ઓલા ઇલેક્ટ્રિકને સોશિયલ મિડીયાનો મોહ ભારે પડ્યો, સેબી એ આપી ચેતવણી

નીલેશ વાઘેલા
મુંબઇ: કેપિટલ માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડને સ્ટોક એક્સચેન્જને માહિતી પહોંચાડવા અગાઉ સોશિયલ મીડિયા પર તેની વિસ્તરણ યોજનાની માહિતી જાહેર કરવા બદલ ઠપકો આપ્યો છે.
એક્સચેન્જ ફાઇલિંગ મુજબ, ૭મી જાન્યુઆરીએ સેબીએે કંપનીને અન્ય બાબતોની સાથે લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્કોર્સ રિક્વાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ ૨૦૧૫ના કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઈ-મેલ દ્વારા ચેતવણી આપી હતી.
આ પણ વાંચો: Ola Electricને વધુ એક ફટકો! કેન્દ્ર સરકારે પાઠવી કારણ બતાવો નોટિસ
ઓલા ઇલેક્ટ્રિકના સ્થાપક ભાવિશ અગ્રવાલે બીજી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૯:૫૮ વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જ્યારે આ માહિતી બોમ્બે સ્ટોક એક્સચેન્જને બપોરે ૧:૩૬ વાગ્યે અને નેશનલ સ્ટોક એક્સચેન્જને ૧:૪૧ વાગ્યે આપવામાં આવી હતી.
સેબીએે તેના ચેતવણી પત્રમાં લખ્યું છે કે, આ ઉલ્લંઘનોને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યા છે. તમને ચેતવણી આપવામાં આવે છે અને ભવિષ્યમાં સાવચેત રહેવાની અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે તમારા અનુપાલન ધોરણોમાં સુધારો કરવાની સલાહ આપવામાં આવે છે, જે નિષ્ફળ થવા પર યોગ્ય અમલીકરણ પગલાં લેવામાં આવી શકે છે.