
નિલેશ વાઘેલા
મુંબઇ: આઇટી અને ફાઇનાન્શિયલ શેરોમાં વેલ્યુ બાઇંગ સાથે બજારને ટેકો મળતાં સતત ત્રીજા સત્રની આગેકૂચમાં નિફ્ટીએ ૨૫,૦૦૦ પોઇન્ટની સપાટી ફરી હાંસલ કરી છે, જ્યારે સેન્સેક્સે ૫૮૩૬ પોઇન્ટનો વધારો નોંધાવ્યો છે. સેન્સેક્સ સત્ર દરમિયાન ૬૩૯ પોઇન્ટ સુધી ઉચળીને અંતે ૫૮૨.૯૫ પોઇન્ટ અથવા તો ૦.૭૨ ટકાના વધારા સાથે ૮૧,૭૯૦.૧૨ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૧૮૩.૪૦ પોઇન્ટ અથવા તો ૦.૭૪ ટકાના સુધારા સાથે ૨૫,૦૭૭.૬૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે.
સેન્સેક્સના શેરોમાં ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, બજાજ ફાઇનાન્સ, ઇટર્નલ, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રઆ બેન્ક અને બજાજ ફિનસર્વ ટોપ ગેઇનર રહ્યા હતા. જ્યારે ટાટા સ્ટીલ, અગાણી પોર્ટ, પાવર ગ્રઈડ અને ટાઇટન ટોપ લુઝર શેરોમાં સામેલ હતા.
કોર્પોરકેટ પરિણામની મોસમ શરૂ થતાં પહેલા આઇટી શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. જ્યારે બેન્કોના મજબૂત અપડેટ્સને કારણે બેન્ક શેરોમાં લેવાલી જોવા મળી હતી. ટાટા કેપિટલના આઇપીઓમાં પહેલી પચ્ચીસ મિનિટમાં જ એક લાખથી વધુ અરજી મળી હોવાની બજારમાં ચર્ચા હતી. પેસ ડિજીટેક ચાર ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો.
કેનેરા રોેબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીએ તેના રૂ. ૧૩૨૬ કરોડના આઇપીઓ માટે રૂ. ૨૫૩થી રૂ. ૨૬૬ પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આઇપીઓ નવમી ઓક્ટોબરથી ૧૩મી ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે, જે સંપૂર્ણપણે ૪.૯૮ કરોડ ઇક્વિટી શેરની ઓએફએસ છે. ફાળવણી ૧૪મી ઓકટોબરે અને એનએસઇ તથા બીએસઇ પર લિસ્ટીંગ ૧૬મી ઓક્ટોબરે થશે. મિનિમમ લોટ ૨૬ શેરનો છે.
પેસીવ મ્યુચ્યુઅલ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ ૨૦૨૫માં ઝડપી વૃદ્ધિ સાથે રૂ. ૧૨.૨૦ લાખ કરોડની સ્તરે પહોંચી છે, જે ૨૦૧૯ના રૂ. ૧.૯૧ લાખ કરોડ સામે, એટલે કે છ વર્ષમાં છગણી વૃદ્ધિ દર્શાવે છે. માર્ચ ૨૦૨૩થી બે વર્ષમાં એસેટ બેઝમાં ૧.૭૦ ગણો વધારો થયો છે.
રૂબીકોન રિસર્ચ લિમિટેડનો રૂ. ૧,૩૭૭.૫૦ કરોડના બુક બિલ્ડ ઇશ્યૂ સાથે નવમી ઓક્ટોબરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૩ ઓક્ટોબરના રોજ બંધ થશે. શેરની ફાળવણી ૧૪ ઓક્ટોબરના રોજ અને એનએસઇ તથ બીએસઇ પર લિસ્ટિંગ તારીખ ૧૬ ઓક્ટોબરા થશે.
પ્રાઇસ બેન્ડ રૂ. ૪૬૧થી રૂ. ૪૮૫ પ્રતિ શેર છે. અરજી માટે લોટ સાઈઝ ૩૦ છે.
વેદાંતા ગ્રુપ, રૂનવાલ ડેવલપર્સ, સ્ટર્લાઇટ ઇલેક્ટ્રિક, રાય્સ પાવર ઇન્ફ્રા અને ઓગમેન્ટ એન્ટરપ્રાઇસ સહિત છ કંપનીઓએ સેબી પાસે પેપર્સ જમા કરાવ્યા છે. રોટોમેગ એનરટેક, ઓસવાલ કેબલ્સ અને પ્રાઇડ હોટલ્સે પણ મૂડીબજારમાં પ્રવેશવા સેબીનો સંપર્ક સાધ્યો છે.
ટોચના ફંડ મેનેજરે કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરની કમાણીની મોસમ શરૂ થઈ રહી હોવાથી બજારની ચાલ માટે આ અઠવાડિયું મહત્વપૂર્ણ રહેશે, આઇટી અગ્રણી કંપની ટીસીએસ નવમી ઓક્ટોબરે પરિણામો જાહેર કરશે. મેક્રોઇકોનોમિક મોરચે, લોન અને ડિપોઝિટ વૃદ્ધિ પર બેંકિંગ ક્ષેત્રના ડેટા સાથે, એચએસબીસી સર્વિસિસ અને સંયુક્ત પીએમઆઇના ડેટા પર નજીકથી નજર રાખવામાં આવશે.
ટાટા કેપિટલ અને એલજી ઇલેક્ટ્રોનિક્સના મોટા આઇપીઓ સાથે, પ્રાથમિક બજારની પ્રવૃત્તિ પણ મજબૂત રહેવાની છે. વૈશ્ર્વિક સ્તરે, અમેરિકાની વર્તમાન ખાસ કરીને ચાલુ સરકારી શટડાઉનની પૃષ્ઠભૂમિ સામે, મુખ્ય યુએસ મેક્રોઇકોનોમિક અપડેટ્સ, જેમાં એફઓએમસી મિનિટ્સ, બેરોજગારીના દાવાઓ અને ગ્રાહક ભાવના ડેટાનો સમાવેશ થાય છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
શટડાઉનને કારણે પહેલાથી જ કેટલાક આર્થિક ડેટાની જાહેરાતમાં વિલંબ થયો છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં પૂરા થયેલા ક્વાર્ટર માટે ટીસીએસના કોર્પોરેટ પરિણામ જાહેર થશે ત્યારે આઇટી ક્ષેત્ર સ્પોટલાઇટમાં રહેશે. દરમિયાન, એનએસઇ અને બીએસઇ દ્વારા ૨૨ સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા પરિપત્રો મુજબ, દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર આ વર્ષે ૨૧ ઓક્ટોબરે યોજાશે.
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર બપોરે ૧:૪૫ વાગ્યાથી ૨:૪૫ વાગ્યાની વચ્ચે યોજાશે અને ટ્રેડ મોડિફિકેશનનો અંતિમ સમય બપોરે ૨:૫૫ વાગ્યાનો રહેશે. આ ઉપરાંત ઈક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઈંગ જેવા વિવિધ સેગમેન્ટમાં એક જ સમય સ્લોટમાં ટ્રેડિંગ થશે.
આ પણ વાંચો…મોંઘવારી અને આર્થિક સંકટ સામે લડવા ઈરાનનું મોટુ પગલુ, ચલણમાંથી ચાર શૂન્ય દૂર કરાયા