આઈટી, ઑટો શૅરમાં વ્યાપક વેચવાલીના દબાણે સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ત્રીજા સત્રમાં પીછેહઠ

સેન્સેક્સમાં વધુ 313 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 74 પૉઈન્ટનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ખાસ કરીને આઈટી અને ઑટો શૅરમાં વેચવાલીના દબાણ ઉપરાંત ગઈકાલે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4171.75 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સાર્વત્રિક સ્તરેથી રોકાણકારોની વેચવાલી વધતા સતત ત્રીજા સત્રમાં પીછેહઠ જોવા મળી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 313.70 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 74.70 પૉઈન્ટનો ઘટાડો આગળ ધપ્યો હતો.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 84,900.71ના બંધ સામે સુધારાના અન્ડરટોને 85,008.93ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 85,110.24 અને નીચામાં 84,536.73ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 0.37 ટકા અથવા તો 313.70 પૉઈન્ટના ઘટાડા સાથે 84,587.01ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે બીએસઈ ખાસે 4330 શૅરમાં કામકાજ થયા હતા, જેમાં 2095 શૅરના ભાવ વધીને, 2076 શૅરના ભાવ ઘટીને અને 159 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 82 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 284 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા અને નવ શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી.
વધુમાં આજે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 25,959.50ના બંધ સામે વધીને 25,998.50ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 25,857.50થી 26,032.60ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.29 ટકા અથવા તો 74.70 પૉઈન્ટ ઘટીને 25,884.80ના મથાળે બંધ રહ્યો હતો. આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 17 શૅરના ભાવ વધીને અને 33 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.
આ પણ વાંચો: પાછોતરા સત્રમાં રોકાણકારોની વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સ 331 પૉઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 26,000ની સપાટી ગુમાવી…
મંથલી એક્સપાયરીના દિવસે આજે સ્થાનિક બજારમાં ખાસ કરીને રૂપિયાની નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીને કારણે ભારે ચંચળતા જોવા મળી હતી. અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકશે કે નહીં તેની અવઢવ અને અમેરિકા-ભારત વચ્ચેની ટ્રેડ ડીલમાં પ્રગતિ થઈ રહી હોવાના સંકેત છતાં ડીલની સ્પષ્ટતાના અભાવને કારણે રોકાણકારો સાવચેતીનો અભિગમ અપનાવી રહ્યા હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
સેન્સેક્સ હેઠળના કુલ 30 શૅર પૈકી માત્ર સાત શૅરના ભાવ સુધારા સાથે બંધ રહ્યા હતા, જેમાં સૌથી વધુ 1.57 ટકાનો સુધારો ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 1.33 ટકાનો, ટાટા સ્ટીલમાં 0.64 ટકાનો, ઈટર્નલમાં 0.53 ટકાનો, ભારતી એરટેલમાં 0.46 ટકાનો, રિલાયન્સમાં 0.22 ટકાનો અને ટૅક મહિન્દ્રામાં 0.03 ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સમાં 1.62 ટકાનો, ટ્રેન્ટમાં 1.59 ટકાનો, ઈન્ફોસિસમાં 1.25 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 0.99 ટકાનો, એચડીએફસીમાં 0.92 ટકાનો અને એચસીએલ ટેક્નોલૉજીસમાં 0.82 ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 0.19 ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.20 ટકાનો સુધારો આવ્યો હતો.
આ પણ વાંચો: શેરબજારમાં મોટો ફેરફાર: ઈન્ડિગોની પેરન્ટ કંપની સેન્સેક્સમાં જોડાશે, ટાટા જૂથની આ કંપની થશે બહાર
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આઈટી ઈન્ડેક્સમાં 0.75 ટકાનો, બીએસઈ ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 0.64 ટકાનો, ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 0.53 ટકાનો, ટેક ઈન્ડેક્સમાં 0.39 ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં 0.32 ટકાનો, ઑટો ઈન્ડેક્સ તથા યુટિલિટી ઈન્ડેક્સમાં 0.25 ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, તેની સામે રિઅલ્ટી, હૅલ્થકૅર, ટેલિકોમ્યુનિકેશનસ કેપિટલ ગૂડ્સ અને મેટલ ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.
દરમિયાન આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225, શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યાના તેમ જ યુરોપની બજારોમાં મધ્યસત્ર દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું હોવાના અહેવાલ હતા. વધુમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.69 ટકા ઘટીને બેરલદીઠ 62.93 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા ઘટીને 89.22ના મથાળે બંધ રહ્યો હતો.



