યુએસ – ઇન્ડિયા ટ્રેડ ટોકની કીક મળતાં સેન્સેક્સ ૫૯૫ પોઇન્ટ ઊછળ્યો

નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકા અને ભારત વચ્ચે શરૂ થયેલી વેપાર વાટાઘાટો સફળ નિવડશે એવી આશા વચ્ચે ખાસ કરીને ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સમાં ૫૬૯૫ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. પાછલા સત્રમાં નરમાઈ પછી, ૧૬ સપ્ટેમ્બરના રોજ તેજી ફરી સક્રિય થઈ હતી, જેના કારણે નિફ્ટી ૨૩ ઓગસ્ટ પછી પહેલી વાર ૨૫,૨૦૦ પર પહોંચવામાં સફળ રહ્યો હતો, જેમાં સાર્વત્રિક લેવાલી વચ્ચે તમામ ક્ષેત્રોમાં ખરીદીનો સમાવેશ થતો હતો.
ત્રીસ શેરોવાળો બીએસઈ સેન્સેક્સ ૫૯૪.૯૫ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકા વધીને ૮૨,૩૮૦.૬૯ પોઇન્ટ પર બંધ થયો. દિવસ દરમિયાન, તે ૬૫૭.૭૪ પોઈન્ટ અથવા ૦.૮૦ ટકા વધીને ૮૨,૪૪૩.૪૮ની ઊંચી સપાટી સુધી પહોંચ્યો હતો. જ્યારે પચાસ શેરોવાળો એનએસઈ નિફ્ટી ૧૬૯.૯૦ પોઈન્ટ અથવા ૦.૬૮ ટકા વધીને ૨૫,૨૩૯.૧૦ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.
સેન્સેક્સના શેરોમાં કોટક મહિન્દ્રા બેંક, લાર્સન એન્ડ ટૂબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી, ભારતી એરટેલ અને ટાટા સ્ટીલ નિફ્ટીમાં મુખ્યવધનારા શેરોમાં સામેલ હતા, જ્યારે બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સ ટોપ લુઝર રહ્યા હતા.
સોલર પેનલ બનાવતી સાત્વિક ગ્રીન એનર્જી રૂ. ૯૦૦ કરોડના આઇપીઓ સાથે ૧૯મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૪૪૨થી રૂ. ૪૬૫ નક્કી કરવામાં આવી છે. હરિયાણા સ્થિત આ કંપનીનો આઇપીઓ ૨૩ સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડ ૧૮મીએ ખૂલશે. કંપની ઓડિશામાં રૂ. ૪૭૭.૨૩ કરોડના રોકાણ સાથે ચાર ગીગાનોટની સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદન સવલત સ્થાપી રહી છે.
આ પણ વાંચો: નિફ્ટીની આઠ દિવસની આગેકૂચને બ્રેક, સેન્સેક્સ ૧૧૯ પોઇન્ટ ગબડ્યો
હાઇડ્રોલિક એક્સકેવેટર, મોટર ગ્રેડર, બેકહો લોડર, સોઇલ કોમ્પેકટર સહિતની ક્ધસ્ટ્રકશન મશીનરીની યુએઇ, મેક્સિકો, નેધરલેન્ડ, બેલ્જિયમ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુકે સહિત ૩૦ દેશમાં નિકાસ કરનારી જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝનો રૂ. ૪૬૪ કરોડનો આઇપીઓ ૨૫ સપ્ટેમ્બરે ખૂલશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૧૫થી રૂ. ૧૨૧ પ્રતિ શેર નક્કી થઇ છે. છત્તીસગઢ સ્થિત આ કંપનીના ભરણાંનું સબ્સક્રિપ્શન ૨૯મીએ બંધ થશે.
ભારત અને અમેરિકાના ચીફ નેગોશિએટર્સે વાટાઘાટ શરૂ કરી હોવાથી બજારમાં આશાવાદનું વાતાવરણ રહ્યું હતું. આ ઉપરાંત અમેરિકાની ફેડરલ રિઝર્વ આગામી પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરશે એવી અપેક્ષા વચ્ચે ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં પણ સુધારો રહ્યો હોવાથી તેની સેન્ટિમેન્ટલ ઇફેકટને કારણે સ્થાનિક બજારને ટેકો મળ્યો હતો.
એફએમસીજી સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય શેરઆંક ગ્રીન ઝોનમાં બંધ થયા હતા, જેમાં ઓટો, રિયલ્ટી, ટેલિકોમ પ્રત્યેકમાં એક ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક, એલએન્ડટી, મારુતિ સુઝુકી, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ નિફ્ટીમાં મુખ્યવધનારા શેરોમાં સામેલ હતા, જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, ટાટા ક્ધઝ્યુમર, નેસ્લે, એશિયન પેઇન્ટ્સ ટોપ લુઝર રહ્યા હતા.
આ પણ વાંચો: ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત, સેન્સેક્સમાં 34.09 પોઈન્ટનો વધારો
બીએસઈ પર ૧૪૦થી વધુ શેરોએ તેમની બાવન સપ્તાહની ટોચને સ્પર્શ કર્યો હતો, જેમાં ગોડફ્રે ફિલિપ્સ, આધાર હાઉસિંગ, ઝાયડસ વેલનેસ, એમ્બર એન્ટરપ્રાઇઝ, મુથૂટ ફાઇનાન્સ, મણપ્પુરમ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી, એલ એન્ડ ટી ફાઇનાન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, કમિન્સ ઇન્ડિયા, આનંદ રાઠી, દાલમિયા ભારત, રેડિકો ખૈતાન, અસાહી ઇન્ડિયા, સારદા એનર્જી, ફોર્ટિસ હેલ્થકેર, એચબીએલ એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ થાય છે.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે કોટક બેન્ક ૨.૫૫ ટકા, લાર્સન ૨.૨૮ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૨૨ ટકા, મારુતિ ૧.૯૯ ટકા, ભારતી એરટેલ ૧.૮૫ ટકા, ટાટા સ્ટીલ ૧.૬૫ ટકા, એક્સિસ બેન્ક ૧.૫૩ ટકા, અલ્ટ્રાકેક સિમેન્ટ ૧.૨૮ ટકા, એચસીએલ ટેકનોલોજી ૧.૨૪ ટકા, ઈટર્નલ ૧.૨૪ ટકા, એનટીપીસી ૧.૧૬ ટકા અને બીઈએલ ૧.૧૩ ટકા વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ ૦.૮૭ ટકા અને બજાજ ફાઈનાન્સ ૦.૬૯ ટકા ઘટ્યા હતા.