સેન્સેક્સ ૧,૦૦૦ પોઈન્ટ ઊછળ્યો: સંપત્તિમાં રૂ. ૯.૭૦ લાખ કરોડનો વધારો

નિલેશ વાઘેલા
મુંબઈ: મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવ ઓછો થતાં એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇસીઆઇસીઆઇ બેંક સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં તીવ્ર લાવલાવ નીકળતાં ગુરુવારે સતત ત્રીજા સત્રમાં તેજી જોવા મળી હતી અને ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
સતત ત્રણ સત્રમાં જોવા મળેલી તેજી સાથે બેન્ચમાર્ક ૧૮૫૯.૦૮ પોઇન્ટ અથવા તો ૨.૨૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો અને બીએસઇમાં લિસ્ટેડ તમામ શેરોના કુલ માર્કેટ કેપમાં રૂ. ૯.૭૦ લાખ કરોડનો વધારો નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્થિર ક્રૂડ ઓઇલના ભાવ અને મુખ્ય ચલણો સામે નબળા યુએસ ડોલરને કારણે રૂપિયામાં મજબૂત વલણને કારણે પણ સેન્ટિમેન્ટને પ્રોત્સાહન મળ્યું હોવાનું બજારના સાધનોએ જણાવ્યું હતું. સત્રને અંતે સેન્સેક્સ ૧,૦૦૦.૩૬ પોઈન્ટ અથવા ૧.૨૧ ટકા વધીને ૮૩,૭૫૫.૮૭ પોઈન્ટ પર સ્થિર થયો હતો.
આપણ વાંચો: ભારતીય શેરબજારમાં આજે પણ તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો નોંધાયો…
દિવસ દરમિયાન, તે ૧,૦૫૬.૫૮ પોઈન્ટ અથવા ૧.૨૭ ટકા વધીને ૮૩,૮૧૨.૦૯ પોઈન્ટ સુધી ઊંચે ઊછળ્યો હતો. બીએસઇ પર ટ્રેડેડ કુલ શેરોમાંથી ૨,૦૯૭ શેર વધ્યા હતા, જ્યારે ૧,૯૦૦ ઘટ્યા હતા અને ૧૫૬ શેર યથાવત રહ્યા હતા. એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૩૦૪.૨૫ પોઈન્ટ અથવા ૧.૨૧ ટકા વધીને ૨૫,૫૪૯ પર પોઈન્ટ પર સ્થિર થયો હતો.
અગ્રણી શેરદલાલે કહ્યું હતું કે, મંથલી એક્સપાઇરીના દિવસે બજારોમાં નિર્ણાયક સત્ર જોવા મળ્યું, જેમાં એક ટકાથી વધુનો વધારો થયો. શરૂઆતથી જ બજારનો ટોન હકારાત્મક હતો, સ્થિર વૈશ્ર્વિક સંકેતો દ્વારા ટેકો મળ્યો, ત્યારબાદ પ્રથમ અર્ધમાં રેન્જબાઉન્ડ ચાલ જોવા મળી હતી.
આપણ વાંચો: શેરબજારમાં સુનામી: સેન્સેક્સ ૧૦૦૦ પોઇન્ટ ઉછળીને ૧૦૦૦ પોઇન્ટ નીચે કેમ પટકાયો?
જોકે, સત્ર આગળ વધતાં ગતિમાં વધારો થયો, જે વિવિધ ક્ષેત્રોમાં પસંદગીના હેવીવેઇટ્સમાં મજબૂત ખરીદીને કારણે થયો. મોટાભાગના ક્ષેત્રોએ તેજીમાં ભાગ લીધો, જેમાં ધાતુઓ, નાણાકીય અને ઊર્જા સેકટરના શેર ટોચના ગેઇનર્સ તરીકે ઉભરી આવ્યા. વ્યાપક બેન્ચમાર્ક ઇન્ડેક્સ પણ ઊંચા ગયા, જેમાં લગભગ અડધા ટકાનો ઉમેરો થયો હતો.
સેન્સેક્સના શેરોમાંથી, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, એટર્નલ, બજાજ ફિનસર્વ, એએનટપીસી, એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેંક ટોપ ગેઇનર્સ રહાયા હતા.
ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર લગભગ બે ટકા વધ્યા હતા, જેના કારણે તેનું બજાર મૂલ્ય ફરીથી રૂ. ૨૦ લાખ કરોડના આંકને પાર કરી ગયું હતું. તેનાથી વિપરીત, ટ્રેન્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, મારુતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ લુઝર રહ્યા હતા.
મિડકેપ ઇન્ડેક્સ ૦.૫૬ ટકા વધ્યો હતો અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૧૨ ટકા વધ્યો હતો. સેકટરલ ઇન્ડેક્સમાં મેટલ ૨.૨૮ ટકા, ઓઇલ અને ગેસ (૧.૮૮ ટકા), એનર્જી (૧.૬૮ ટકા), કોમોડિટીઝ (૧.૩૯ ટકા), નાણાકીય સેવાઓ (૧.૨૫ ટકા), યુટિલીટીઝ (૧.૨૪ ટકા) અને પાવર (૧.૧૩ ટકા વધ્યા હતા. બીજી બાજુ, આઇટી, રિયલ્ટી અને બીએસઈ-કેન્દ્રિત આઇટી ઇન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હતી.