સતત ત્રીજા દિવસની પછડાટમાં સેન્સેક્સે ૫૭૧ પોઇન્ટ ગુમાવ્યા, નિફ્ટી ૧૯૭૫૦ની નીચે સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજ વૃદ્ધિને લગતા પ્રતિકૂળ સંકેતને કારણે ડહોળાયેલા વૈશ્ર્વિક હવામાન વચ્ચે સ્થાનિક બજારમાં પણ સતત ત્રીજા દિવસે વેચવાલીનું દબાણ વધી જતાં સેન્સેક્સ ૫૭૦.૬૦ પોઇન્ટ અથવા તો ૦.૮૫ ટકાના ગાબડાં સાથે ૬૬,૨૩૦.૨૪ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૫૯.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૮૦ ટકાના કડાકા સાથે ૧૯,૭૪૨.૩૫ પોઇન્ટની સપાટીએ સ્તિર થયો હતો. સેન્સેક્સ સત્ર દરમિયાન ૬૭૨.૧૩ પોઇન્ટ અથવા તો એક ટકાના કડાકા સાથે ૬૬,૧૨૮.૭૧ પોઇન્ટની સપાટીને અથડાયો હતો.
ઓટો, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેગમેન્ટના શેરોમાં સારી વેચવાલી જોવા મળી હતી. ઊંટા વેલ્યુએશન અને આગળના જોખમની અટકળો વચ્ચે પીએસયુ બેન્ક અને મિડ તથા સ્મોલ કેપ શેરોમાં જોરદાર ધોવાણ રહ્યું હતું. ક્રૂડ ઓઇલના ભાવ, ફેડરલની આ વર્ષે ફરી વ્યાજદરમાં વધારો કરવાની ચેતવણી અને સ્થાનિક સ્તરે વરસાદની ખાધને કારણે સેન્ટિમેન્ટ ખોરવાયેલું રહ્યું હતું. આઇસીઆઇસીઆઇ બેન્ક ૨.૮૧ ટકાના કડાકા સાથે સેન્સેક્સ પેકમાં ટોપ લુઝર બન્યો હતો. આ યાદીમાં ત્યારપછી મહ્નિદ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડસઇન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક અને પાવરગ્રીડનો સમાવેશ હતો. જ્યારે ટોપ ગેઇનર્સમાં ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ, હિન્દુસ્તાન યુનિલીવર, લાર્સન એન્ડ ટૂબ્રો અને ટાઇટનનો સમાવેશ હતો.
સેક્ધડરી માર્કેટમાં મંદીનો માહોલ છે પરંતુ મૂડીબજારમાં ઘસારો છે. ઇન્ટિગ્રેટેડ ફેસિલિટીઝ મેનેજમેન્ટ કંપની અપડેટર સર્વિસિસનો આઇપીઓ ૨૫મીએ ખૂલી રહ્યો છે અને ૨૭મીએ બંધ થશે. કુલ રૂ. ૬૪૦ કરોડના આ ભરણાં માટે રૂ. ૨૮૦થી રૂ. ૩૦૦ની પ્રાઇસ બેન્ડ નકકી કરવામાં આવી છે. ફ્રેશ ઇક્વિટી ઇશ્યુ રૂ. ૪૦૦ કરોડનો અને ઓએફએસ હેઠળ પ્રમોટર અને શેરધારકો ૮૦ લાખ ઇક્વિટી શેર ઓફર કરશે. મિનિમમ બિડ લોટ ૫૦ શેરનો છે અને તે બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે.
એનએસઇ ઇમર્જ પર ૨૫મીએ બે એસએમઇ આવી રહ્યાં છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (વીએફએક્સ)માં નિષ્ણાત ડિજીકોર સ્ટુડિયો લિમિટેડ ૨૫મી સપ્ટેમ્બરે ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ સાથે મૂડીબજારમાં પ્રવેશશે. પ્રાઇસ બેન્ડ રૂ.૧૬૮થી રૂ.૧૭૧ માર્કેટ નક્કી થઇ છે. લોટ સાઈઝ ૮૦૦ ઈક્વિટી શેરની છે. કંપની અપર બેન્ડ પ્રાઇસ પર રૂ. ૩૦.૪૮ કરોડ એકત્ર કરવા ધારે છે, જેમાં શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાના છે.
