આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે બેતરફી વધઘટમાં સેન્સેક્સમાં 13 પૉઈન્ટ અને નિફ્ટીમાં 12 પૉઈન્ટનો સાધારણ ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે મોડી સાંજે અથવા તો બજારના સત્ર પશ્ચાત્ ઔદ્યોગિક ઉત્પાદન તથા જીડીપીના ડેટાની જાહેરાત થવાની હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સત્ર દરમિયાન રોકાણકારોના સાવચેતીના માનસ વચ્ચે ભારે ચંચળતાનું વલણ રહેતાં બજાર બેતરફી વધઘટે અથડાઈ ગઈ હતી અને બે સત્રના સુધારાને બે્રક લાગી હતી. વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 3975.72 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 4148.48 કરોડની ખરીદી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
આજે સત્ર દરમિયાન બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 392.07 પૉઈન્ટની વધઘટના અંતે 13.71 પૉઈન્ટના ઘટાડા સાથે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 95.75 પૉઈન્ટની વધઘટના અંતે 12.60 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
આપણ વાચો: ઈક્વિટી માર્કેટ ગુજરાતના નવા રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ, 50 ટકાનો ઘટાડો
જોકે, આજે સરકારે મોડી સાંજે ઑક્ટોબર મહિનાના આઈઆઈપી અથવા તો ઔદ્યોગિક ઉત્પાદનના ડેટાની જાહેરાત આગામી પહેલી ડિસેમ્બરે કરવામાં આવશે એમ જણાવ્યું હતું, જ્યારે ગત જુલાઈથી સપ્ટેમ્બર મહિના સુધીનાં સિકગાળામાં ખાસ કરીને જીએસટીના દરમાં ઘટાડાને કારણે વપરાશી માગ વધતાં જીડીપી વૃદ્ધિદર છ ત્રિમાસિકગાળાની સૌથી ઊંચી 8.2 ટકાની સપાટીએ રહ્યો હોવાનું આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 85,720.38ના બંધ સામે સુધારાના અન્ડરટોને 85,791.55ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 85,969.89 અને નીચામાં 85,577.82ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે સાધારણ 0.02 ટકા અથવા તો 13.71 પૉઈન્ટના ઘટાડા સાથે 85,706.67ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 26,215.55ના બંધ સામે વધીને 26,237.45ના મથાળે ખૂલ્યા બાદ ઉપરમાં 26,280.75 અને નીચામાં 26,172.40ની રેન્જમાં રહીને અંતે 0.05 ટકા અથવા તો 12.60 પૉઈન્ટના ઘટાડા સાથે 26,202.95ની સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે આજે સાવચેતીના અભિગમ વચ્ચે બજારમાં નિરસ કામકાજો વચ્ચે બે સત્રની તેજીએ થાક ખાધો હોવાનું રેલિગેર બ્રોકિંગ લિ.નાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું.
વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળાના જીડીપીનાં અને ઑક્ટોબર મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના ડેટાની જાહેરાત બજાર બંધ થયા પછી થવાની હોવાથી આજે બજાર સાંકડી વધઘટે અથડાઈ ગઈ હતી તેમ જ તાજેતરમાં જોવા મળેલા સુધારા પશ્ચાત્ ચોક્કસ શૅરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ પણ જોવા મળ્યું હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
બીએસઈ ખાતે આજે કુલ 4312 શૅરોમાં કામકાજ થયા હતા, જેમાં 1960 શૅરના ભાવ વધીને, 2197 શૅરના ભાવ ઘટીને અને 155 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ 117 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 161 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. આજે સેન્સેકસ હેઠળના 30 શૅર પૈકી 12 શૅરના ભાવ વધીને અને 18 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય વધનાર શૅરમાં મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 2.07 ટકાનો, સન ફાર્મામાં 1.20 ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 0.69 ટકાનો, કોટક બૅન્કમાં 0.65 ટકાનો અને અદાણી પોર્ટસમાં 0.53 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં પાવરગ્રીડ કોર્પોરેશનમાં 1.39 ટકાનો, ઈટર્નલમાં 0.83 ટકાનો, ભારતી એરટેલમાં 0.70 ટકાનો, એક્સિસ બૅન્કમાં 0.55 ટકાનો, બજાજ ફિનસર્વમાં 0.42 ટકાનો અને ઈન્ફોસિસમાં 0.41 ટકાનો ઘટાડો આવ્યો હતો.
આપણ વાચો: ઈક્વિટી માર્કેટમાં રિબાઉન્ડ અને ટ્રેડ ડીલના આશાવાદે રૂપિયો 23 પૈસા ઊંચકાયો…
જોકે, આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 19 શૅરના ભાવ વધીને, 29 શૅરના ભાવ ઘટીને અને બે શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. વધુમાં આજે બીએસઈ ખાતે સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.13 ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં 0.04 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ બીએસઈનાં સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં બીએસઈ ઑટો ઈન્ડેક્સ 0.55 ટકા, હેલ્થકેર ઈન્ડેક્સ 0.36 ટકા, મેટલ ઈન્ડેક્સ 0.23 ટકા, એફએમસીજી ઈન્ડેક્સ 0.23 ટકા, સર્વિસીસ ઈન્ડેક્સ 0.2 ટકા, ક્નઝ્યુમર ડિસ્ક્રેશનરી ઈન્ડેક્સ 0.18 ટકા, કોમોડિટીઝ ઈન્ડેક્સ 0.1 ટકા, બેન્કેક્સ 0.08 ટકા અને ક્નઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 0.03 ટકા વધ્યા હતા,
જ્યારે તેની સામે ઑઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.97 ટકા, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સ 0.91 ટકા, એનર્જી ઈન્ડેક્સ 0.64 ટકા, પાવર ઈન્ડેક્સ 0.57 ટકા, યુટિલિટીઝ ઈન્ડેક્સ 0.37 ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ઈન્ડેક્સ 0.31 ટકા, ટેકનોલૉજી ઈન્ડેક્સ 0.3 ટકા, કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 0.21 ટકા, રિઅલ્ટી ઈન્ડેક્સ 0.19 ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સ 0.1 ટકા અને આઈટી 0.08 ટકા ઘટ્યાં હતા.
એશિયન બજારોમાં આજે દક્ષિણ કોરિયાના કોલ્પી અને હૉંગકૉંગના હૅંગસૅંગમાં નરમાઈનું વલણ હતું, જ્યારે જાપાનનો નિક્કી 225 ઈન્ડેક્સ અને શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ સુધારાના અન્ડરટોને બંધ રહ્યો હતો, જ્યારે યુરોપના બજારમાં મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. વધુમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.25 ટકા વધીને બેરલદીઠ 63.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.



