ટોપ ન્યૂઝશેર બજાર

સેન્સેક્સ સાત મહિનાના નીચલા સ્તરે પટકાયો, રૂપિયો 11 પૈસા તૂટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નબળા વૈશ્વિક વલણો વચ્ચે સ્થાનિક સ્તરે આઇટી, ઓઇલ અને ગેસ શેરોમાં ભારે વેચવાલી અને ધોવાણને કારણે ખખડી ગયેલા સેન્ટિમેન્ટ સાથે સપ્તાહના પહેલા સત્રમાં સેન્સેક્સ ૮૨૪ પોઈન્ટના ગાબડા સાથે સાત મહિનાના નવા નીચલા સ્તરે પટકાયો હતો, જ્યારે નિફ્ટીએ પણ ૨૩,૦૦૦ની સપાટી તોડી નાંખી હતી. આ તરફ આંતરરાષ્ટ્રીય નાણાં બજારમાં ડોલરની મજબૂતી વધવા સાથે સ્થાનિક સ્તરે ડોલરની મજબૂત માગ અને સ્થાનિક ઇક્વિટીમાં નબળા વલણથી રોકાણકારો અને ફોરેક્સ ટ્રેડર્સનું સેન્ટિમેન્ટ ખરડાવાથી સોમવારે અમેરિકન ડોલર સામે રૂપિયો ૧૧ પૈસા ઘટીને ૮૬.૩૩ (પ્રોવિઝનલ) સપાટી પર બંધ થયો છે.

ત્રીસ શેરો ધરાવતો બીએસઇ બેરોમીટર ૮૨૪.૨૯ પોઈન્ટ અથવા ૧.૦૮ ટકા ઘટીને ૭૫,૩૬૬.૧૭ પોઈન્ટ પર બંધ થયો છે, જેમાં તેના ૨૩ શેરો નીચા સ્તરે ગબડ્યા છે અને સાત શેરો સુધારા સાથે બંધ થયા છે. દિવસ દરમિયાન ઇન્ડેક્સ ૭૫,૯૨૫.૭૨ પોઈન્ટની ઊંચી સપાટી અને ૭૫,૨૬૭.૫૯ પોઈન્ટની નીચી સપાટી વચ્ચે ફંગોળાયો હતો. જ્યારે પચાસ શેર ધરાવતો નિફ્ટી ઇન્ડેક્સ ૨૬૩.૦૫ પોઈન્ટ અથવા ૧.૧૪ ટકા ઘટીને ૨૨,૮૨૯.૧૫ પોઈન્ટ પર બંધ થયો, જે છઠી જૂન, ૨૦૨૪ પછી પહેલી વાર ૨૩,૦૦૦ પોઈન્ટના સ્તરથી નીચી સપાટીએ સરક્યો છે.

Also read: શું આ કારણે સેન્સેક્સ ૭૭,૮૦૦ સુધી પટકાયો?

સેન્સેક્સના શેરોમાં એચસીએલ ટેક સૌથી વધુ ૪.૪૯ ટકાના કડાકા સાથે ટોપ લૂઝર બન્યો હતો. ત્યારબાદ સૌથી વધુ ઘટનારા મુખ્ય શેરોની યાદીમાં ઝોમેટો, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ અને ટાટા મોટર્સનો સમાવેશ હતો. ઇન્ફોસિસ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલના શેર પણ ઘટ્યા હતા, જેના કારણે ઇન્ડેક્સ સાત મહિનાથી વધુના તળિયે પહોંચી ગયો હતો. જોકે, આઇસીઆઇસીઆઇ બેંકે ત્રીજા ક્વાર્ટરના આશાસ્પદ પરિણામો પછી ૧.૩૯ ટકાના સુધારા સાથે ગબડતા બજારને ટેકો આપ્યો હતો. હિન્દુસ્તાન યુનિલિવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને લાર્સન એન્ડ ટૂબ્રો અન્ય વધનારા શેરમાં સામેલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button