ભારતની અગ્રણી આઇટી ઇલેક્ટ્રોનિક્સ રિફર્બિશિંગ કંપની ન્યુજૈસા ટેક્નોલોજીસ લિમિટેડ ૨૫મી સપ્ટેમ્બરે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૪૪થી રૂ. ૪૭ નક્કી થઇ છે. કંપની અપર બેન્ડ પ્રાઇસ પર રૂ. ૩૯.૯૩ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેમાં શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાના છે. માર્કેટ લોટ સાઈઝ ૩,૦૦૦ ઈક્વિટી શેરની છે. ઝેગલ એનએસઇ પર ૨૨મીએ લિસ્ટેડ થશે અને તેનો ઇશ્યૂ ૧૮મી સપ્ટેમ્બરે બંધ થયો હતો.
સરકારે જાહેર ક્ષેત્રની માલિકીની એસજેવીએનમાંથી સ્ટેક સેલ માટે ઓએફએસની શરૂઆત કરી છે. સરકાર બે દિવસની ઓફ ફોર સેલ અંતર્ગત એસજેવીએનના ૧૯.૩૩ કરોડ શેર અથવા તો ૪.૯૨ ટકા હિસ્સો શેરદીઠ રૂ. ૬૯ના ભાવે વેચશે.ભારતની વાયર અને સેલ ઉત્પાદક એફએમઈજી કંપનીઓ પૈકી એક પોલીકેબ ઈન્ડિયાએ પોતાની બ્રાન્ડ રિનોવેશન સાથે નવી ફિલોસ્ફી પણ જાહેર કરી છે. કંપનીએ નવો લોગો અને નવી ટેગ લાઇન, આઇડિયાઝ કનેકટેડ જાહેર કરી છે જે તેનો ભાવિ રોડમેપ દર્શાવે છે. ટાટા પાવર રિન્યએબલ એનર્જીએ નેપાળમાં રિન્યુએબડલ એનર્જી ક્ષેત્રે આગળ વધવા માટે નેપાળની ડુગર પાવર સાથે સહયોગ સાધ્યો છે.
નજીકના ગાળામાં બજાર માટે ઘણા પડકારો છે. બ્રેન્ટ ક્રૂડ ૯૪ પર, ડોલર ઇન્ડેક્સ ૧૦૫થી ઉપર, બે વર્ષના અમેરિકન બોન્ડ યીલ્ડ ૫.૦૯ ટકા અને ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે. સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી રોકાણકારોએ સોમવારે ચોખ્ખા ધોરણે રૂ. ૧,૨૩૭ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે તેમના સ્થાનિક સમકક્ષોએ રૂ. ૫૫૩ કરોડના મૂલ્યની ઇક્વિટી ખરીદી હતી.
વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં એકંદર સાવચેતીનું માનસ હતું, રોકાણકારોની ચીનની આર્થિક પરિસ્થિતિ પર પણ ચાંપતી નજર છે અને યુએસ ફેડરલ રિઝર્વ ઉપરાંત અન્ય મુખ્ય કેન્દ્રીય બેંકોના નીતિ નિર્ણયોની પણ આતુરતાથી પ્રતીક્ષા સેવાઇ રહી છે. ક્રૂડ ઓઇલના એકધારા ભાવ વધારાને કારણે વૈશ્ર્વિક સ્તરે ઇન્ફ્લેશન ફરી માથાનો દુખાવો બનશે એવી આશંકા સેવાઇ રહી છે. સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા ૧.૪૬ ટકા, એશિયન પેઈન્ટ ૦.૮૩ ટકા, ઈન્ફોસિસ ૦.૮૦ ટકા, ભારતી એરટેલ ૦.૭૮ ટકા અને હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૨૯ ટકા વધ્યો હતો, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૦૮ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૮૧ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૨.૧૨ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૦૨ ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક ૧.૮૯ ટકા ગબડ્યો હતો. બધા ગ્રુપની કુલ ૧૯ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓને ઉપલી અને ચાર કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.