલાંગ લગાવીને રોકાણકારોને રાજી કરી દીધા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૨૦૦ પોઇન્ટથી ઊંચી છલાંગ લગાવી આગળ વધી રહ્યો છે. જ્યારે નિફ્ટીએ ૨૧,૭૦૦ની સપાટી વટાવી નાખી છે.
હાલ તેજીના કારણો વૈશ્વિક બજારો અને બાહ્ય પરિબળો છે. અત્યારે શેરબજારમાં જોકે વોલેટિલિટી વધવાની સંભાવના છે, કારણકે આ એક એક્શન પેક સપ્તાહ છે. બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે મક્કમ ટોન સાથે ટ્રેડિંગ કર્યું હતું. ચીને તેના બજારોને પ્રોત્સાહિત કરવા માટે પગલાં જાહેર કર્યા પછી એશિયન શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો.
એ જ રીતે, યુએસ ડેટામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વહેલી તકે ઘટાડો થવાના સંકેત સાંપડ્યા હોવાથી વિશ્વ બજારના સેન્ટિમેન્ટને તેજીનો અણસાર મળ્યો હતો. દલાલ સ્ટ્રીટ પર આ એક એક્શન-પેક્ડ અઠવાડિયું હશે જેમાં બહુપ્રતિક્ષિત વચગાળાનું બજેટ રજૂ થવાનું છે અને કોર્પોરેટ પરિણામો આવી રહ્યા છે.
દરમિયાન ભારત VIX ઇન્ડેક્સ આજે 8% વધ્યો છે, જે આગળની ઉથલપાથલ વધવાની શક્યતા દર્શાવે છે. નિફ્ટી ફાઇનાન્શિયલ, મીડિયા, પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંકના ઇન્ડેક્સમાં 1%થી વધુ ઉછાળો જોવા મળ્યો છે.
અગ્રણી માર્કેટ એનાલિસ્ટે કહ્યું કે, આ અઠવાડિયે બે મહત્વની ઘટનાઓ થવાની છે: વચગાળાનું બજેટ અને રેટના નિર્ણય અંગેની અમેરિકાની ફેડરલ રિઝર્વની બેઠક.
પરંતુ, તેમના મતે આ ઘટનાઓ બજારને મોટી અસર કરે તેવી શક્યતા નથી. બજારને અસર કરી શકે તેવી મોટી જાહેરાતો વિના બજેટ એક વોટ ઓન એકાઉન્ટ હશે. એ જ રીતે ફેડરલના નિર્ણય અંગે જોઈયે તો, વ્યાજ દરમાં કોઈ વહેલા કાપની અપેક્ષા નથી, પરંતુ તેની કોમેન્ટ્રી પર ઝીણવટથી નજર રાખવામાં આવશે. એકંદર બજારને તેના પરથી જ દિશા મળશે.
Taboola Feed