ફેડરલના રેટ કટ અને ટ્રેડ ટોકની સફળતાની આશા વચ્ચે સેન્સેક્સે બીજા દિવસે આગેકૂચ ચાલુ રાખી

નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાની ફેડરલના રેટ કટ અને ટ્રેડ ટોકની સફળતાની આશા વચ્ચે આઇટી, બેન્ક અને ઓટો શેરની આગેવાનીએક નીકળેલી લેવાલીને આધારે સેન્સેક્સે બીજા દિવસે આગેકૂચ ચાલુ રાખી હતી. સત્ર દરમિયાન ૩૬૧.૨૬ પોઇન્ટ અથવા તો ૦.૪૩ ટકાના ઉછાળા સાથે ૮૨,૭૪૧.૯૫ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૩૧૩.૦૨ પોઇન્ટ અથવા તો ૦.૩૮ ટકાના ઉછાળે ૮૨,૬૯૩.૭૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફટી ૯૧.૫૧ પોઇન્ટ અથવા તો ૦.૩૬ ટકાના સુધારે ૨૫,૩૩૦.૨૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
ભારત અને અમેરિકાના ચીફ નેગોશિએટર્સે વાટાઘાટ શરૂ કરી હોવાથી બજારમાં આશાવાદનું વાતાવરણ રહ્યું હતું. આ ઉપરાંત અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરશે એવી અપેક્ષાની સેન્ટિમેન્ટલ ઇફેકટને કારણે સ્થાનિક બજારને ટેકો મળ્યો હતો.
આ પણ વાંચો : ટેરિફના ફટકાને ફગાવી સેન્સેક્સે લગાવી ૧૫૭૮ પોઇન્ટની છલાંગ…
સેન્સેક્સના શેરોમાં સ્ટેટ બેન્ક, ભારત ઇલેક્ટ્રોનિક્સ, કોટક મહિન્દ્રા બેન્ક, મારુતિ, ટ્રેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ મુખ્ય વધનારા શેરોમાં સામેલ હતા, જ્યારે બજાજ ફિનસર્વ, ટાઇટન, આઇટીસી અને ટાટા સ્ટીલ ટોપ લુઝર રહ્યા હતા. વ્યાપક બજારોમાં સામાન્ય ચાલ જોવા મળી હતી, જેમાં બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૦૮ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૬૮ ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે લાર્જ-કેપ શેરો ઉપરાંત પસંદગીયુક્ત ભાગીદારી દર્શાવે છે.
આઇસીઆઇસીઆઇ બેન્કને રૂ. ૪૯ કરોડની ડીમાન્ડ નોટીસ મળી છે. પીવીવી ઈન્ફ્રા લિમિટેડે તાજેતરમાં રૂ. ૧૩૭.૭૦ કરોડના રોકાણ સાથે અકવા ડાયનેમિક્સ ગ્રીન એનર્જીનો ૪૯ ટકા ઈક્વિટી હિસ્સો હસ્તગત કરવા ઈરાદાપત્ર પર સહીસિક્કા કર્યા છે. બાકીનો ૫૧ ટકા હિસ્સો પ્રોજેક્ટ પૂર્ણ થાય બાદ હસ્તગત કરાશે. સ્ટેટ બેન્કે ડિસઇન્વેસ્ટમેન્ટ હેઠળ તેનો યસ બેન્કમાંનો ૧૩.૧૮ ટકા હિસ્સો રૂ. ૮૮૮૯ કરોડમાં સુમીટોમો મિત્સુ બેન્કિંગ કોર્પને વેચ્યો છે.
પ્રાઇમરી માર્કેટમાં અર્બન કંપનીનો આઇપીઓ ૫૮ ટકાના જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. શ્રીંગાર હાઉસ ઓફ મંગલસૂત્રનો શેર ૧૪ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. સાત્વિક ગ્રીન એનર્જી અને જીકે એનર્જી ૧૯મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશ કરશે. જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ ૨૫ સપ્ટેમ્બરે ખૂલશે.
આ પણ વાંચો : ઇન્ફોસિસની આગેવાનીએ સેન્સેક્સે ૮૧,૧૦૦ની સપાટી પુન: હાંસલ કરી
એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સનો રૂ. ૬૮૭.૩૪ કરોડનો બુક બિલ્ડ ઇશ્યૂ સાથે ૨૨ સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૨૪ સપ્ટેમ્બરના રોજ બંધ થશે. શેરની ફાળવણી ૨૫ સપ્ટેમ્બરના રોજ થશે અને એનએસઇ તથા બીએસઇ પર ૨૯ સપ્ટેમ્બરના રોજ લિસ્ટિંગ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૧૮થી રૂ. ૭૫૪ પ્રતિ શેર છે. અરજી માટે મિનિમમ લોટ સાઈઝ ૧૯ છે..
પીએસયુ બેંકો અને ફાઇનાન્શિયલ સેકટર્સ, આઇટી, મીડિયા અને ઓઇલ અને ગેસમાં સુધારો જોવા મળ્યો, જ્યારે મેટલ, ઓટો અને ક્ધઝ્યુમર ડ્યુરેબલમાં વેચવાલી અનેં ઘટાડો જોવા મળ્યો હતો. ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટી ઇન્ડેક્સ ૨૫,૩૦૦ની ઉપર છે, જે મનોવૈજ્ઞાનિક શક્તિને મજબૂત બનાવે છે. પ્રતિકાર ૨૫,૪૦૦-૨૫,૫૦૦ ઝોનની નજીક હોવાની શક્યતા છે; જ્યારે ૨૫,૦૦૦-૨૪,૯૦૦ની આસપાસ સપોર્ટ સુસંગત છે.
બેન્ક નિફ્ટી ૫૫,૪૯૩.૩૦ પર બંધ થયો છે, જે લગભગ ૦.૬૩ ટકા વધ્યો છે. આ સુધારો બેંકિંગ સ્ટોક્સની મજબૂત ભાગીદારી દર્શાવે છે. ટોચના યોગદાન આપનારાઓમાં પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક અને અઞ સ્મોલ ફાઇનાન્સમાં નબળાઈ જોવા મળી હતી.